આજના 21મી સદીના આ યુગમાં બ્રાન્ડ માટે તો લોકો જીવ દેવા પણ તૈયાર થઈ જાય છે. એમાં પણ જો કોઈ કંપની કે સંગઠનની બ્રાન્ડની વાત આવે એટલે કે કંપનીની પાઘડીની વાત આવે તો માલિક કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. કારણકે પાઘડી એટલે જ કોઈ કંપની કે સંગઠનની શાખ, માન, મર્યાદા અને મોભો. આ પાઘડીને લઈને જ તાજેતરમાં ઉચ્ચ ઉદ્યોગપતિ કિર્લોસ્કર બંધુઓ મેદાને ઉતર્યા છે.
વધુ એક ઉધોગપતિ બંધુઓ વચ્ચે વિવાદ: કિર્લોસ્કર કંપનીની “પાઘડી”ને લઈ સંજય, અતુલ અને રાહુલ કિર્લોસ્કર વચ્ચે કકળાટ
અતુલ અને રાહુલ કિર્લોસ્કરની આગેવાનીવાળી ચાર કંપનીઓ KBLની શાખને નુકસાન પહોચાડતી હોવાનો ભાઈ સંજય કિર્લોસ્કરનો આક્ષેપ: સેબી સમક્ષ ફરિયાદ
નોંધનીય છે કે ઉદ્યોગ જગતમાં પારિવારિક વિવાદ કંઈ નવીન નથી. આ અગાઉ આંબાણી અને ટાટા જૂથમાં પણ વિવાદ સામે આવી ચુક્યો છે. પણ આનાથી અલગ બ્રાન્ડની ગરીમાને લઈ કિર્લોસ્કાર બંધુઓમાં કકળાટ જોવા મળ્યો છે. બ્રાન્ડને લઈ કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ (કેબીએલ) સાથે સંકળાયેલા સંજય કિર્લોસ્કરે તેના ભાઈઓ અતુલ કિર્લોસ્કર અને રાહુલ કિર્લોસ્કર પર આક્ષેપો કર્યા છે.
સંજય કિર્લોસ્કરે સેબીને એક પત્ર મોકલ્યો છે જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે અતુલ અને રાહુલ કિર્લોસ્કરની આગેવાનીવાળી ચાર કંપનીઓ તેમના પૂર્વજની 130 વર્ષ જુની કંપની કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડનો વારસો છીનવી રહી છે. અને રોકાણકારોને ગેરમાર્ગે દોરી રહી છે. જોકે, અતુલ અને રાહુલ કિર્લોસ્કરની આગેવાનીવાળી કંપનીઓએ સંજય કિર્લોસ્કરના આ આરોપોને નકાર્યા છે.
સંજય કિર્લોસ્કરે સેબીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સ લિમિટેડ (KOEL), કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (કેઆઇએલ), કિર્લોસ્કર ન્યુમેટિક કંપની લિમિટેડ (કેપીસીએલ) અને કિર્લોસ્કર ફેરસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (કેએફઆઇએલ) આ ચાર કંપની કે મુખ્ય કંપની કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડનો વારસો છીનવી પાઘડીને નુકસાન પહોંચાડી રહી છે.
ઉલ્લેખનીય છે કે અતુલ અને રાહુલ કિર્લોસ્કરે તાજેતરમાં જ ઉપર જણાવેલ ચાર કંપનીઓ ઉભી કરી છે પણ તેના નામમાં કિર્લોસ્કરનો સમાવેશ થતો હોવાથી સૌથી જૂની બ્રાન્ડને નુકસાની થઈ રહી છે. રોકાણકારો ગુમરાહ થઈ રહ્યા છે. તો બીજી તરફ અતુલ અને રાહુલ કિર્લોસ્કર કે જેઓ જે ચાર કંપનીઓનું નેતૃત્વ કરે છે તેમાં નવીનતા લાવવા માટે તેણે કિર્લોસ્કર લિમિટેડ નામ આપ્યું હોવાનું જણાવ્યું છે.