વર્ષ 2025માં ભારતને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) મુક્ત કરવાના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે મોટો તફાવત હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો એક વર્ષમાં ટીબીના 1.37લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, પ્રતિ દિવસે ટીબીના સરેરાશ 3,78 નવા કેસ નોંધાય છે. તેમજ એક વર્ષમાં ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. આજે વિશ્વ ‘ટીબી દિવસ’ છે ત્યારે તેમાં વધતા જતા કેસ ચિંતાનો વિષય બન્યા છે.
ગુજરાતમાં ટીબીની સારવાર પૂર્ણ થવાનો દર 90.52% નોંધાયો
ગુજરાત સરકારે ટીબી નોંધણી અને સફળ સારવાર મામલે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત લક્ષ્યના 95% હાંસલ કર્યા છે, જ્યારે સારવાર પૂર્ણ થવાનો દર 91%નોંધાયો છે. ગુજરાતને 2024માં 1,45,000 ટીબી દર્દીઓની ઓળખ અને નોંધણીનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેની સામે 1,37,929 ટીબી દદીઓની સફળતાપૂર્વક ઓળખ અને નોંધણી કરવામાં આવી હતી. આ સાથે જ 1,24,581 દર્દીઓની સફળતાપૂર્વક સારવાર થઈ હતી, જેથી સારવાર પૂર્ણ થવાનો દર 90.52% નોંધાયો હતો.
ટીબી શરીરના ફેફસા સિવાયના ભાગો પર પણ અસર કરે છે
ટીબી મુખ્યત્ત્વે ફેફસાને અસર કરે છે. તે શરીરના અન્ય વિવિધ ભાગોને પણ અસર કરી શકે છે, જેને પછી એક્સટ્રાપલ્મોનરી ટીબી તરીકે ઓળખવામાં આવે છે. આ જ્યારે હાડકાને અસર કરે છે, ત્યારે તે ટ્યુબરક્યુલોસ ઓસ્ટીયોમેલિટીસ અથવા સાદી ભાષામાં હાડકાનો ટ્યુબરક્યુલોસિસ (ટીબી) તરીકે ઓળખાય છે. હાડકાનો ટીબી શરીરના વજનને આધાર આપતા હાડકા, સાંધાઓ, કરોડરજ્જુના મણકાને સૌથી વધુ અસર કરે છે.
ટીબીના દર્દીઓને રૂ.43 કરોડની સહાય ચૂકવાઇ
ટીબીના દર્દીઓ તેમની નિયમિત સારવાર કરાવવા માટે પ્રેરાય અને નાણાના અભાવે તેમની સારવારમાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે ગુજરાત સરકાર દ્વારા નિક્ષય પોષણ યોજના હેઠળ દવાના ખર્ચ માટે ટીબીના દર્દી દીઠ રૂપિયા 500ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. વર્ષ 2024માં 1,18,984 ટીબીના દર્દીઓને રૂપિયા 43.9 કરોડની સહાય આપવામાં આવી હતી.તેમજ ઉલ્લેખનીય છે કે, ટીબીના દર્દીઓને આપવામાં આવતી આ થક સહાયને કેન્દ્ર સરકારે 1 નવેમ્બર, 2024થી વધારીને રૂપિયા 1,000 કરી છે.