પીજીવીસીએલ દ્વારા થોડા વર્ષો પહેલા એક ઔદ્યોગિક સંકુલમાં એક જ વીજજોડાણ આપવાનો નિયમ અમલી બનાવવામાં આવતા વિરાટ સંકુલમાં આવેલા નાના અલગ અલગ ઔદ્યોગિક એકમોને અલગથી વીજજોડાણ પ્રાપ્ત થઈ શકતું ન હોવાથી ઉદ્યોગકારોને મુશ્કેલી પડતી હતી.
જામનગરમાં શંકરટેકરી, ઉદ્યોગનગર વિસ્તાર સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં નવા ઉદ્યોગકારોને ઉદ્યોગો સ્થાપિત કરવા માટેની જગ્યા ઉપલબ્ધ નથી અને જે ઉદ્યોગકારો પાસે તેમની જરૃરિયત કરતા મોટા પ્લોટ/શેડ છે તેઓ પોતાની ફાજલ પડેલી જગ્યામાં અલગ અલગ ગાળા પાડી, અલગ અલગ શટર મૂકી પોતાના પરિવારના સભ્યો અથવા તો અન્ય ઉદ્યોગ સાહસિકોને વપરાશમાં આપે છે. કેટલાક કિસ્સામાં આવા અલગ અલગ ગાળો અને શટરવાળા ૧૦થી ૧પ જેટલા ઔદ્યોગિક એકમો એક જ સંકુલમાં ચાલતા હોય છે.
આ પ્લોટ/શેડની માલિકી ધરાવતા ઉદ્યોગકારોને એચ.ટી. વીજળી કનેકશન લેવું પરવડે તેમ ન હોય અને તેની ક્ષમતા અને જરૃરિયાત પણ નથી હોતી આવા કિસ્સામાં નાના ઉદ્યોગ સાહસિકોને તેના એકમ માટે અલાયદું વીજ કનેકશન મેળવવું પડે છે, પરંતુ એક સંકુલમાં એક જ વીજળી કનેકશનની જોગવાઈને કારણે નાના ઉદ્યોગકારોને એક જગ્યામાં બીજું વીજ કનેકશન મળતુંન હોવાથી ઉદ્યોગ શરૃ કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો
તે જ રીતે મશીનરી તથા અન્ય લોન માટે બેંક દ્વારા તથા અન્ય સરકારી વિભાગોમાં પણ છેલ્લા વીજળી બીલની નકલ માગવામાં આવતી હોય જે ઉદ્યોગકારો ઉપલબ્ધ કરાવી શકતા ન હોવાથી લોન લેવામાં પણ ખૂબજ સમસ્યા ઉભી થતી હોય. આ બાબતે ફેરવિચારણા કરી એક જ સંકુલમાં એકથી વધુ ઔદ્યોગિક વીજજોડાણ આપવા માટે જામનગર ફેકટરી ઓનર્સ એસો. દ્વારા ઉર્જામંત્રી સૌરભ પટેલને રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં કાર્ય૫ાલક ઈજનેર, પશ્ચિમ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા મળેલ પત્રમાં દર્શાવ્યા અનુસાર એક જ સંકુલમાં જો એક જ માલિક હોય અને આ પ્રિમાઈસીસ જાહેર માર્ગ અથવા તો પ્રાઈવેટ પ્રિમાઈસીસથી અલગ ન પડતી હોય તો તેમને બીજું ઔદ્યોગિક વીજજોડાણ મળવા પો નથી,
પરંતુ એક સંકુલમાં એકથી વધુ ઉદ્યોગકારો તેમના અલગ ઔદ્યોગિક એકમો ધરાવતા હોય અને અલગ કાયદાકીય ઓળખના પુરાવાઓ જેમ કે અલગ ઈન્કમટેક્સ નંબર, અલગ સેલ્સટેક્સ નંબર, અલગ રેશનકાર્ડ, ભાડા કરાર અથવા તો લીઝ કરાર ધરાવતા હશે
તો પીજીવીસીએલના નિયમાનુસાર તેમને બીજું ઔદ્યોગિક વીજજોડાણ મળવાપાત્ર છે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ષો જૂના આ પ્રશ્નનો સાનુકૂળ ઉકેલ લાવવામાં જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ની રજૂઆતને સફળતા મળી છે જેને કારણે ઉદ્યોગકારોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.