કેળવણીના ક્ષેત્રે પણ ઘૂસેલી મતિભ્રષ્ટતા ભારતીય સંસ્કૃતિનું વધુ અધ:પતન નોતરશે !
હમણા હમણા જુદી જુદી પરીક્ષાઓનાં પરિણામો જાહેર થતા જ અખબારો અને અન્ય માધ્યમો દ્વારા સ્કૂલો, કોલેજો, કોચિંગ કલાસો અને ટયુશનો અંગેની ભરપૂર જાહેરાતો પ્રગટ થતી રહી છે. પોતાના સંતાનો ભણીગણીને હોશિયાર બને તથા ઉત્તમોત્તમ કારકીર્દિ પામે એવું ઈચ્છે છે. એમપણ કહી શકાય કે એને માટે ઝંખે છે.
ભારતને સ્વતંત્રતા સાંપડી તે વખતથી હમણા સુધીમાં ભારત દેશનાં નવનિર્માણ પ્રતિ એને પ્રયાણ કરવાનું હતુ અને એમાં સારી પેઠે ગતિ આવે તે અનિવાર્ય હતુ. કેન્દ્રના બજેટમાં અને એની યોજનાઓમાં શિક્ષણ ક્ષેત્રને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને એને માટે જોઈતા નાણાની અને સંશાધનોની ફાળવણી કરવી જોઈતી હતી. એમ ન થયું તે બાબત આ દેશની કમનશીબી બની ચૂકી છે. અને ઉત્તરોતર આ ક્ષેત્ર વધુને વધુ સમૃધ્ધ બનવાને બદલે ખાડે ગયું છે.
વર્ષો પહેલાનો એક અહેવાલ આજે પણ આંખો ઉઘાડનારો બને તેમ છે.
એ દર્શાવે છે કે, ભારત સરકારે જે પહેલી પંચવર્ષિયક યોજના બતાવી તેમાંશિક્ષણ પાછળ કુલ 151 કરોડ રૂપીયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઈ.સ. 2002-03 દરમિયાન ચાલનારી દસમી પંચવર્ષિય યોજનામાં શિક્ષણ પાછળ કુલ 43,825 કરોડ રૂપીયાનો ખર્ચ કરવાની ધારણા રાખવામાં આવી હતી. ઈ.સ. 2002-03ની સાલમાં આપણુ જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન હતુ તેના 3.98 ટકાનો ઉપયોગ શિક્ષણ આપવા માટે કરવામાં આવ્યો હતો. નવમી પંચવર્ષિય યોજનામાં શિક્ષણ માટે 24,908 કરોડ રૂપીયાની ફાળવણી સામે દસમી યોજનામાં જે ફાળવણી કરવામા આવી છે. તે 76 ટકા જેટલી વધુ છે. દસમી યોજનામાં પ્રાથમિક શિક્ષણ માટે જ 30,000 કરોડ રૂપીયા ફાળવવામાં આવ્યા છે. જયારે માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટે 13,825 કરોડ રૂપીયા ફાળવવામાં આવ્યા છે. ઈ.સ. 2003-04નાં એક જ વર્ષ માટે પ્રાથમિક શિક્ષણ પાછળ 4900 કરોડ રૂપીયાનો અને માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ પાછળ 2125 કરોડ રૂપીયાનો ખર્ચો કરવાની આપણી સરકારની ધારણા છે. આ 2015 કરોડ પૈકી 669 કરોડ માધ્યમિક શિક્ષણ પાછળ, 613 કરોડ કોલેજના શિક્ષણ પાછળ અને 700 કરોડ રૂપીયા ટેકનીકલ શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે. ટુંકમાં આપણી સરકાર શાળા કોલેજના શિક્ષણ પાછળ દર વર્ષે આશરે 7 હજાર કરોડ રૂપીયાનો ખર્ચો કરી રહી છે. જેમાં દર વર્ષે ઉત્તરોતર વૃધ્ધિ થઈ રહી છે.
