શ્રીમદ્ રાજચંદ્રજીના અનુયાયી નલિનભાઇ કોઠારી સાથે ‘અબતક’ની વાતચીત
ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્ રાજચંદ્રજીના વિચારોને દેશ-વિદેશમાં લોકો સ્વીકૃતી આપી રહ્યા છે. રાજકોટમાં રાજચંદ્ર મંદિર ખાતે નિયમિતરીતે વિધવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. મુંબઇથી રાજકોટ આવેલા રાજચંદ્રજીના અનુયાયી ધર્મઆરાધક નલિનભાઇ કોઠારી સાથે ‘અબતકે’ સીધો સંવાદ કર્યો.
યુવાધન હવે ધર્મના માર્ગે વળી રહ્યુ છે અને જો બે-ચાર ટકા યુવાનો પણ ખરા અર્થમાં ધર્મના રંગે રંગાઇ જાય તો સમાજમાં પરિવર્તન આવી જાય એવું તેમણે કહ્યું. તેમની સાથેની વાતચીતના અંશો અત્રે પ્રસ્તુત છે.
શાંતિ, સંતોષ અને આનંદ પામવા મૂડી-વિજ્ઞાન નહિ, અધ્યાત્મની જરૂર છે
વિશ્ર્વના વિકસીત દેશો મૂડીવાદ અને વિજ્ઞાનવાદમાં માને છે જ્યારે ભારત અધ્યાત્મવાદી છે તો શું ભારતે પણ મૂડી-વિજ્ઞાન વાદી બનવું જરૂરી છે? એવું પૂછતા તેમણે કહ્યું કે જો ભૌતિક સુખ-સુવિધા વધારવા હોય તો મૂડી અને વિજ્ઞાનનો માર્ગ બરાબર છે પણ શાંતિ, સંતોષ અને અંતરનો આનંદ પામવા હોય તો અધ્યાત્મ માર્ગ જ યોગ્ય છે. ભારત જે રસ્તે જઇ રહ્યુ છે એ સાચો રસ્તો છે.
ધર્મમાં ઇન્વોલ્વ થતાં જઇએ એમ રસ વધતો જાય
વિશ્ર્વભરમાં અશાંતિ છે, રશિયા-યુક્રેન યુદ્વ કરે છે ત્યારે અધ્યાત્મને પકડી રાખવા શું કરવું જોઇએ? એવું પૂછતા જણાવ્યું કે યુદ્વથી શાંતિ મળતી નથી. ભારત માટે અધ્યાત્મના સંસ્કાર અને કુટુંબ પરંપરાના સંસ્કાર મહત્વની બાબત છે. જેમ-જેમ આપણે ધર્મમાં ઇન્વોલ્વ થતાં જઇએ તેમ-તેમ તેમાં રસ વધતો જાય અને એ રીતે ધર્મના માર્ગે શાંતિનો અહેસાસ થતો જાય છે.
વિશ્ર્વભરમાં શ્રીમદ્ રાજચંદ્રના વિચારો પ્રસરી રહ્યા છે
ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્ રાજચંદ્રના વિચારોની અસર આજે કેટલી? એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે શ્રીમદ્ના વિચારોની અસર વિશ્ર્વભરમાં વધી રહી છે પણ એનો દર ધીમો છે. આજે તેમનું સાહિત્ય ખૂબ બળવાન સાબિત થયું છે. વિશ્ર્વની 62થી વધુ સંસ્થાઓ શ્રીમદ્ના સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરી રહી છે.
‘સત્’માં સમર્પિત ભાવ રાખવાથી ધર્મના વિચારો વધે
ફાસ્ટ ફૂડના યુગમાં ધર્મના વિચારો ગ્રહણ કરવાની પ્રોસેસ ઝડપી બનાવવી જરૂરી છે? એવું પૂછતાં તેમણે કહ્યું કે કેવળ જ્ઞાન દ્વારા મનુષ્ય ઘણું બધુ પામી શકે છે. સતદેવ, સતગુરૂ અને સતશાસ્ત્રોમાં સમર્પિત ભાવ રાખવાથી ધર્મના વિચારોમાં વૃદ્વિ થાય છે. ક્યારેક પાંચ-દશ ભવમાં તો ક્યારેય એક ભવમાં પણ જ્ઞાનની પ્રાપ્તિ થઇ જતી હોય છે.
પરિક્ષિત સાત દિવસમાં મૃત્યુ થવાની વાત સાંભળી નાચી ઉઠ્યા…!
નલિનભાઇ કોઠારીએ પરિક્ષિત રાજાનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે ગુરૂ શુકદેવે પરિક્ષિતને કહ્યું કે તારૂં મૃત્યુ સાત દિવસમાં થવાનું છે. આ સાંભાળીને પરિક્ષિત રાજા નાચવા માંડ્યા હતા. કોઇકને એમ લાગે કે મૃત્યુની વાત સાંભળીને કોઇ નાચે? હા, પરિક્ષિત રાજા એટલા માટે નાચી ઉઠ્યા કે મારી પાસે હજુ સાત દિવસનો સમય છે ! પરિક્ષિતે સાત દિવસમાં સત્સંગ કરીને પોતાનું મૃત્યુ સુધારી લીધું હતું.
શ્રીમદ્ના જીવન પર બનેલી ફિલ્મ સહિત વિશ્ર્વભરમાં થઇ રહ્યો છે તેમના વિચારોનો પ્રસાર
શ્રીમદ્ રાજચંદ્રના વિચારોનો વ્યાપ હજુ વધારવો જરૂરી છે? એવું પૂછતાં એમણે કહ્યું કે અમારી જેવી કેટલીય સંસ્થાઓ વિશ્ર્વભરમાં કામ કરી રહી છે. શ્રીમદ્ની 100મી પુણ્યતિથી નિમિતે તેમના જીવન પર એક ફિલ્મ બનાવી હતી. ઉપરાંત તેમનું સાહિત્ય પ્રગટ કર્યું. વળી તેમના જીવન આધારિત 90 ચિત્રો પ્રગટ કર્યાં અને પદોનું રેકોર્ડીંગ પણ કર્યું હતું. આમ દરેક સંસ્થા પોતાની રીતે શ્રીમદ્ના વિચારો ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે.
સાયલાનો સૌભાગ આશ્રમ 35 વર્ષથી જ્ઞાન પ્રવૃત્તિ સાથે ધમધમે છે
શ્રીમદ્ના અનુયાયી વિક્રમભાઇએ સાયલા સ્થિત સૌભાગ સંસ્થાન વિશે માહિતી આપતા જણાવ્યું કે સૌભાગભાઇના પિતા લલ્લુભાઇ અગાઉ શ્રીમંત હતા બાદમાં કર્મસંજોગે ગરીબાઇમાં આવી ગયા પરંતુ મારવાડના એક સંતના પ્રતાપે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું જે તેમણે પુત્ર સૌભાગને આપ્યુ અને એમ સૌભાગભાઇ પણ જ્ઞાની પુરૂષ થયા. સૌભાગભાઇને એકવાર એવી પ્રેરણા થઇ અને તેઓ શ્રીમદ્ને મળ્યા. બંને એકબીજાના હૃદ્યસખા હતા. શ્રીમદ્ને સૌભાગભાઇ પાસેથી શુદ્વસમ્યક દર્શન થયું. છેલ્લા 35 વર્ષથી સાયલાના આશ્રમે અનેકવિધ જ્ઞાન પ્રવૃત્તિ ચાલી રહી છે.