રાજકોટના વરિષ્ઠ કલાકાર  ભૂપેન્દ્રભાઈના સંગીત ક્ષેત્રના અમૂલ્ય યોગદાનને નવાજવા તાજેતરમાં ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા તેમને “કલા ગૌરવ” પુરસ્કાર એનાયત કરાયો છે.

1954માં અમદાવાદ ખાતે યોજાયેલી સંગીત હરિફાઈમાં માત્ર 12 વર્ષની વયે કોકીલ કંઠી લતા મંગેશકરના હસ્તે મળ્યો સુવર્ણ ચંદ્રક

ભૂપેન્દ્રભાઈ વસાવડા આ પ્રસંગે ભાવુક થઈને કહે છે કે વર્ષ 1954માં 12 વર્ષની વયે અમદાવાદ ખાતે સંગીતની હરિફાઇમાં ભાગ લીધો હતો. જેમાં મુખ્ય નિર્ણાયક તરીકે લતા મંગેશકરજી ઉપસ્થિત હતા.   મે તુ કયાં મુઝકો પુકારે ગીત ગાયું અને લત્તાજી મંત્રમુગ્ધ બની ગયા. તેમણે મને નજીક બોલાવી, અન્ય ગીત ગાવા કહ્યું.    જાય તો  જાય કહા ગીત ગાયું અને તેઓ વધુ ખુશ થઈ ગયા. મને લતાજીના હસ્તે પ્રથમ વિજેતા તરીકે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો. જે મારી સંગીત ક્ષેત્રની કારકિર્દીનું સૌ પ્રથમ સોપાન છે. ત્યારબાદ લતાજીને તેમજ શંકર-જયકિશનને ગુરુપદે સાધ્યા અને એ વિભૂતિઓના સંગીતમાંથી પ્રેરણા લઈને 69 વર્ષથી સંગીત ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત છું.

ભૂપેન્દ્રભાઈએ શાળાની સ્પર્ધાઓમાં ભાગ લઈને શરુ કરેલી સંગીત ક્ષેત્રની કારકિર્દી આંતરરાષ્ટ્રીય ફલક સુધી વિસ્તરી છે. તેમણે રાજકોટ આકાશવાણીના સ્થાપના કાર્યક્રમમાં તેમજ બાળસભા તથા “યૌવન વીંઝે પાંખ” કાર્યક્રમોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમણે ઈ.સ. 1960 માં સંગીત ક્ષેત્રના નામી-અનામી કલાકારો અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા રહીને ભૂપેન્દ્ર વસાવડા ગ્રુપ અને યંગ આર્ટિસ્ટ ઓરકેસ્ટ્રાની શરૂઆત કરી, ત્યારબાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના શહેરોમાં અને મુંબઈ, નાગપુર જેવા શહેરોમાં સંગીતના કાર્યક્રમો કર્યા. ઈ.સ. 1969માં પૂર્વ આફ્રિકામાં પહેલી વખત વિદેશી ધરતી પર સંગીતના સૂરો રેલાવ્યા. એ પછી લંડન, દુબઈ, અમેરિકામાં ગરબા, ભજનો, ફિલ્મી ગીતોના કાર્યક્રમો આપ્યા. તેમની સફળ કારકિર્દીમાં અનેક કલાકારો તેમજ અગ્રણીઓનો ફાળો રહ્યો છે. તેમને શંકર જયકિશન ફાઉન્ડેશન, સુમધુર ટ્રસ્ટ સહીત સામાજિક અને સેવાકીય સંસ્થાઓએ સન્માનિત કર્યા છે.

ભૂપેન્દ્રભાઈ નવી પેઢીને સંદેશો આપતા કહે છે કે ગાયન અને વાદનમાં રસ ધરાવતા યુવાનોએ હંમેશા સંગીતમાં રચ્યાપચ્યા રહેવું જોઇએ. કંઇક નવું કરી બતાવવાની આશા સાથે સંગીતને સાધના તરીકે અપનાવવાથી ખૂબ પ્રગતિ કરી શકાશે. સાથેસાથે તેઓ કૃતજ્ઞભાવે કહે છે કે મને સંગીત માતૃપક્ષ તરફથી વારસામાં મળેલું છે, તેવી જ રીતે પુત્રી રૂપલ અને પુત્ર ગૌરવ એ સંગીતનો વારસો આગળ ધપાવ્યો છે. ત્યારે ગુજરાત ગૌરવ પુરસ્કાર એનાયત કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ રાજ્ય સરકારે મારી કારકિર્દીને બિરદાવી છે, જે બદલ હું અને મારો પરિવાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.