ખેડુતોને પાણી આપવાને મુદે રાજકારણ ગરમાયું
ગુજરાતની જીવાદોરી માનવામાં આવતી નર્મદા કેનાલનો સુરેન્દ્રનગર જિલ્લાનાં ખેડૂતોને સૌથી વધુ લાભ મળતો હોવાની ભાજપ દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયે જ્યારે ખેડૂતોને મોલાત બચાવવા માટે પાણીની ખાસ જરૂર છે.
કેનાલોમાં પાણી પણ છોડાયુ છે ત્યારે પાણી લેવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આવા સમયે કોંગ્રેસના ધારાસભ્યો મેદાનમાં આવીને રવિવાર સુધીમાં જો ખેડૂતોને પાણી નહીં આપવામાં આવે તો કોંગ્રેસના તમામ ચાર સભ્યો જળસમાધી લેવાની લીંબડીના ધારાસભ્ય સોમાભાઈએ જાહેરાત કરતા નર્મદાના નીર હવે રાજકીય રંગે રંગાઇગયા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે વરસાદ ખુબ જ ઓછો થયો છે.
અમુક ગામો તો એવા છે કે જ્યાં ખેડૂતો વાવણી પણ નથી કરી શકયા તો ઘણા ગામના ખેડૂતોએ બેથી ત્રણ વાર વાવેતર કર્યા બાદ આજે ખેતરમાં મોલાત ઉભી છે. જગતના તાત માટે વરસ આખાની રહી સહી આશા ઉભેલા પાક પર નિર્ભર છે.
આ પાકને અત્યારે પાણીની તાતી જરૂર છે. નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવ્યુ છે. પરંતુ ખેડૂતોને પાણી લેવા પર પ્રતિબંધ મૂકીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અનેક ગામના ખેડૂતો નર્મદાના નીર માટે કચેરીઓ ગજવી ચૂકયા છે. ઝાલાવાડના ખેડૂતો માટે નર્મદાના નીર એ સળગતો ઇશ્યુ બની ગયો છે.
ત્યારે લીંબડીના કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ પટેલ પોતાના મત વિસ્તાર સાથે જિલ્લાના ખેડૂતોને નર્મદાના નીર આપવા સાથે પાક વીમાની રકમ આપવા લેખિત રજૂઆત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાદમાં જો રવિવાર સુધી ખેડૂતોને પાણી નહીં મળે તો કોંગ્રેસના ચારેય ધારાસભ્ય જેમાં સોમાભાઈ પટેલ, નૌશાદભાઈ સોલંકી,ઋત્વિક મકવાણા, પરસોતમ સાબરીયા સોમવારે જળસમાધી લેવાની જાહેરાત કરતા રાજકીય ગરમાવો ફેલાયો હતો.