જિલ્લામાં ૧,૧૭,૧૧૭ હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર: વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા જગતાત
જામનગર જિલ્લામાં દર વર્ષે સામાન્ય રીતે ૧૫ જૂનથી ચોમાસાનું વિધિવત આગમન થયા બાદ મહિનાના અંત સુધીમાં સીઝનનો ૧૫ થી ૨૦ ટકા વરસાદ વરસી જતો હોય છે. છેલ્લાં ચાર વર્ષથી જામનગર જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ નબળો થયો હોવા છતાં આ વર્ષે વરસાદની આશાએ જિલ્લામાં ખેડૂતોએ ૪ જુલાઇ સુધીમાં ૧,૧૭,૧૧૭ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર કર્યું છે. જયારે ગત વર્ષે ૫ જુલાઇ સુધીમાં ૬૯,૮૪૮ હેકટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું. પરંતુ ચાલુ વર્ષે અષાઢી બીજ પણ કોરી જતાં અને વરસાદ ખેંચાતા ખરીફ પાકનું વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતાની લાગણી જન્મી છે. ખાસ કરીને પખવાડીયામાં વરસાદ ન થાય તો કપાસના વાવેતર પર ખતરો હોવાનું ખેડૂતો અને ખેતીવાડી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.
તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં માત્ર વાવણીલાયક વરસાદ વરસ્યા બાદ હજુ સુધી પુન: મેઘકૃપા ન થતા જિલ્લામાં ૧૩૨૧૨૭ હેક્ટરમાં થયેલ ખરીફ વાવેતર પર સંકટ તોળાઇ રહ્યું છે.આગોતરૂ વાવેતર તેમજ વાવણીલાયક વરસાદમાં વાવણી કરનાર ધરતીપુત્રો વરસાદને લઇ ભારે મુંજવણમાં મુકાયા છે.અને આભ સામે નજર તાકી વરસાદની તાતી રાહ જોઇ રહ્યાં છે.
ખેડૂતોએ આટલી તકેદારી રાખવી જરૂરી
જામનગર જિલ્લા પંચાયતનાં ઈર્ન્ચા ખેતીવાડી અધિકારી એન.એ. કાલાવડીયાએ જણાવ્યું છે. જે ખેડૂતોને પિયતની સગવડ હોય તેઓએ કપાસ,મગફળી તેમજ અન્ય જે પાકનું વાવેતર કર્યું હોય તે પાકને પિયત કરવું. ફુવારા પધ્ધતિથી પિયત કરવું જેથી પાણીની બચત થાય અને પાકની ઉપજ પણ સારી મળે. વરસાદ વધુ લાંબો સમય ખેંચાય તો કપાસનું વાવેતર કરનાર ખેડૂતો પાસે પિયતની સગવડ નથી તેઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી. સારા વરસાદમાં મગફળીનું વાવેતર થયું હોય તો મહીના સુધી કોઇ સમસ્યા ઉદભવતી નથી. આકરો તાપ પડે અને વરસાદ ન થાય તો કપાસના વાવેતર પર જોખમ રહેશે વરસાદ કયારે આવે તે નિશ્ચિત હોતું નથી. પરંતુ જો જિલ્લામાં સતત આકરો તાપ પડે અને ૨૦ જુલાઇ સુધી વરસાદ ન થાય તો કપાસના વાવેતર પર જોખમ ઉભું થઇ શકે છે. જે ખેડૂતો પાસે પિયતની સગવડ હોય તેઓએ પાકને પાણી આપવું.