રાજકોટમાં ચાલી રહેલી પ્રવચન શ્રેણીના બીજા દિવસે ભાવિકો ઉમટ્યા: જીવનની કોઈપણ પ્રવૃત્તિ કરતાં એ જિનવચનો યાદ આવે અને એના આધારે જીવનનો સમગ્ર વ્યવહાર ઉત્તમ કોટિનો બનતો જાય
પ્રવચન પ્રભાવક પૂ.આચાર્યદેવ શ્રીમદ વિજય કીર્તિયશસુરીશ્વરજી મહારાજ હાલમાં વર્ધમાનનગર શ્રીસંઘમાં બિરાજી રહ્યા છે અને પ્રહલાદ પ્લોટ મેઈન રોડ ઉપર અજરામાર ઉપાશ્રયની સામે આવેલી પ્રદ્યુમનસિંહજી સ્કૂલમાં જુદા જુદા વિષય ઉપર પોતાની વાણીનો લાભ આપી રહ્યા છે. વિશ્વ હિતચિંતક આચાર્યદેવ કીર્તિયશસૂરિશ્વરજી મહારાજાએ ગઈ કાલે આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે 15 ઉપાય પૈકી અકલ્યાણમિત્રનો ત્યાગ અને કલ્યાણમિત્રનો યોગ નામનો 1 ઉપાય સમજાવ્યા બાદ, આજે બીજા દિવસે જિનવચનનું શ્રવણ કરવું તે ઉપાય સમજાવ્યો હતો. આજે બીજા દિવસે પણ આચાર્યને સંભાળવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
આચાર્યશ્રીએ કહ્યું હતું કે, અધ્યાત્મયોગની પ્રાપ્તિ માટે બીજો મહત્વનો ઉપાય જિનવચનનું શ્રવણ છે. જેણે આત્માને ઓળખવો છે, તેણે તેનું જ્ઞાન ભગવાનના યથાર્થ વચન કહેનારા સદગુરુ ભગવંત પાસેથી મેળવવું પડે. જિનવચનોનું શ્રવણ જ્યાં ત્યાં, જેવી તેવી રીતે ન કરાય. સદગુરુ પાસે જ કરાય અને એ માટેની વિધિપૂર્વક જ કરાય. જિનવચન સાંભળવા વિનય-બહુમાનભાવ કેળવવો પડે, ચોકકસ મુદ્દા અને આસનમાંજ બેસવાનું હોય. જિનવચન સાંભળતા હાથ જોડાયેલા હોય, દૃષ્ટિ ગુરુ સમક્ષ હોય, તત્વશ્રવણની જિજ્ઞાસા હોય. મન-વચન-કાયાની એકાગ્રતા હોય તો જિનવચન હૈયે સ્પર્શે અને પરિણામ પામે…
-તેમણે કહ્યું હતું કે, ભોજન વિના જેમ શરીર ન ચાલે, તેમ જિનવચનના શ્રવણ વિના સાધકની સાધના ન ચાલે સદગુરુ વિના જ્ઞાન ન મળે. ઘરે પુસ્તકો વાંચી જવાથી કલ્યાણ ન થાય, વાચવાનું જાણતા બાળકો પણ અભ્યાસ કરવા નિશાળે જાય છે, શારીરિક તકલીફ આવી પડતા આપણે તેના જાણકાર ડોકટર પાસે જઈએ છીએ, તેમ આત્મસ્વપની જેણે પ્રાપ્તિ કરવી છે, તેને આત્મજ્ઞાની એવા સદગુરુ પાસે જ જિનવચન સાંભળવા જોઈએ.
-જિનવચન શ્રવણ માટે તમારી અનુકુળતા મુજબ નહીં પણ ગુરુની અનુકુળતા મુજબ જવાનું. ત્યાં વ્યર્થ હાસ્ય વગેરેને સ્થાન ન હોય. પ્રશ્ર્નો પણ એવા માર્મિક હોય કે સાંભળનાર અને કહેનાર બન્નેને તત્વજ્ઞાન મેળવ્યા-પીરસ્યાનો આનંદ આવે.
ભોજન કર્યા બાદ જેમ તેને પચાવવું અનિવાર્ય છે તેમ અહીં પણ સાંભળેલું પચાવવા માટે ત્રીજા ઉપાય તરીકે જિનવચનની ધારણા આવશ્યક છે તે વાત સમજાવતા આચાર્યશ્રીએ કહ્યું હતું કે, સાંભળેલા જિનવચનો ધારી રાખવા એ એક મહત્વની બાબત છે. સાંભળ્યા જ કરીએ પણ સાંભળેલું જો ધારણ કરી ન રાખીએ તો તે સાંભળેલુ આત્માને વિશેષ લાભ કરતું નથી.
પશુની એ ખાસિયત છે. એને ચરવાનો સમય થોડો મળે. શરીર મોટું, ભૂખ ઘણી અને સમય ઓછો. એમાં જીવન નિર્વાહ કરવાનો. પણ એનો રસ્તો એ કરી લે છે. ચરવાના સમયે ચરી લે. સીધું અંદર ઉતારી દે અને પછી બાકીના નહીં ચરવાના સમયે આવેલું એ અનાજ નિરાંતે વાગોળે. એકરસ કરી તૃપ્તિ મેળવે, તેમ સદગુરુ ભગવંતોનો યોગ મળે એટલે સાધક જિનવચનો સાંભળી લે અને એમની ગેરહાજરીમાં એ સાંભળેલા પદાર્થને વાગોળ્યા કરે. જિનવચનોને મનમાં એવું સ્થિર કરે કે જીવનભર એ વાતો કામ લાગે.
જીવનની કોઈપણ પ્રવૃત્તિ કરતાં એ જિનવચનો યાદ આવે અને એના આધારે જીવનનો સમગ્ર વ્યવહાર ઉત્તમ કોટિનો બનતો જાય તેવી સીખ સાથે આચાર્યશ્રીએ પોતાની આજની વાણીને વિરામ આપ્યો હતો.
આચાર્યશ્રી આગામી તા.18 સુધી પ્રહલાદ પ્લોટ મેઈન રોડ ઉપર અજરામાર ઉપાશ્રયની સામે આવેલી પ્રદ્યુમનસિંહજી સ્કૂલમાં જુદા જુદા વિષય ઉપર પ્રવચન આપવાના છે. . આ પ્રવચન રોજ સવારે 7 થી 8-30 દરમિયાન યોજાઈ રહ્યા છે.