સરકાર શિક્ષણ પાછળ જે ખર્ચો કરે છે. તે મુખ્યત્વે સ્કુલો કોલેજોને આપવામાં આવતી ગ્રાંટના સ્વરૂપમાં અને સરકારી સ્કુલો અને કોલેજો ચલાવવા પાછળ કરે છે. આ રકમમાંથી શિક્ષક શિક્ષીકાઓના પગારો તેમજ ભથ્થાઓ ચૂકવવામાં આવે છે આ સરકારી ખર્ચ સિવાય સમાજ તરફથી પણ શિક્ષણ પાછળ અનેક ખર્ચાઓ કરવામાં આવે છે. આ ખર્ચાઓ ગ્રાન્ટ ન લેતી ખાનગી શિક્ષણ સંસ્થાઓની ફીના સ્વરૂપમાં કોચીંગ કલાસની ફી, ટયુશન ટીચરનો પગાર, ગાઈડો, વર્કબુકો અને એકસરસાઈઝ બુકો પાછળના ખર્ચા વગેરેના સ્વરૂપમાં હોય છે. અહી વિચારવાનું રહે છે કે વર્ષ હજારો કરોડો રૂપીયાનું આંધણ કર્યા પછી આપણા શિક્ષણના સ્તરમા કોઈ સુધારો થાય છે ખરો?
આજે શહેરનો કોઈ વિદ્યાર્થી જૂનીયર કે.જી.માં એડમિશન લે એટલે તેની મમ્મી ટયુશન ટીચની તપાસ શરૂ કરી દે છે. જૂનિયર કે.જી.નાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોય અને માબાપને અંગ્રેજી આવડતું નહોય એટલે મહિને 200-300 રૂપીયાનો ખર્ચ કરીને ચાર વર્ષના બાળકનું ટયુશન રાખવું પડે છે. આ ટયૂશન અને કોચીંગ કલાસીસનો સીલસીલો છેક કોલેજ સુધી ચાલે છે.
સમયની રીતે વિચાએ તો આજે સ્કુલમાં ભણતા દરેક વિદ્યાર્થીના દરરોજ પાંચથી સાત કલાક સ્કુલના શિક્ષણ પાછળ વેડફાય છે. જો આટલાબ ધા સમયનો ભોગ આપ્યા પછી સ્કુલમાં જો વિદ્યાર્થી સરખુ ભણી ન શકતો હોય અને તેને ભણવા માટે ટયુશનનો આકરો ખર્ચો કરવો પડતો હોય અને બીજા બે કલાક બગાડવા પડયા હોય તો સ્કુલ પાછળ આટલો બધો સમય વેડફવાની શી જરૂર છે? શું એ વાત ખરેખર સાચી છે. કે આજકાલના શિક્ષકો સ્કુલમાં સરખુ ભણાવતા નથી એટલે ફરજીયાત ટયૂશન તો રખાવવું જ પડે? તેની ગંભીર વિચારણા થવી જોઈએ.
કોલેજના વિદ્યાર્થીઓની તો વાત જ નિરાળી છે. તેઓ સ્પષ્ટ કહે છેકે અમે કોલેજમાં ભણવા જતા નથી પણ મોજમસ્તી કરવા અને વિજાતીય પરિચય મેળવવા માટે જઈએ છીએ. તો પછી જેમને ખરેખર ભણવું હોય તેઓ શું કરે છે? તેવા કોચિંગ કલાસ જોઈન્ટ કરે છે. કોલેજની ફી વર્ષે 500 થી 1000 રૂપીયા જેટલી ઓછી હોય છે. કારણ કે સરકાર વર્ષે કરોડ રૂપીયા યુનિ.ની ડીગ્રી કોલેજ પાછળ ખર્ચે છે. આ રાહતનો ઉપયોગ વિદ્યાર્થીઓ મોજમજા અને મનોરંજન પાછળ કરે છે. પછી ભણવા માટે તેઓ કોચિંગ કલાસ જોઈન્ટ કરે છે, જેની વાર્ષિક ફી દસથી બાર હજાર રૂપીયા હોય છે. અહી વિચારવાનું એ રહે છે કે જે વિદ્યાર્થીને કોચીંગ કલાસની દસ બાર હજારની ફી પરવડે છે. અને બીજા જંગી ખર્ચાઓ પણ પરવડે છે તેને સરકારે શા માટે કરદાતાઓ ઉપર બોજ નાખી કોલેજની ફીમાં રાહત આપવી જોઈએ?
