શું કાયદાથી સમાજની માનસિકતા બદલાવી શકાય?
ભૂતકાળમાં સતી પ્રથા, દિકરીને દૂધ પીતી કરવી, બાળ વિવાહ, પૂન:વિવાહ, વિધવા વિવાહ, અંધશ્રધ્ધા, ઉચ્ચ-નીચ ભેદ, લાજ કાઢવી, અસ્પૃશ્યતા સહિતના મામલે થયેલા સુધારાને હજુ સુધી સમાજમાં પુરતી સ્વીકૃતિ મળી નથી
વડી અદાલતે શબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની તરફેણ કરતો ઐતિહાસિક ચૂકાદો આપ્યા બાદ પણ સમાજની માનસીકતા બદલવી મુશ્કેલ હોવાનું ફલીત થઈ રહ્યું છે. શબરીમાલા મંદિરમાં પ્રવેશનારી સ્ત્રીઓના બે ટૂકડા કરી નાખવા જોઈએ તેવું નિવેદન મલીયાલમ સિનેમાના અભિનેતા કોલ્લમ થુલાસીએ આપતા વિવાદ વકર્યો છે અને કાયદા ઘડીને સમાજની માનસીકતા બદલાવી શકાય કે નહીં તેવી દલીલોનો દોર શરૂ થયો છે.
દેશની વડી અદાલતે સમાજને લગતા અનેક મહત્વના ચુકાદા આપ્યા છે. જેમાંથી કેટલાક ચૂકાદા એવા છે જે સમાજ હજુ સુધી પચાવી શકયો નથી. જેમાં શબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ, કલમ ૩૭૭ હટાવવી અને વ્યભિચાર (એડલટરી)ને લગતી આઈપીસી કલમ ૪૯૭ને રદ્દ કરવા સહિતના ચુકાદાનો સમાવેશ થાય છે.
શબરીમાલા મંદિરમાં પ્રવેશનાર મહિલાઓના બે ટૂકડા કરી નાખવા જોઈએ તેવું નિવેદન સમાજમાં કયાંક ખુણે-ખાચરે દબાયેલી માનસિકતા છતી કરે છે. જાહેરમાં આવા નિયમને આવકારતા લોકો મનમાં તિરસ્કારની લાગણી લઈને ફરતા હોય છે. ભૂતકાળમાં સતી પ્રથા, દિકરીને દૂધ પીતી કરવી, બાળ વિવાહ, પૂન:વિવાહ, વિધ્વા વિવાહ, અંધશ્રધ્ધા, ઉચ્ચ-નીચ ભેદ, લાજ કાઢવી, અસ્પૃશ્યતા, ત્રિપલ તલાક સહિતના મામલે થયેલા સુધારાને હજુ સુધી સમાજમાં પુરતી સ્વીકૃતિ મળી નથી. આ તમામ મામલે સમાજમાં કોઈના કોઈ ખુણે માન્યતા જોડાયેલી જોવા મળી શકે છે. મોટાભાગના સુધારા એવા છે જેને દશકાઓ જેટલો સમય વીતી ગયો છે છતાં પણ હજુ સુધી સમાજમાં સ્વીકૃત બન્યા નથી.
તાજેતરમાં જ ચિફ જસ્ટીસની આગેવાનીમાં જસ્ટીસ આર.એફ.નરીમાન, જસ્ટીસ એ.એન.ખાનવીલકર, જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે ઐતિહાસિક ચૂકાદો આપતા શબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી આપી હતી.
અગાઉ શબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાના પ્રવેશ પર પ્રતિબંધ હતો જેને લઈને વડી અદાલતમાં અરજી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન દલીલ થઈ હતી કે, મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ એ રીતે છે જે રીતે દેશમાં દલીતો સાથે છૂત-અછૂતના મામલા ઘણીવાર સામે આવે છે.
છૂત-અછૂત મામલે જે અધિકાર છે તેમાં અપવિત્રતાનો મામલો પણ સામેલ છે. જો મહિલાઓનો પ્રવેશ આ આધારે રોકવામાં આવે કે તેઓ માસીક ધર્મના સમયે અપવિત્ર હોય છે તો તે પણ છૂત-અછૂત જેવો અપરાધ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ભારતના સંવિધાન અનુસાર ધર્મ, જાતિ, સમાજ અને લીંગના આધારે કોઈપણ વ્યક્તિ સાથે ભેદભાવ રાખી શકાય નહીં. આ મામલે સરકારે તેમજ વડી અદાલતે અનેક સુધારા લાવવાના પ્રયત્નો કર્યા છે. પરંતુ દરેક સુધારો સ્વીકારવા સમાજ હજુ સુધી તૈયાર નથી અથવા તો પરિપકવ નથી તેવું પણ કહી શકાય.
