શાળાઓમાં બાળકોનો ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા શિક્ષણ વિભાગનો મહત્વનો પરીપત્ર: બાળક સતત ૩૦ દિવસ સુધી ગેરહાજર રહેશે તો તેનું નામ રજીસ્ટરમાંથી કમી કરી નાખવામાં આવશે
પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા માટે શિક્ષણ વિભાગે મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં બાળક જો સતત ૭ દિવસ ગેરહાજર રહે તો શિક્ષકે તેની ઘરે જઈને તપાસ કરવાનો તેમજ બાળક જો સતત ૩૦ દિવસ ગેરહાજર રહે તો તેનું નામ રજીસ્ટરમાંથી કમી કરી નાખવાનો દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે.
પ્રાથમિક શાળાઓમાં બાળકો નિયમિત હાજરી આપે તેવા હેતુથી રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને ડ્રોપ આઉટા રેશીયો ઘટાડવાનાં પગલા લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે જો કોઈ બાળક શાળામાં સતત ત્રણ દિવસ ગેરહાજર રહે તો શિક્ષકે ગેરહાજર બાળકનાં વિસ્તારમાંથી આવતા અન્ય બાળકોની પૂછપરછ કરવાની રહેશે.
જો બાળક સતત સાત દિવસ સુધી શાળામાં ગેરહાજર રહે તો વર્ગ શિક્ષકે બાળકના માતા પિતાકે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઈ બાળક કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવાની સમજ આપવામાં આવશે. જો બાળક સતત દસ દિવસ સુધી શાળાએ ગેરહાજર રહેશે તો શાળાના મુખ્ય શિક્ષકે બાળકનાં વાલી કે ઘરની મુલાકાત લેવાની રહેશે. જો બાળક સતત ૧૫ દિવસ સુધી ગેરહાજર રહેશે તો આજ પ્રકારે શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષે બાળક કે વાલીની મુલાકાત લેવાની રહેશે.
જો બાળક સતત ૨૧ દિવસ સુધી ગેરહાજર રહે તો શાળાનાં સીઆરસી કોર્ડીનેટરે બાળકના વાલી કે ઘરની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ જો બાળક ગેરહાજર રહે તો હોય તેને ૩૦ દિવસ પૂર્ણ થાય તો બાળકને શાળા બહારનું ગણીને તેનું નામ રજીસ્ટરમાંથી કમી કરી નાખવાનું રહેશે.
શાળા બહારનું બાળક ગણેલ બાળકનું નામ કમી કરવા માટે શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ મહાસચીવ વર્ગ શિક્ષક અને સીઆરસી કો.ઓર્ડીનેટરની સમિતિ બનાવવામાં આવશે.