જૂનાગઢની મુલાકાતે આવેલા પ્રખર તત્વચિંતક સ્વામી સચ્ચિદાનંદજીની ‘અબતક’ સાથે ખાસ વાતચિત

સેવા અને પ્રેમ બંનેને જીભ ન હોવી જોઈએ, જો જીભ આવે તો બંને નિસ્તેજ થઈ જાય: સ્વામીજી

પ્રખર તત્વચિંતક અને લેખક સ્વામી સચ્ચિદાનંદજી બે દિવસની સોરઠની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમણે ગીરમાં વિહારી  ગરવા ગિરનાર ઉપર બિરાજતા જગત જનની મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ તકે સ્વામી સચ્ચિદાનંદજી એ અબ તક દૈનિકને આપેલી એક ખાસ મુલાકાતમાં જણાવ્યું  હતું કે, સેવા અને પ્રેમ બંને મૂંગા હોય તો સારું, જો પ્રેમ બોલકો થઈ જાય તો એ તેજ વિનાનો થઈ જાય, અને સેવા પણ જાહેરખબ રી થઈ જાય તો નિસ્તેજ થઈ જાય, સેવાને જીભ ના હોવી જોઈએ.

સચિડાનંદે વધુમાં જણાવ્યું હતું કે, જો રાષ્ટ્રને બચાવવું હોય તો યુવાપેઢીએ બળવાન થવું પડશે. જો એ દુર્બળ હશે તો ફરીથી પાછી ગુલામી આવી જશે, એટલે યુવાનને શરીરથી, મનથી અને બુદ્ધિથી બળવાન બનાવવો જરૂરી છે. જો કે દેશના સદભાગ્યે મોદીએ દેશને એટલો બળવાન બનાવી દીધો છે કે, અન્ય દેશ ભારત ઉપર ઊંચી આંખ કરી નથી શકતા. જો મોદીએ દેશને બળવાન ન બનાવ્યો હોત તો, 1962માં જે થયું હતું એવું ફરી થવાનું હતું. અને તેનું એક જ કારણ મોદીએ દેશને બનાવી બળવાન બનાવ્યો, શસ્ત્રોની રીતે, સેનાની રીતે,  અને સમજૂતી ની રીતે પૂર્વના દેશોને મિત્રો બનાવ્યા અને મિત્રો દેશના કારણે આપણે બળવાનો બન્યા એટલે દેશને હંમેશા બળવાન બનાવો જોઇએ.

એક પ્રશ્ન જવાબમાં સ્વામીએ જણાવ્યું હતું કે, કિસાન આંદોલન અંગે મને સમજણ નથી પડતી, મોદીના વિરોધીઓ તેને હટાવવા માટે આ કરી રહ્યા છે, વાસ્તવમાં મોદી સરકાર કિસાન વિરોધી નથી, વિરોધીઓએ આવું ન કરવું જોઈએ.આ સાથે સ્વામી સચિદાનંદે જણાવ્યું હતું કે, હમેશા માતાજી શિખરો પર જ બિરાજે છે અને તેના દર્શન કરવા માટે ભાવિકોએ ભારે સાધના કરવી પડતી હોય છે અને ત્યારે જ માતાજીના દર્શન થાય છે. જો કે, શિખર પર બિરાજતા માતાજીના આશીર્વાદથી તળેટીમાં રહેતા લોકો હંમેશા સુખી અને ખુશ હોય છે. આ સાથે સ્વામી સચ્ચિદાનંદજી એ જણાવ્યું હતું કે હું અંબાજીના દર્શન કરવા ખૂબ નાની વયે આવ્યો હતો અને ત્યારથી બાદ પણ ત્રણ – ચાર વખત માતાજીના દર્શન કરવા પગથીયા ચડી આવવાનો લાભ મળ્યો હતો, પરંતુ હવે રોપ-વે શરૂ થઇ જતા ગણતરીની મિનિટોમાં જ માતાજીના દર્શન થઈ શકે છે અને આ સુંદર વ્યવસ્થા સાચવવી એ સહુ કોઈની જવાબદારી છે. સાથોસાથ યાત્રિકોને પૂરતી સગવડતા મળી રહે તેવા પણ આયોજન થવા જોઈએ અને એ માટે માતાજી સૌને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.