કવિતા અને સાહિત્યના બેતાજ બાદશાહ તરીકે માત્ર ભારતમાં જ નહિ, પરંતુ વિશ્વભરમાં ભવ્ય નામના મેળવી જનાર કવિવર રવીન્દ્રનાથ ટાગોરના બહુમુખી વ્યકિતત્વમાં અનેક ઉજજવળ પાસાંઓ હતા. હીરાને જેમ અનેક ચમકતા-ઝહળતાં પાસાંઓ હોય છે. તેમ આ કવિવરમાં અનેક તેજસ્વી પાસાંઓ હતાં તેઓ કવિવર તરીકે અને અસાધારણ મહામાનવ તરીકે સર્વત્ર સુવિખ્યાત હતા.
સન ૧૮૬૧માં જન્મ પામીને જીવનયાત્રાનો પ્રારંભ કરીને રવીન્દ્રનાથ ટાગોર માત્ર ૧૪ વર્ષની નાની વયથી જ કવિતા લખવા લાગ્યા હતા. માત્ર પાંચ દાયકામાં એમણે કવિતા અને સાહિત્યનો એટલો ફાલ સજર્યો હતો એનું વર્ણન ન થઈ શકે ૧૯૧૩માં એમના સર્વશ્રેષ્ઠ સર્જન સમા ગીતાંજલી માટે દુનિયાના મહાન એવોર્ડ ‘નોબલ’થી નવાજમાં આવ્યા હતા ૧૯૦૧માં એમણે શાંતિનિકેતન નામની સંસ્કૃતિલક્ષી અને કેળવણી લક્ષી સંસ્થાની સ્થાપના કરી હતી તે ‘સત્યમ, શિવમ, સુંદરમ’ના વટવૃક્ષની જેમ વિસ્તરી છે શાંતિનિકેતનની સાથોસાથ એમણે વિદ્યાભવન, કલાભવન, સંગીતભવન, શિક્ષાભવન, શ્રીનિકેતન, શિલ્પભવન હિન્દુભવન જેવી અનેક સંસ્થાઓની રાષ્ટ્રીય ચારિત્ર્યને સાંકળતી નવી નવી કેડીઓ કંડારી હતી.
તેમણે એક તબકકે પ્રશ્નના જવાબમાં કહ્યું હતુ કે, ‘મારી મૃત્યુ વિષેની કલ્પના અનોખી છે’
દુનિયામાં મૃત્યુથી વિમૂખ કોઈપણ ના હોઈ શકે. પરંતુ હું વિશ્વ કલ્યાણનાં ગીતો જ રચું છું ઈશ્વરના મંગલમય ગાન ગજાવું છું એટલે પરમાત્માની મંગલ ગાથા ગાનારને મૃત્યુ બહુ સતાવતું નથી. અલબત મને દર્શન અવશ્ય થાય છે. પરંતુ તે મારા ઝુલ્ફાઓમાં અને દાઢીના વાળની સફેદીમાં ! કોઈ બિમારી આવી પડે છે. ત્યારેય મારા પ્રભુનાંક ગુણગાન સાંભળીને મને કવિ તરીકે વધુ જીવવા અવશ્ય અનુમતિ આપે છે. સર્જનના પ્રકાશનો ફેલાવો કરવાનો ધર્મ બજાવવામાં હું વ્યસ્ત રહું છું એથી મૃત્યુની કલ્પનાથી પણ હું દૂર છું!
મનુષ્ય જીવનને સર્વાંશે ‘સત્યમ, શિવમ્ સુંદરમ’ બનાવવાનો પાયો કેળવણી હોવાનો તેમનો મત હતો. એને અનુલક્ષીને જ તેમણે આટલી કેળવણીની સંસ્થાઓ અને ભવનો રચ્યા હતા.
આ દેશના સાંપ્રત કાળમાં રાજપુરૂષોનાં અને શૂરવીરોનાં જેટલાં સ્મારકો-પ્રતિમાઓ રચાયા છે. એટલા કેળવણીકારોનાં રચાયાં નથી, એવી કાકા કાલેલકરની ટકોરને ધ્યાનમાં લેવા જેવી છે જ.
અત્યારે આપણો દેશ કેળવણીનાં ક્ષેત્રે સંતોષના ઓડકાર આવે તેવો નથી રહ્યો. કેળવણી કેવળ અર્થ પ્રાપ્તી કે પ્રતિષ્ઠા પ્રાપ્તી માટે જ નથી, એ પાયાની બાબત આપણા માનવસંશાધન-વિકાસમાં સતત સર્વોચ્ચ હોદાઓ ઉપર બેસતા આવેલા રાજકારણી નેતાઓ કાંતો સમજી શકયા નથી, અથવા તો તેમણે એની મહત્તાને અનુરૂપ ધ્યાન જ આપ્યું નથી!
આમ જોઈએ તો, વિદ્યા તો વિમૂકિત માટે છે અને એ ‘વિનય’થી શોભે છે. શર ફેંકીને સ્વરાજ રૂપી અને જ્ઞાન રૂપી લક્ષ્યવેધ કરવો એમાંજ કેળવણીની સફળતા રહી છે. નિસ્પૃહવૃત્તિ સમાજના આત્યંતિક હિતનો વિચાર કરીને અહર્નિશ સેવા કરનાર એક વર્ગ તૈયાર કરવો એ રાષ્ટ્રીય કેળવણીનો અંતિમ ઉદ્દેશ્ય છે. રાષ્ટ્રના ઉધ્ધાર અને સર્વગ્રાહી ઉત્કર્ષના વિવિધ તત્વોનું સંકલન કરીને આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરવાનો ધર્મ રાષ્ટ્રીય શિક્ષકોએ બજાવવાનો છે, અને એનું કાર્ય પણ એજ છે. બોધ, ધર્મ, સેવા, ત્યાગ અને એ ચારેમાં ઓતપ્રોત થઈને કરવાન થતી પ્રાર્થના એજ શિક્ષકનો દીક્ષામંત્ર છે. એ સિવાયનું એકેય સાધન શિક્ષકે ન વાપરવું જોઈએ.
