રાજકોટમાં રેલવેમાં નોકરી અપાવી દેવાના બહાને ઠગ ટોળકીએ છ યુવાનો સાથે 68 લાખની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે. બોગસ નોકરીના ઓર્ડર તો આપી દીધા હતા, સાથોસાથ લખનઉ પાસે ખોલેલા બોગસ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ પણ આપતા હતા. જેથી ભોગ બનનારાઓને તત્કાળ શંકા ગઈ ન હતી.આ કૌભાંડ અંગે ક્રાઈમ બ્રાંચે જામનગરના ફલ્લામાં રહેતા શૈલેષ ઉસેટીંગ દલસાણીયા, અમદાવાદના કલ્પેશ પ્રભુદાસ શેઠ અને નર્મદાના રાજપીપળા તાલુકાના ઈકબાલ ઉર્ફે મુન્ના ખત્રી વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયને સકંજામાં લઇ પુછપરછ હાથધરી છે.
જામનગર રોડ પરના ગોકુલ ટેનામેન્ટમાં રહેતા અને જેટકોમાં દફતરી તરીકે નોકરી કરતા ઘનશ્યામસિંહ કિરીટસિંહ ચુડાસમા (ઉ.વ.40)એ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું છે કે બે મહિના પહેલાં તેની શેરીમાં રહેતા વલ્લભ પટેલ મારફત આરોપી શૈલેષ ઉર્ફે સેટીંગ કે જેની ઓફિસ લીમડાચોક આલાપ-બીમાં પાંચમા માળે છે, તેની સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેણે જણાવ્યું કે, ધો.12 પાસ કે ગ્રેજ્યુએટ થયેલા યુવકોની રેલવેમાં ક્લાર્ક તરીકે ભરતી થવાની છે. જેમાં તેનું સેટિંગ છે. રૂા.15 લાખમાં નોકરી મળી જશે.ગુજરાતમાં પણ તેની બદલી કરાવવાની જવાબદારી હોવાનું કહ્યું હતું. જેથી તેણે લીમડીના ભલગામડામાં રહેતા ભાણેજ મીતરાજસિંહ મયુરધ્વજસિંહ રાણાની નોકરી માટેની વાત કરી હતી. બધી વાતચીત થઈ ગયા બાદ મીતરાજસિંહને અમદાવાદ મોકલ્યો હતો. જ્યાંથી બીજા આરોપી કલ્પેશ શેઠની એન્ટ્રી થઈ હતી. જે મીતરાજસિંહને બસમાં દિલ્હી લઈ ગયો હતો, ત્યાં તેણે પીડીએફમાં જોઈનીંગ ઓર્ડર પણ આપ્યો હતો. એટલુંજ નહીં રેલવે હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ પણ કરાવી આપ્યું હતું. જેમાં ફક્ત બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનું સર્ટિફિકેટ આવતા મીતરાજસિંહને લઈને હવાઈમાર્ગે લખનઉ ગયા હતા.
જ્યાં તેની ટ્રેનિંગ પણ ચાલુ થઈ હતી. બાદમાં મીતરાજસિંહના કાકા ઈન્દ્રજીતસિંહે રૂા.15 લાખ તેન મોકલી આપતા આ રકમ તેણે શૈલેષને આપી દીધી હતી. શૈલેષે આ રકમ કલ્પેશને મોકલી દીધી હતી. મીતરાજસિંહની નોકરીના હાલ 55 થી વધુ દિવસો થઈ ગયા છે. તેના ખાતામાં 45 દિવસે રૂા.16543નો પગાર જમાં થયો હતો. એટલું જ નહીં. પગાર સ્લીપ પણ મળી ગઈ હતી. કલ્પેશે કહ્યું કે, ત્રણ મહિનાની ટ્રેનિંગ રહેશે. રેલવે સિવાય ઓએનજીસી, પસ્ટ કે ફૂડ ઈન્સ્પેક્ટર તરીકેની કોઈને નોકરી જતી હોય તો પણ જણાવજો ..જેથી વિશ્વાસ થતાં તેણે બહેન યોગીતાબાના જમાઈ હરપાલસિંહ ભરતસિંહ ચુડાસમાં (ભાયાવદર), ઋષી ભટ્ટ (રાજકોટ), ભાગ્યરાજસિંહ ઝાલા, યશપાલસિંહ ઝાલા તથા પુત્ર જયવીરસિંહ કે જે ધો. 12 પાસ છે. આ બધાની નોકરીનું શૈલેષ સાથે રૂા. 15 લાખમાં (એક ઉમેદવાર માટે) નક્કી કર્યું હતું.
આ બંનેના ઓર્ડર પીડીએફમાં મળ્યા હતા. પરંતુ ફીઝીકલ ઓર્ડર નહીં મળતા કલ્પેશભાઈને ફરિયાદ કરતા તેણે રૂપિયા મળ્યા નથી તેવી વાત કરતા તેને શૈલેષ સાથે ઝઘડો થયો હતો. તે વખતે કલ્પશે કહ્યું કે હવે તમે રૂપિયા સીધા મને મોકલજો.. જેથી બાકીના ઉમેદવારના રૂપિયા તેના અમદાવાદની સરખેજ સ્થિત એસિસ બેંકના ખાતામાં આરટીજીએસથી મોકલ્યા હતા.
રૂપિયા જમા થયા ન હોવાથી તેને ટ્રેનિંગમાં આવવાની મનાઈ કરવામાં આવી છે. સરકારી નોકરીમાં આ રીતે કોઈને કાઢી ન નાખે તેવું જાણતા હોવાથી બધુ ખોટું હોવાની શંકા જાગી હતી. તપાસ કરતા રાજપીપળાની ઈકબાલ ઉર્ફે મુન્નો પણ કૌભાંડમાં સામેલ હોવાની માહિતી મળતા ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લખનઉના રેલવે સ્ટેશન પાસેના ટ્રેનિંગ સેન્ટરમાં બીજા રાજ્યોના 30 યુવકો પણ ટ્રેનિંગ લઈ રહ્યા છે. જે જોતા આ કૌભાંડ આંતરરાજ્ય હોવાની શંકા દર્શાવવામાં આવી રહી છે. જેના આધારે ક્રાઇમ બાંચે ત્રણ-શખ્સને સકંજામાં લઇ આકરી પુછપરછ હાથ ધરી છે.