મોટા મવાથી અવધ સુધીનો રોડ પહોળો કરવા કપાતમાં જતી જમીનધારકોની માંગણી
કોર્પોરેશન દ્વારા મોટા મવા ગામથી અવધ રોડ સુધીનો કાલાવડ રોડ 45 મીટર સુધી પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ પણ દાખલ કરવામાં આવી છે. કપાતમાં જતી જમીનના માલિકોને નોટિસ ફટકારી દેવામાં આવી છે. દરમિયાન જમીનધારકોએ રોડ પહોળો કરવા માટે જો કાલાવડ રોડ પર જમીન કપાતમાં લેવાની થતી હોય તો આટલી જ બજાર કિંમત ધરાવતા અન્ય રોડ પર જમીનની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરી છે.
મ્યુનિ.કમિશનર અમિત અરોરા સમક્ષ કરવામાં આવેલી લેખિત માંગણીમાં તેઓએ જણાવ્યું છે કે અમારી કપાતમાં જતી જમીન કાલાવડ રોડ ટચ છે. કપાતમાં જમીનના બદલામાં તેટલી જમીન અન્ય રોડ પર આપવામાં આવે તો મોટું નુકશાન થાય તેમ છે. આવામાં કાલાવડ રોડ ટચની જમીનની બજાર કિંમત જેટલી કિંમત ધરાવતા અન્ય વિસ્તારમાં જમીનની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ અંગે ટૂંક સમયમાં જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો જમીન ધારકો અને કોર્પોરેશન વચ્ચે ઘર્ષણ વધે તેવી સંભાવના જણાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા મોટા મવા ગામથી મહાપાલિકાની હદ સુધીમાં આવતો રોડ 45 મીટર પહોળો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે અનેક લોકોની જમીન કપાતમાં આવે છે.