- જૂનાગઢમાં વિદ્યાર્થીએ તરકીબથી અનોખુ સર્જન કર્યું
- ભવિષ્યમાં જો આ રીતે ઘર બનાવવામાં આવે તો ઘણો ફાયદો થાય
જુનાગઢ ન્યૂઝ : આજકાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધી રહી છે જેના લીધે વાતાવરણની વિષમ પરિસ્થિતિનો સામનો આજે સમગ્ર પૃથ્વી પર વસતું જનજીવન કરી રહ્યું છે. આ વાતાવરણમાં ઓઝોનનું સ્તર મુખ્ય ભાગ ભજવી રહ્યું છે . વાતાવરણમાં વધતું પ્રદૂષણ ઓઝોનના સ્તરને ખરાબ કરી રહ્યું છે અને તેના લીધે જ સૂર્યના સીધા કિરણો આજે પૃથ્વી પર પડી રહ્યા છે અને તેના લીધે તાપમાનની વિષમ પરિસ્થિતિ ઓનો ભોગ લોકો અત્યારે બની રહ્યા છે. હાલમાં વાતાવરણમાં વધી રહેલા તાપમાનથી ઠંડક મેળવવા માટે લોકો ભરપૂર એર કન્ડિશનનો ઉપયોગ કરી રહ્યા છે અને તેનાથી નીકળતો કાર્બન મોનોક્સાઈડ ઓઝોન ના સ્તરને ખરાબ કરી રહ્યો છે. જેથી એર કન્ડિશનના ઉપયોગ કર્યા સિવાય કઈ રીતે ઘરને ઠંડું રાખી શકાય તે બાબતે જૂનાગઢના એક વિદ્યાર્થીએ પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.
વિદ્યાર્થીઓનો પ્રયોગ
જૂનાગઢના મારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો ધોરણ સાત નો વિદ્યાર્થી હાર્દિક દ્વારા આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યું છે. 30 દિવસની અથાગ મહેનત બાદ આ પ્રોજેક્ટને સફળતા મળી છે જેમાં હાર્દિક દ્વારા આવનારા ભવિષ્યમાં પ્રદૂષણ ઘટાડતું અને તાપમાન જાળવતું ઘર કઈ રીતે બનાવી શકાય તે વિષય પર પ્રોજેક્ટ બનાવ્યું હતું.
પ્રોજેક્ટની ખાસિયત
પ્રોજેક્ટમાં બનાવાયેલા ઘરની ખાસિયત એ છે કે આ ઘર સામાન્ય વાતાવરણ એટલે કે બહારના વાતાવરણ કરતા 8 થી 10 ડિગ્રી જેટલું તાપમાન ઓછું રહે છે ઘરની અંદર પ્લાસ્ટર , મુલતાની માટી ,સિમેન્ટનું પ્લાસ્ટ અને બાબુ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મકાનની બારીઓ શંકુ આકારની બનાવવામાં આવી છે તેની મુખ્ય ખાસિયત એ છે કે મોટા છિદ્ર માંથી જ્યારે નાના છિદ્રમાં હવા પસાર થાય છે ત્યારે આ હવાનું તાપમાન ઘટી જાય છે અને હવા ઠંડી બને છે.
લાઈમ પ્લાસ્ટરથી ઘર ઠંડુ રહે
હવાની સતત બંને બાજુથી અવરજવર થવાથી ઘર ઠંડુ રહે છે. ઘરની અંદર લાઈમ પ્લાસ્ટરનો ઉપયોગ કરવામાં આવે તો વાતાવરણ ઠંડુ રહે છે. આ ઘરમાં સ્લેબ ના બે પડ બનાવવામાં આવ્યા છે જેમાં જુના જમાનામાં જે બાંબુનો ઉપયોગ કરવામાં આવતો તેમાં નીચે બામ્બુનો ઉપયોગ કરી અને માટી થી ઘરને લિપણ કરવામાં આવતું અને ત્યારબાદ ઉપર સ્લેબ ભરવામાં આવતો અને લાઇન સ્ટોન નું પ્લાસ્ટર કરવામાં આવે તો ઘરનું વાતાવરણ ખૂબ ઠંડુ રહે છે. જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે વરસાદનું પાણી પણ અંદર જતું નથી અને સતત હોવાની અવરજવર રહેવાથી સામાન્ય વાતાવરણ કરતાં ઘરની અંદરનું વાતાવરણ આઠ ડિગ્રી જેટલું નીચું રહે છે.
આવનારા સમયમાં ઘરઆ રીતે બને તો ખૂબ ઉપયોગી
આવનારા સમયમાં વાતાવરણની વિષમ પરિસ્થિતિ ખૂબ વધી રહી છે અને હાલના સમયમાં તાપમાન વધવાની સાથે સાથે લોકો એર કન્ડિશનનો પણ ખૂબ ઉપયોગ વધારી રહ્યા છે પરંતુ હવે નવા ઘર બનતા ની સાથે સાથે જો આ પ્રકારનો કીમ્યો અજમાવવામાં આવે તો ઘરમાં એર કન્ડિશનની જરૂર પણ ન રહે અને વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગ ની અસર થતી બચે જેથી પ્રદૂષણ રહિત અને તાપમાન જાળવતું ઘર લોકો બનાવે તો વાતાવરણમાં પણ ખૂબ મોટો ફાયદો થઈ શકે.