અહીં ઉલ્લેખનીય છે કે, સમાજના સુધારાનો વિવાદ વર્તમાન સમયથી નહીં પરંતુ સદીઓથી ચાલતો આવે છે. કેરળના વિવાદથી આ મુદ્દો વધુ જટીલ બની ગયો છે. કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની વયની મહિલાઓને પ્રવેશવા પર પ્રતિબંધ હતો. જોેકે આ પ્રતિબંધને થોડા દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે હટાવી લીધો છે અને દરેક વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની છુટ આપી દીધી છે.
આ સ્થિતિ વચ્ચે હવે કેરળમાં રાજનીતી શરૂ થઇ ગઇ છે. આશ્ચર્યજનક રીતે ભાજપ હવે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો તેનો અમલ ન થાય તે માટે વિરોધ પ્રદર્શન કરશે. ભાજપ મહિલાઓને મંદિરમાં પ્રવેશતી અટકાવવા માટે આ વિરોધ પ્રદર્શન યોજવા જઇ રહી છે. અને આ માટે કેરળમાં પાંચ દિવસ સુધી ચાલનારી એક યાત્રા કાઢશે, જેને સેવ સબરીમાલા યાત્રા નામ આપવામાં આવ્યું છે. ભાજપ આરોપ લગાવી રહી છે કે કેરળની ડાબેરી વિચારધારા વાળી સરકાર મંદિરમાં મહિલાઓને પ્રવેશ અપાવી મંદીરની વર્ષો જુની પરંપરાને તોડી રહી છે.
કેરળના ભાજપના પ્રમુખ પી એસ શ્રીધરન પીલ્લઇએ આ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે મંદિરમાં મહિલાઓને પ્રવેશતી અટકાવવા અને કેરળ સરકાર સુપ્રીમના આદેશનો અમલ ન કરે તે માટે અમે પાંચ દિવસ લાંબી યાત્રા કાઢીશું, આ યાત્રા પંડાલમી તિરપુઅનંતપુરમ સુધી યોજવામાં આવશે. બીજી તરફ કેરળના મુખ્ય પ્રધાન પિનારઇ વિજયને જણાવ્યું હતું કે ભાજપ અને આરએસએસ મહિલા વિરોધી માનસીક્તા ધરાવી રહ્યા છે, તેઓ તો પીરિયડ સમયે મહિલાઓને રસોડામાં પણ ન જવા દે તેવી માનસીક્તા ધરાવે છે.
ડાબેરી પક્ષના વડાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને સંઘ એક ખોટી પરંપરાનો રાજકીય લાભ ઉઠાવવા માગે છે અને મહિલાઓને સુપ્રીમ કોર્ટે જે અધિકારો આપ્યા તેનાી વંચીત રાખવા માગે છે તેી જ વિરોધ કરી રહ્યા છે. કેરળની શાંતી અને એક્તાને તોડવા માટે ભાજપ આ પગલુ ભરી રહ્યું છે. બીજી તરફ એક સનિક સંગઠન દ્વારા મહિલાઓના પ્રવેશના આદેશ મુદ્દે ફરી વિચારણા માટે સુપ્રીમમાં રિવ્યૂ પીટીશન કરાઇ છે.
સબરીમાલા મંદિરમાં ૮૦૦ વર્ષથી ૧૦ થી ૫૦ વર્ષની મહિલાઓને પીરિયડને કારણે પ્રવેશતા રોકવામાં આવતી હતી. આ પ્રતિબંધને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેને પગલે ગત મહિને જ સુપ્રીમે આ પરંપરાને રદ કરતા કહ્યું હતું કે આ પ્રકારના પ્રતિબંધો મહિલાઓને મળેલા અધિકારોનું હનન છે.
જે બાદ કેરળ સરકારને આ આદેશનો અમલ કરવા કહ્યું હતું. બીજી તરફ હવે ભાજપે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. જેને પગલે ભારે વિવાદ થયો છે. મહિલા અધિકારોની વાતો કરનારી ભાજપના આ પગલાથી કેરળમાં મહિલાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જોકે સત્તાધારી ડાબેરી પક્ષે કહ્યું છે કે અમે સુપ્રીમના આદેશનો અમલ કરીશું.