પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને સીસીઈએની મહત્વની બેઠકમાં મહત્વના એવા પામ ઓઈલ મિશનને મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા ૧૧ હજાર કરોડથી વધુનો ખર્ચ થશે. આનાથી દેશમાં ઘર આંગણે જ ખાદ્ય તેલનું ઉત્પાદન વધશે તો સાથે અન્ય દેશો પરની નિર્ભરતા ઘટશે. મોદી સરકારના આ મહત્વના નિર્ણયને ગુજરાત રાજ્ય ખાદ્ય તેલ અને તેલીબિયાં સંગઠન દ્વારા આવકાર આપવામાં આવ્યો છે અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

જણાવી દઈએ કે દેશમાં ખાદ્ય તેલના વપરાશમાં વાર્ષિક ૩ થી ૩.૫ ટકાનો વધારો થવાનો થાય છે. હાલમાં, એક વર્ષમાં, ભારત સરકાર રૂ. ૬૦૦૦૦ થી ૭૦૦૦૦ કરોડનો ખર્ચ કરીને ૧૫ મિલિયન ટન ખાદ્ય તેલ ખરીદે છે. આમ, આ મિશન શરૂ થતાં આયાત પરનું ભારણ ઘટશે. ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ એસોસિયેશને આ અંગે જણાવ્યું છે કે મોદી સરકારના ખાદ્ય તેલ ઉત્પાદન વધારવાના આ મિશનથી આગામી દિવસોમાં ભાવ વધારામાં મોટી રાહત થશે.

સંગઠનના પ્રમુખ સમીર શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આભાર વ્યક્ત કર્યો છે અને સાથે રજૂઆત કરી છે કે હજુ ઘણા પગલા લેવાની જરૂર છે. જેનાથી તેલીબિયાંનું સ્થાનિક ઉત્પાદન વધશે. ખાદ્ય તેલ ક્ષેત્ર ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અંદમાન નિકોબાર ટાપુ અને પૂર્વના રાજ્યોમાં પામ પ્લાન્ટેશન માટે પૂરતું ફંડ ફાળવવામાં આવ્યું છે. પરંતુ સૌરાષ્ટ્ર જેવા અનેક પ્રદેશો કે જ્યાં તેલીબિયાં ઉત્પાદન વધી શકે તેમ છે તેવા વિસ્તારોમાં પૂરતું ફંડ ફાળવાયું નથી તો સૌરાષ્ટ્ર માટે ભંડોળ ફાળવાય.

સમીર શાહે વધુમાં જણાવતા કહ્યું કે સૌરાષ્ટ્ર એવો પ્રદેશ છે કે જ્યાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. દેશમાં કુલ ઉત્પાદનમાં સૌરાષ્ટ્રનો હિસ્સો 40 ટકા જેટલો છે. મગફળી ઉપરાંત કપાસ, એરંડા અને સોયાબીન જેવા ખરીફ પાકોનું પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. આ ઉપરાંત ઘઉં, ડુંગળી, લસણ વગેરે જેવા પાકોનું પણ વધુ ઉત્પાદન થાય છે. પરંતુ પૂરતી સિંચાઇની સુવિધાના અભાવને કારણે આઉટપુટ આવતું નથી. આમ, પૂરતી સિંચાઈ વ્યવસ્થા અને જરૂરી સુવિધા ઊભી થાય તો સૌરાષ્ટ્ર પણ ભારતનું ઇઝરાયલ બનવાની તાકાત ધરાવે છે. તેમણે વર્તમાન પરિસ્થિતિમાં વરસાદની ખેંચને લઈ પત્રમાં રજૂઆત કરી કે જો આગામી સમયમાં વરસાદ નહીં પડે તો અર્થતંત્રને પણ નુકસાન થશે. ત્યારે હવે સૌરાષ્ટ્રને સિંચાઈની પૂરતી સુવિધા મળે તેમજ ખંભાતના અખાત ઉપરનો અતિ મહત્વનો ગણાતો એવો કલ્પસર પ્રોજેક્ટ પર ઊંડાણપૂર્વકની વિચારણા તત્કાલીન હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.