- પદાધિકારીમાં આવડત અને કામ કરવાની લગન હોય તો બ્યૂરોક્રેટ્સ તેને મદદરૂપ થાય જ છે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સરળ, ઇમાનદાર અને સાલસ, તેઓ પ્રજાના કામ માટે દિવસ-રાત દોડે છે
- રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ અને સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
ઘોડા ગમે તેવા હોય સારો વસવાટ હોય તો રાજ્યનો વહીવટ ટનાટન ચાલે છે. પદાધિકારીઓમાં આવડત અને કામ કરવાની લગન હોય તો બ્યૂરોક્રેટ્સ અવશ્ય મદદરૂપ થાય છે તેમ રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. તેઓની સાથે સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવની ઉ5સ્થિતિ રહી હતી.
રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સરળ, ઇમાનદાર અને સાલસ સ્વભાવના છે.
તેઓ પ્રજાના પ્રશ્ર્ન હલ કરવા સતત દિવસ રાત દોડે છે. વધુમાં તેઓએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી ગુજરાતમાં વિકાસનો પાયો નંખાયો હતો. વડાપ્રધાન મોદીનું ગુજરાત હોમ ટાઉન છે. તેઓ જ્યારે આવે છે ત્યારે પ્રજામાં ઉત્સાહ હોય છે.
તે ખરેખર જોવા જેવો હોય છે. તેઓએ કહ્યું કે ગુજરાતની દશા અને દિશા બદલાઇ રહી છે અને આજે બીજા રાજ્યોની પીવાના પાણીની, વિજળીની, રસ્તાની સ્થિતિ જોઇએ ત્યારે ખબર પડે કે ગુજરાત આજે દેશમાં નંબર-1 છે. જેમાં નરેન્દ્ર મોદીજીનો સિંહફાળો છે. તેઓએ ઉમેર્યું કે ઘોડો ગમે તેવો હોય અશ્ર્વાર ઉપર તેની ચાલ નક્કી થતી હોય છે. જો અશ્ર્વાર એટલે કે પદાધિકારી કાબિલ હોય અને પ્રજાના કામ કરવા હોય તો ઘોડો એટલે કે બ્યૂરોક્રેટ્સ ખંતથી સહયોગ આપે જ છે.
જ્ઞાતિ-જાતિનું નહિં વિકાસનું રાજકારણ ચાલશે
રાઘવજીભાઇએ જણાવ્યું કે યુવા વર્ગ હવે જ્ઞાતિ-જાતિ કરતા પરર્ફોમન્સને પ્રાધાન્ય આપી રહ્યું છે. જે લોકો કામ કરશે તેને જ પ્રજા અપનાવશે. જ્ઞાતિ-જાતિના વાડા રાજકારણને અસર ન કરે તે માટે મોદીજી સતત સક્રિય છે.
ચૂંટણી માટે ભાજપ તૈયાર
રાઘવજીભાઇ પટેલે જણાવ્યું કે ચૂંટણી ગમે ત્યારે આવે. સી.આર. પાટીલના નેતૃત્વમાં ભાજપનું સંગઠન તૈયાર જ છે. જો કે મારૂં અંગત માનવું છે કે ચૂંટણી સમયસર જ આવવાની છે. છેલ્લા એક વર્ષથી ભાજપ તૈયારી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સતત કામ કરી રહ્યું છે.
સી.આર.પાટીલના નેતૃત્વમાં સંગઠન વધુ મજબૂત બન્યું
રાઘવજીભાઇ પટેલે કહ્યું કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં સંગઠન વધુ મજબૂત બન્યું છે. તેઓના સુકાનમાં જે નવ બેઠકો પર કોંગ્રેસ વર્ષોથી જીતતી આવતી હતી. ભાજપે વિજય મેળવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. આ ઉપરાંત ગાંધીનગર મહાપાલિકામાં પણ ઝળહળતો વિજય મેળવ્યો છે. ઉપરાંત સી.આર.પાટીલ પોતે ત્રણ વખત સાંસદની ચૂંટણી લડ્યા તેમાં ઉત્તરોત્તર લીડમાં વધારો મેળવ્યો છે. તેઓ હાલ ખૂબ સક્રિય ભૂમિકામાં છે.
ખેડૂતોની આવક ડબલ કરવા સરકાર સતત પ્રયત્નશીલ
રાઘવજીભાઇ પટેલે જણાવ્યું કે ખેડૂતોની આવક ડબલ કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે. સદ્ભાગ્યે ગત વર્ષે વરસાદ સારો થયો, ઉત્પાદન પણ સારો થયો હતો. આ ઉપરાંત સરકારની નીતીથી ખેડૂતોને ઉત્પાદનના ભાવ પણ પૂરતા મળ્યા હતા. હાલ જે જણસના બજાર ભાવ ઓછા છે તેની ટેકાના ભાવે સરકાર ખરીદી કરી રહી છે. ઉપરાંત ડુંગળી જેવી જણસ ઉપર સરકારે સહાય પણ જાહેર કરી છે.
મફતની વૃત્તિ સરવાળે નુકશાનકારક
રાઘવજીભાઇએ કહ્યું કે અન્ય પક્ષો મફ્તનું આપવાની વાતો કરે છે. આ મફ્તની વૃત્તિ સરવાળે નુકશાનકારક છે. લોકો આત્મનિર્ભર બને તે વધુ જરૂરી છે. બીજું કે મફ્ત શિક્ષણની વાત છે તો સરકારી શાળાઓમાં મફ્ત શિક્ષણ આપે છે. ઉપરાંત સરકાર આ શિક્ષણની ગુણવત્તા વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. વધુમાં તેઓએ કહ્યું કે વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ સરકારી શિક્ષણ ઉપર ભાર આપી ડ્રોપ આઉટ રેસીયો ઝીરો કરી દીધો હતો.
નેતા જનતાના સુખદુ:ખમાં સાથે રહે તો જ તે ટકી રહે
રાઘવજીભાઇએ જણાવ્યું કે નેતા જો જનતાના સુખદુ:ખમાં સાથે રહે તો જ તે ટકી રહી. તેઓએ કહ્યું કે હું જનતા થકી છું. તેવું જ હું માનું છું. પ્રજાના સુખદુ:ખમાં સતત સાથે રહ્યો છું. પ્રજાના પ્રશ્ર્નો સતત ઉઠાવ્યા છે. હું જીત્યો છું તો અગાઉ ઘણી વખત હાર્યો પણ છું. જનતાની સાથે રહેવાનું મેં છોડ્યું નથી. એટલે જ જનતાએ જ મારી સાથે રહેવાનું છોડ્યું નથી.