વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.
અબતક સાથેની વાતચીત દરમિયાન કિશાન ઈન્ડસ્ટ્રીઝના કમલેશભાઈ ભુવાએ જણાવ્યું હતુ કે લોકડાઉનના કારણે ઉદ્યોગોને ઘણી અસર થઈ રહી છે. અમારી પાસે કામનો પૂરતો સ્ટોક છે એક મહિના સુધી ચાલે તેટલું કામ અમારી પાસે હોવાથી પ્રોડકશન શરૂ કર્યું છે. હાલમાં ૩૫ ટકા જેટલા કારીગરોને બોલાવ્યા છે. અમારે ત્યાં ૩૦ ટકા જેટલા પરપ્રાંતીય કારીગરો છે. જેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. રો-મટીરીયલતો હાલ પરતું છે. પરંતુ ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી ન તો માલ આવી શકે ન તો જઈ શકે. અત્યારે લોકલ ટ્રાન્સપોર્ટેશનની તાતી જરૂ રીયાત છે. જો એ શરૂ થાય તો અમને રાહત રહે. અમે પેન્ડીંગ ઓર્ડરનું જ પ્રોડકશન હાલ કરીએ છીએ. ઉદ્યોગો શરૂ કરવા સરકારે આપેલ ગાઈડલાઈન નિયમોનું અમે ચોકકસપણે પાલન કરીએ ભવિષ્યમાં વધુ કામ મળશે તેવી આશા છે.ક અમારે ત્યાં એસેમેબલી વસ્તુઓ ઘટતી હોવાથી પૂરો માલ નથી બનાવી શકતા જેમકે પ્લાયવુડ સીટ વગેરે અમે કારીગરોને લોકડાઉનમાં પગાર આપ્યો કહ્યું તેમ કર્યું હવે સરકાર અમને મદદ કરે સીસી હપ્તાના વ્યાજમાં ઘટાહો કરે તેવી આશા છે.