વોર્ડ નં.૨ના ‘આપ’ના ઉમેદવાર રાજભા ઝાલા, અહમદ અબ્દુલ સાંધ, તનુજાબેન દોશી અને ઈલાભારતી અંજારીયા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
આમ આદમી પાર્ટીના વોર્ડ નં.૨ના ઉમેદવાર વોર્ડ નં.૨ના ‘આપ’ના ઉમેદવાર રાજભા ઝાલા, અહમદ અબ્દુલ સાંધ, તનુજાબેન દોશી અને ઈલાભારતી અંજારીયાએ આજે ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. તેઓએ રાજકોટવાસીઓને એવું વચન આપ્યું હતું કે, જો મહાપાલિકામાં આમ આદમી પાર્ટી સતા પર આવશે તો આરોગ્ય અને શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. અમે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી ચૂક્યા છીએ અને તેમાં જે વચનો આપવામાં આવ્યા છે તે તમામ પરિપૂર્ણ કરવા એડીચોટીનું જોર લગાવશું. વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર અને શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજભા ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા પડે તેવા નિર્ણય ક્યારેય લેશું નહીં અને સતત લોકોની સુખાકારી વધે તે માટે પ્રયત્નશીલ રહેશું. લોકોને દંડવાની માનસીકતા અમારી રહેશે નહીં. ‘આપ’એ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ ભાજપે તેનો જવાબ આપ્યો કે અમે આ બધુ મફતમાં આપીએ છીએ. તો શું વાલીઓ પોતાના બાળકોને ખાનગી સ્કૂલના બદલે સરકારી સ્કૂલોમાં મોકલે છે કે મધ્યમ વર્ગીય પરિવાર પણ આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા જાય છે. અમે આધુનિક મહોલ્લા કલીનીક બનાવીશું.
તેઓએ ઉમેર્યું હતું કે, વોર્ડ નં.૨માં સામાન્ય વરસાદમાં પણ નદીઓ વહેલા લાગે છે. રામેશ્ર્વર ચોકથી આમ્રપાલી સુધી ૨-૨ ફૂટ પાણી ભરાય છે. આ સમસ્યા દૂર કરવા માટે અમારો પ્રયત્ન રહેશે. અમે સંપૂર્ણપણે સેવાની ભાવના સાથે જ રાજકારણમાં આવ્યા હોય લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખી તમામ નિર્ણય લેશું.