અબતક, નવી દિલ્હી :
ઓમિક્રોન વેરિયન્ટ હવે સમગ્ર યુરોપમાં, ખાસ કરીને યુનાઇટેડ કિંગડમમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં અત્યંત સંક્રમિત વેરિઅન્ટના 100 થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે નીતિ આયોગે એવો દાવો કર્યો છે કે જો તકેદારી રાખવામાં નહિ આવે તો દેશમાં દૈનિક કેસોની સંખ્યા 14 લાખને આંબી જશે.
હાલ દેશમાં ઓમિક્રોનના કેસોની સંખ્યા 111એ પહોંચી : સતર્ક રહેવા વિશ્વ આરોગ્ય સંસ્થાનું પણ સૂચન
દેશમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનને લઈને સતર્ક રહેવાના સતત નિર્દેશ આવી રહ્યા છે. આ દરમિયાન શુક્રવારે દિલ્હીમાં નીતિ આયોગના સભ્ય ડો. વી કે પૉલે સાવધ કરતા કહ્યું કે જો યુકેની જેમ ભારતમાં પણ ઓમિક્રોનના ફેલાવાના કેસ વધે છે તો અહીં દરરોજ 14 લાખ સંક્રમણના કેસ સામે આવી શકે છે તેમણે કહ્યું કે યુરોપના દેશોમાં ગંભીર પરિસ્થિતિ છે.ત્યાં 80 ટકા જેટલું આંશિક વેક્સિનેશન થઈ ચૂક્યું છે. છતાં આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.
પૉલે કહ્યું કે જે કેસ 88 હજાર જેટલા યુકેમાં આવ્યા, જો તેને પોપ્યુલેશનના હિસાબે લેવામાં આવે તો એ ભારતની જનસંખ્યાના હિસાબે 14 લાખ કેસ હોઈ શકે છે. તેમણે કહ્યું કે યુરોપમાં કોવિડ-19 મહામારીની વધુ એક લહેરનો અનુભવ કહી શકાય. પૉલે કહ્યું હતું કે સ્થિતિ સ્થિર છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં સંક્રમણ દર વધી રહ્યો છે અને જો જરૂર પડે તો પ્રતિબંધાત્મક ઉપાયો લાગુ કરવા જોઈએ.
દેશમાં ઓમિક્રોનથી સંક્રમણની વધતી ગતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લોકોને બીનજરૂરી મુસાફરી અને સામુહિક સમારંભોથી બચવા તથા મોટા પાયે નવા વર્ષની ઉજવણી નહીં કરવાની સલાહ છે. કર્ણાટકમાં પ્રથમ કેસ આવ્યા પછી બરાબર 15 દિવસ પછી 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોનની સંખ્યા 111 થઈ છે. મહારાષ્ટ્રમાં 40 અને દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 22 થઈ છે. તેલંગણા અને કેરળમાં 2-2 કેસ આવતા સંક્રમિતોની સંખ્યા ક્રમશઃ 8 અને 7 થઈ છે.
આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ગત 20 દિવસથી કોવિડ સંક્રમણના રોજિંદા કેસ 10000થી ઓછા છે. પરંતુ ઓમિક્રોનના અન્ય દેશોમાં વધતા કેસોને જોઈને સતર્ક રહેવાની આવશ્યકતા છે. અગ્રવાલે વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી જણાવ્યું કે એવી આશંકા છે કે જ્યાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થાય છે, ત્યાં ઓમિક્રોન સંક્રમણ ડેલ્ટા વેરિએન્ટથી આગળ નીકળી જશે. ચિંતાની વાત એ છે કે ઓમિક્રોનના કેસને સામાન્ય ગણાવીને નકારવામાં આવી રહ્યા છે.
બાળકો માટેની કોવોવેક્સ રસીને WHO લીલીઝંડી
સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બાળકોની કોરોના વેક્સિન કોવોવેક્સિન તૈયાર કરી છે. ત્યારે હવે આ વેક્સિનને વિશ્વ આરોગ્ય સંસ્થાની મંજૂરી મળી ચૂકી છે. આ અંગે એસઇઇના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે, સારી સુરક્ષા અને અસરકારકતા વાળી કોરોના વેક્સિન કોવોવેક્સને ડબ્લ્યુએચઓએ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
થોડા દિવસ અગાઉ વેક્સિન ઉદ્યોગ સંબંધી કોન્ફરન્સમાં ભાગ લેતા પૂનાવાલાએ કહ્યું હતું કે, બાળકોની વેક્સીન કોવોવેક્સ 3 વર્ષ સુધી બાળકોનો કોરોનાથી બચાવ કરશે. હાલના સમયમાં સીરમની કોવિશીલ્ડ અને અન્ય કંપનીઓની કોરોના વેક્સિન 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તૈયાર થઇ ગઇ છે. અમને બાળકોમાં ગંભીર બિમારીઓ નજરે નથી આવી. પૂનાવાલાએ કહ્યું કે, તમારે બાળકોની રસી લગાવવી જોઈએ અને તેનું કોઈ નુકસાન નથી. આ વેક્સિન સુરક્ષિત અને અસરકારક મળી આવી છે. તેમણે કહ્યું કે, જો તમે ઇચ્છો છો કે તમારા બાળકોની રસી લગાવવી છે તો સરકારની જાહેરાતની રાહ જુઓ અને ત્યારબાદ રસી લગાવી લો. આ રસી કામ કરશે અને બાળકોને સંક્રમણ રોગથી બચાવશે.