સ્કૂલોની હાલત પણ કંઈ સારી નથી એસએસસીનો વિદ્યાર્થી આજે ટયૂશન પાછળ વર્ષે પંદરથી પચ્ચીસ હજાર રૂપીયા ખર્ચી શકે છે. પણ સ્કૂલને સરકારી ગ્રાન્ટ મળતી હોય એટલે સ્કૂલની ફી એકદમ નગણ્ય જ હોય છે. હવે જો વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણતા જ નહોય અને વાલીઓને બાળક્ધે ભણાવવા માટે ટયૂશનો અને કોચિંગ કલાસનો ખર્ચો કરવો જ પડતો હોય તો શા માટે બાળકને સ્કુલે મોકલવું જોઈએ? તેનો જવાબ સૂચક છે. વાલીઓ કહેશે કે અમે જે વિદ્યાર્થીને સ્કૂલમાં ન મોકલીએ તો તેની પરીક્ષા કોણ લે? તેને આગળ ધોરણમાં ચડાવે કોણ? આ જવાબ પર ખરેખર વિચાર કરવાની જરૂર છે. આજની સ્કૂલોમાં માત્ર પરીક્ષા લેવાની અને વિદ્યાર્થીને પાસ કરવાની સત્તા આપી દેવામા આવે, જે વિદ્યાર્થીએ સ્કુલમાં હાજરી પૂરાવવી જરૂરી ન હોય, તો સ્કુલમાં વિદ્યાર્થીઓનો બરબાદ થતો સમય બચાવી શકાય ખરો?
સ્કુલમાં બંને પ્રકારની સગવડ હોવી જોઈએ એક, જે વિદ્યાર્થીએ સ્કુલમાં જ ભણણીને સ્કુલમાં પરીક્ષા આપવા માંગતા હોય તેમા માટેનો વિભાગ, બીજો વિભાગ જે વિદ્યાર્થીઓ કોચિંક કલાસમાં કે ટયુશનમાં કે ઘરે જાતે ભણી સ્કુલમાં પરીક્ષા આપવા માંગતા હોય તેમના માટેનો અલગ વિભાગ હોવો જોઈએ. આ વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા આપવા માટે જ સ્કૂલમાં આવતા હોય તેમણે માત્ર પરીક્ષા ફી જ ભરવાની રહે. પોતાના અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્કુલ તેમની પણ પરીક્ષા લે અને રિઝલ્ટ જાહેર કરે. સરકાર માન્ય શાળાઓમાં આ પ્રકારની સતત સવલત આપવામાં આવે તો અનેક વાલીઓ પોતાના બાળકોને સ્કુલમાંથી ઉઠાડી લે. લાખો વિદ્યાર્થીઓ શિક્ષણના બેવડા ત્રાસમાંથી મૂકત થઈ જાય. તેમના પાંચથી સાત કલાક રોજ બચી જાય. આ બચેલા સમયમાં તેમના વ્યકિતત્વનો સર્વક્ષેત્રી વિકાસ થાય એવી અનેક કળાઓ તેમને શીખવી શકાય.
