હવે 8 વર્ષની નિયમિત સેવા પૂર્ણ કરી હશે તેમને 67,700-2,08,700માંથી 1,23,100-2,15,900ના પગાર ધોરણનો લાભ મળશે
સરકારના વર્ગ-1ના તબીબોને ટીકુ કમિશન અન્વયે આરોગ્ય વિભાગે સાતમા પગાર પંચ મુજબ ઉચ્ચત્તર પગાર ધોરણમાં શરતી ધરખમ વધારો જાહેર કર્યો છે. તે મુજબ પાત્રતા ધરાવતા તજજ્ઞ સેવા વર્ગ-1માં 8 વર્ષની નિયમીત સેવા પૂર્ણ કર્યા બાદ જો અન્ય શરતો પણ સંતોષતા હોય તો છઠ્ઠા પગાર પંચ મુજબ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે 15,600-39,100માંથી 37,400-67,000 અને સાતમા પગાર પંચ મુજબ 67,700-208700માંથી 1,23,100-2,15,900ના પગાર ધોરણનો લાભ આપવાનો જણાવાયું છે.
જે તબીબોએ કોર્ટ કેસ પાછા ખેંચવા માટે એફિડેવીટ કરી છે તેમને આ લાભ આપવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા 7 જૂને બહાર પડાયેલા ઠરાવમાં જણાવાયું છે કે ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવા માટે ગુજરાત મેડિકલ સર્વિસ તજજ્ઞ વર્ગ-1 અને ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન દ્વારા માંગણી કરાઇ હતી. આ સમિતિ દ્વારા સરકારને અહેવાલ રજૂ કરાયો હતો. જેમાં તજજ્ઞ સેવા વર્ગ-1ને ટીકુ કમિશન અન્વયે મળવાપાત્ર ઉચ્ચત્તર પગાર 6 વર્ષે આપવામાં આવે છે. તેના બદલે નિયમિત સેવાના 8 વર્ષ પૂર્ણ કર્યાથી તેમજ જે તબીબોએ હાઇકોર્ટમાં ઉચ્ચત્તર પગાર ધોરણ બાબતે કોર્ટ કેસ દાખલ કર્યા છે તેમને કેસ પરત ખેંચવાની શરતે અગાઉની જેમ સમગ્ર નોકરી દરમિયાન ફક્ત એક જ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે છઠ્ઠા પગાર પંચ મુજબ તથા સાતમા પગાર પંચ મુજબ ગ્રેડ-પેમાં વધારો તેમજ લેવલ-11માંથી લેવલ-13ના પગાર ધોરણનો લાભ આપવાની ભલામણ કરાઇ હતી.
તે મુજબ અમલ કરીને મળવાપાત્ર એરીયસની રકમ ત્રણ સરખા હપ્તામાં ચુકવવામાં આવશે. ઠરાવ મુજબ તબીબોએ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે પરંતુ ફરજમાં ચાલુ નથી તેવા તબીબોના કિસ્સામાં સરકારના નિયમો અને હાઇકોર્ટના ચુકાદાને આધિન વિચારણાં કરવાની રહેશે. આ તબીબોએ ઉચ્ચત્તર પગાર ધોરણની પાત્રતા તારીખ બાદ 8 વર્ષ સુધી સરકારી સેવામાં ફરજ બજાવવાની રહેશે. તે પહેલા રાજીનામું સ્વૈચ્છીક નિવૃત્તિ કે અન્ય કોઇપણ રીતે સેવા છોડી શકાશે નહિં.
આરોગ્ય વિભાગે મેડિકલ કોલેજમાં 478 ડોક્ટર નિયુક્ત કર્યા
રાજ્યની જુદી-જુદી મેડિકલ કોલેજમાં એમ.ડી.-એમ.એસ. તરીકે પાસ થયેલા ઉમેદવારો પૈકી 478 બોન્ડેડ ઉમેદવારોને હાલમાં આગામી એક વર્ષ માટે રાજ્યની જુદી-જુદી મેડિકલ કોલેજોમાં અને આરોગ્ય કેન્દ્રોમાં નિયુક્તિ આપી દેવામાં આવી છે. આ સાથે વિભાગ દ્વારા શરતો પણ જાહેર કરવામાં આવી છે. આ શરતોને આધિન એક વર્ષ સુધી બોન્ડેડ સેવા આપવાની રહેશે. મહત્વની વાત એ છે કે આ ડોક્ટર પૈકી જેઓ એકેડેમીકમાં જવા ઇચ્છતા હોય તેમને બોન્ડમાંથી મુક્તિ આપવી જોઇએ તેવી માંગણી પણ ઉઠવા પામી છે.