૧૬ ટકાના ગ્રોથ સાથે આવકવેરામાં ૩.૮૬ લાખ કરોડનો વધારો
હાલ, દિવાળીના દિવસોમાં પણ બજારોમાં મંદી જોવા મળી રહી છે. વેપાર ધંધામાં મંદીની માઠી અસર વર્તાય છે. ત્યારે આ મંદીમાં પણ આવકવેરાએ ભારે તેજી સર્જી છે. એપ્રીલથી સપ્ટેમ્બર માસ સુધીમાં આવકવેરામાં ૧૫.૮ ટકાનો વધારો થયો છે. આ છ મહિનાના ગાળામાં રૂ ૩.૮૬ લાખ કરોડનો વધારો નોંધાયો છે. નાણા મંત્રાલયના અહેવાલ અનુસાર ડાયરેકટ ટેકસ (આવકવેરા) ના અંદાજીત બજેટના કુલ ૩૯.૪ ટકા ટેકસ એકઠો થયો છે જે કુલ રકમ રૂ ૯.૮ લાખ કરોડ છે. પાછલા નાણાંકીય વર્ષની સરખામણીએ આ વર્ષે સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીમાં ૧૫.૮ ટકાના ગ્રોથની સાથે કુલ ૩.૮૬ લાખ કરોડનો આવકવેરામાં વધારો થયો છે.
એડવાન્સ ટેકસની વાત કરીએ તો સપ્ટેમ્બર-૨૦૧૭ સુધીમાં એડવાન્સ ટેકસ ૧.૭૭ લાખ કરોડે પહોચ્યો હતો. પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે ૧૧.૫ ટકાનો વધારો થયો છે. જેમાં કોર્પોરેટ ઇન્કમ ટેકસ (સીઆઇડી) (એડવાન્સ) માં ૮.૧ ટકા નો અને ઇન પર્સનલ ઇન્કમ ટેકસ (એડવાન્સ) માં ૩૦.૧ ટકા નો વધારો નોંધાયો છે. આ ઉપરાંત એપ્રિલથી સપ્ટેમ્બર-૨૦૧૭ દરમિયાન ૭૯,૬૬૦ કરોડ રૂપિયાનું રીફંડ છે. ગ્રોસ ડાયરેકટ ટેકસ (રીફંડ કર્યા પહેલાનો ટેકસ)માં એપ્રીલ-સપ્ટેમ્બરમાં ૧૦.૩ ટકાનો ગ્રોથ સાથે ૪.૬૬ લાખ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. આમ, બજાર, વેપાર ધંધામાં મંદીની ખાસી એવી અસર જોવા મળી રહી છે. પરંતુ ટેકસ સેમમાં વધારો થતાં આવકવેરા વિભાગે સારી એવી જમાવટ કરી છે.