કેળવણીએ કાંઈ લખવા, વાંચવા કે ગણવા-શીખવાની સગવડ નથી. એ તો એક સ્વતંત્ર દર્શન છે. જીવનનાંક દરેક મહત્વનાં પાસાંનું રહસ્ય તથા સાંરાંશ ઉકેલી આપેલી તેજ સાચી કેળવણી છે આખા રાષ્ટ્રમાં ક્ષાત્રવૃત્તિ જગાડવા માટે કૈઝરને આખરે કેળવણીનો આશ્રય લેવો પડયો હતો.
જે રાષ્ટ્ર પોતાના જુવાનોના સાચા શિક્ષક તરફ ઉદાસીન રહે છે. તે આત્માહત્યા હોરી લે છે તેમાં શંકા નથી રાષ્ટ્રને સાચી કેળવણી જોઈએ જ એમ કહેવું એ તો શરીરને સારો અને સાચો ખોરાક જોઈએ એમ કહેવા બરાબર છે. આ બધા જ ખોરાક કાંઈ શરીરને અનુકૂળ હોતા નથી, વિશિષ્ટા શરીરને વિશિષ્ટા ઉંમરે કેવો ખોરાક જોઈએ નકકી કરવું એજ મહત્વનો સવાલ છે.
સરકારી કેળવણીના દોષો અત્યાર સુધી રસપૂર્વક આપણે વર્ણવતા આવ્યા છીએ. સરકાર જ ભૂલો કરે છે, પ્રજા નથી એવું થોડું જ છે. રાષ્ટ્રીય શિક્ષણમાં, શિક્ષણનાં સ્વરૂપમાં અને એને સાંકળતી પરીક્ષા પધ્ધતિમાં કઈ કઈ ખામીઓ રહી છે. તે જોઈને નવી યોજના ઘડી નવી શરૂઆત કરી દેવી જોઈએ રાષ્ટ્રીય શિક્ષણની સાચી શરૂઆત તો જયારે સમાજ સત્યાવસ્થિત હોય, ઉત્સાહ ભાંગી ગયો હોય, અનેક સવાલો સમાજને પીડી રહ્યા હોય, ત્યારે જે શ્રધ્ધાવાન મુઠ્ઠીભર લોકોને હાથે થવી જોઈએ.
સાચો કેળવણીકાર અને કેળવણી આપતી સંસ્થાઓ કોઈ સંપ્રદાય કે રાજકીય પક્ષના આશ્રિત બનવા જોઈએ નહીં, કારણ કે કેળવણીમાં રાજનીતિ નહિ પણ રાષ્ટ્રનીતિ અભિપ્રેત છે.
કેળવણી એટલે સાધના કેળવણી જીવનનું એક અંગ નથી. કેળવણીમાં જીવનનાં સર્વઅંગો આવી જાય છે. કેળવણીનું ક્ષેત્ર ફકત શાળા-કોલેજ પૂરતું મર્યાદિત હોવું ન જ જોઈએ કારણ કે કેળવણી દ્વારા આખા રાષ્ટ્રની સેવા કરવાની છે અને આખા માનવ સમાજનો મહિમા વધારવાનો છે. ખાસ કરીને ગામડાઓમાં દરેક જાતના સંસ્કારોની આવશ્યકતા છે આખા સમાજને શિક્ષણ સંપન્ન કરવો એ કેળવણીકારનું મુખ્ય કર્તવ્ય છે.
આજે ભારતીય સંસ્કૃતિ ખત્મ થવા લાગી છે. તેને બચાવવા માટે વ્યકિતજીવન, કુટુંબ જીવન અને રાષ્ટ્રજીવનની પુનર્ઘટના કરવી જરૂરી છે. એને યુગલક્ષી ઘાટ આપ્યે જ છૂટકો છે તે માટે સાચા સ્વરૂપમાં સ્વરાજની આવશ્યકતા છે. અનિવાર્યતા છે. રાષ્ટ્રીય કેળવણીનું કામ નાનું નથી એ તો સમગ્ર વિરાટ જીવનનું છે. સમગ્ર જીવનની એક નવી ફિલ્સુફી રચીને જેનાથી નવો સમાજ સ્વયંભૂ સ્વતંત્ર સ્વયંશાસિત અને સ્વયંપ્રેરિત બને.
કવિવાર રવીન્દ્રનાથ ટાગોરે એ કરી બતાવ્યું હતુ….. કેળવણીના પતનને આરે પહોચેલો દેશ ત્વરિત કવિવર રવીન્દ્રનાથ ટાગોર જેવો મહામાનવ કયાંથી કાઢશે.
આપણો દેશા ચૂંટણી જીતવા અને રાજગાદી પામવા મથતા સ્વાર્થાંધ રાજકારણીઓને એમનાં મૂળ સ્વાંગમાં ઓળખી જઈને ચેતી નહિ જાય અને તમામ મંદિરોની ધજાઓ નીચે ઉભીને ઈષ્ટદેવ -દેવીઓની (ઈશ્વર-અલ્લહાની) સાક્ષીએ માતૃભૂમિની વ્હારે નહિ ચઢે તો અધ:પતન નિશ્ચીત બનશે એવી આગાહી થઈ શકે છે!