ચાર ગામના ખેડૂતોએ ઉચ્ચારી ચિમકી ૧૫૦ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય અને તંત્ર ઘોર નિદ્રામાં : ચાર ગામના ૯ હજાર લોકો ભગવાન ભરોસે
હળવદ તાલુકાના મયુરનગર અને રાયસંગપુર વચ્ચેનો પુલ ગત ચોમાસામાં ધોવાઈ જતાં હજુ “જૈસે થે”ની તુટેલી હાલતમાં હોવાથી ચાડધ્રા, ધુળકોટ સહિત જુના – નવા રાયસંગપુરના ચાર ગામના લોકો હળવદ મામલતદાર, ટીડીઓ તેમજ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. તદ્ઉપરાંત આ બાબતે તંત્ર દ્વારા આગામી દિવસોમાં કોઈ ધ્યાન નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.
મયુરનગર અને રાયસંગપુરને જોડતો પુલ ગત ચોમાસામાં ધોવાઈ જતાં ચાર ગામો સંપર્ક વિહોણા થયા હતાં. મયુરનગરમાં અભ્યાસ કરતાં રાયસંગપુર સહિત ચાર ગામના ૮૫ વિદ્યાર્થીઓનો ભાવિ અંધકારમાં મુકાયો છે તો મયુરનગરથી હળવદ અપડાઉન કરતા ૪૦ વિદ્યાર્થીઓનું શું? આમ મયુરનગરના તૂટેલા પુલથી કૂલ ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓનો સમય વેડફાય છે. એટલું જ નહીં ગામના જગતનો તાત પોતાની જણસી માર્કેટ યાર્ડમાં મોકલવા માટે નદીમાંથી પસાર થઈને જવું પડતું હોવાથી ખેડૂતવર્ગ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, મયુરનગરમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં વાર્ષિક ર૫ કરોડનું વહીવટી થતું હતું પણ પુલ તુટી જતાં ખેડૂત તેમજ અન્ય ખાતેદારોને આવ-જાવ કરવામાં પડતી મુશ્કેલીના કારણે બેંકનું વહીવટી ઠપ્પ થઈ ગયું છે. તો બીજી તરફ મયુરનગરના લોકોનું સ્મશાનઘાટ સામાકાંઠે હોવાથી અંતિમવિધિ કરવા માટે પણ નદીમાંથી પસાર થઇ હાલાકી ભોગવવી પડતી હોય છે. આ તમામ સમસ્યાઓ માટે મામલતદાર કચેરીએ અગાઉ ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓએ મામલતદારને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યો હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તો હાલ વર્તમાન ધારાસભ્ય પરસોતમ સાબરીયાને આ બાબતે ગ્રામજનોએ રજૂઆત કરી હતી પરંતુ તે પણ નિષ્ફળ નિવડી હતી. ચાર ગામના અંદાજે ૯ હજાર લોકો ૧૩ મહિનાથી ભગવાન ભરોસે જીવી રહ્યા છે. ગામલોકોને હવે સંપૂર્ણપણે રાજય સરકાર પરથી ભરોસો ઉઠી ગયો હોય તેમ ગામના હિતેશભાઇ મકવાણાએ જણાવ્યું હતું. અને હવે તો માત્ર ભગવાન જ આ સમસ્યાનું નિરાકરણ લાવશે તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે
હાલ ઉનાળામાં ગ્રામજનોને પુલ પરનો રસ્તો માત્ર અડધા કિ.મી.નો છે જે નદીના વહેણમાંથી ૨ કિમીનો અંતર કાપવા મુશ્કેલી વેઠવી પડે છે. મયુરનગર, રાયસંગપુર સહિત ચાર ગામના સરપંચ સહિત ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તંત્ર દ્વારા પુલનું મરમત કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
આ બાબતે ઝડપથી કાર્યવાહી કરવા અધિકારીઓ સાથે બેઠક કરાશે : જિલ્લા કલેકટર
આ અંગે મોરબી જિલ્લા કલેકટર આઇ.કે. પટેલે જણાવ્યું હતું કે, આર એન્ડ બીના અધિકારીઓને ધ્યાન દોરવામાં આવ્યું છે છતાંય મયુરનગરના પુલ માટે આગામી દિવસોમાં વિભાગીય કચેરી સાથે બેઠક યોજવામાં આવશે અને ટૂંક સમયમાં સમસ્યાના નિવારણ માટે ઝડપથી કાર્યવાહી કરી પુરતા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આત્મવિલોપન કરાશે : ખેડૂતો
છેલ્લા ૧૩ મહિનાથી મયુરનગરનો પુલ તુટી ગયેલ હોવાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે અને હજુ હળવદના ચાર ગામના લોકો સમસ્યાથી પીડાઇ રહ્યા છે ત્યારે આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સ્થાનિક ચાર ગામના ખેડૂતોને આત્મવિલોપન કરવાની ફરજ પડશે અને આ બાબતે સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર તેમજ તંત્રની રહેશે તેવી ચિમકી ખેડૂત વસુભાઇ ડાંગરે ઉચ્ચારી છે.
ખખડધજ રસ્તાના કારણે એમ્બ્યુલન્સની સેવાથી ગામ વંચિત: પૂર્વ સરપંચ
આ અંગે રાયસંગપુરના પુર્વ સરપંચ નારણભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે અમારા ગામના લોકો છેલ્લાં ૧૩ માસથી આ બિસ્માર પુલની સમસ્યાથી પિડીત છે. જેથી કરીને સરકાર દ્વારા આપવામાં આવતી એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ પણ ખરાબ રસ્તાના કારણે મળી શકતી નથી અને ભુતકાળમાં આ ખખડધજ રસ્તાઓ ઉપરથી ખાનગી વાહનો મારફતે હોસ્પિટલમાં સારવાર માટે પસાર થતા ૫૦ જેટલી પ્રસૃતાએ પોતાના સંતાનોના ભોગ દીધા છે. અને આ રોડ પર પ્રસુતિની પિડાએ એક મહિલાએ જીવ પણ ગુમાવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,