અહી સવાલ એ આવીને ઉભો રહે છે કે શુ ટયુશન કરતા શિક્ષકો વિદ્યાર્થીને સ્વતંત્ર રીતે ભણાવવાની ક્ષમતા ધરાવે છે ખરા? આજે જેઓ ટયૂંશન્સ કરે છે તેમાના મોટાભાગના શિક્ષકો તો આ માટે પૂરતા સજજ હોય તેવું જણાતું નથી જો વાલીઓને બાળકોને સ્કુલમાં મોકલ્યાવિના બહારથી જ પરીક્ષા અપાવવાનો વિકલ્પ આપવામાં આવે તો પણ કેટલા વાલીઓ માત્ર ટયૂશન ટીચર ઉપર ભરોસો રાખી બાળકને સ્કુલે મોકલવાનું બંધ કરે એ મોટે સવાલ છે. બાળકને ભણવા માટે સ્કૂલમાં અને ટયૂશનમાં એમ બંને સ્થળે મોકલતા વલીઓ બંને બાજુથી છેતરાય છે. સ્કૂલના ટીચરો તેને સરખુ ભણાવતા નથી ઘણા શિક્ષકતો સ્કૂલમાં સ્પષ્ટ કહે છે કે ન સમજાય તો ટયૂશન ટીચને પૂછી લેજો, ટયૂશનના ટીચરો વિદ્યાર્થીને સ્વતંત્ર રીતે કોઈ જ વિષય સાંગોપાંગ ભણાવવાની આવડત લગભગ ધરાવતા હોતા નથી. તેઓ તો સ્કૂલમાં જે પાઠ ચાલ્યો હોય તેના સવાલ જવાબ ગોખાવે છે કે હોમવર્ક જ કરાવે છે. બે ઘણનો પરોણો ભૂખ્યો રહે તે મુજબ બાળક બંને સ્થળે ભણ્યા વગરનું રહી જાય છે. અને તેની કેળવણી કાચી રહી જાય છે.
વિદ્યાર્થીને ખરેખર ભણવું હોય તો માત્ર સ્કુલમાં જઈને તે ભણી શકે છે, તેને ટયુશનની કોઈ જરૂર નથી આજે વિદ્યાર્થીઓ જે ટયૂશન રાખે છે તે સ્ટેટસ માટે અને સમાજની દેખાદેખીથી રાખે છેઅને જો ટયૂશનનો ખરેખરો લાભ મેળવવો હોય અને તેની પાછળ ખર્ચેલા પૈસા વસુલ કરવા હોય તો બાળકને ભરાવવાની બધી જ જવાબદારી ટયૂશન ટીચરને સોંપી બાળકને સ્કુલમાં મોકલવાનું બંધ કરવું જોઈએ. આ ત્યારે જ શકય બને જયારે બધી સ્કુલો એકસ્ટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ તેમને પાસ કરવાની સત્તા ધરાવતી હોય સરકારે બધી માન્યતા પ્રાપ્ત શાળાઓને આવી સતા આપવી જોઈએ. વર્ષો પહેલાના આ અહેવાલમાં એ વખતની પરિસ્થિતિ અને ગતિવિધિઓનો ખ્યાલ ઉપસે છે.
એને લક્ષમાં રાખીને આપણા દેશના વર્તમાન શિક્ષણ ક્ષેત્રનો અભ્યાસ કરતાં એવું ચિત્ર જ ઉપસે છે કે, આપણો દેશ કેળવણી પધ્ધતિમાં ક્રાંતિથી વંચિત રહ્યો છે. આપણે ત્યાં એક અતિમહત્વની વાત વિસરાઈ ગઈ છે કે, વિદ્યા કે કેળવણી એ વેચવાની ચીજ નથી પણ વહેંચવાની ચીજ છે અને પ્રત્યેક ચોમાસુ મબલખ કૃષિ પાકની સાથોસાથ દેશની જરૂરિયાત મુજબ કેટલાક વૈષ્ણવજનો પેદા કરી આપે ! આપણા કેળવણી ક્ષેત્રે મતિભ્રષ્ટતા, લાગવગશાહી, ઉંચનીચ અને ધનવાન-ગરીબના અનિષ્ટો ઘૂસી ગયા છે. એને લીધે આ દેશ નવયુગના રાધાકૃષ્ણ, બાળગંગાધર તિલક, ગોખલે, કાલેલકર અને મહાત્મા ગાંધી જેવા વતનપરસ્ત અને પ્રબુધ્ધ શિક્ષકો પેદા કરી શકયો નથી.
આઝાદીની લડાઈ પૂરી થયા પછી તમે શું કરશો, એવો સવાલ તિલકને પૂછાયો ત્યાર સ્હેજે ખચખચાટ વગર જવાબ આપ્યો હતો કે, એ પછી હું પાછો હું શિક્ષક બની જઈશ.
કોચિંગ કલાસો, ટયુશનોની જરૂર પડે છે એવી આપણી આજની કેળવણી સંસ્થાઓ, સ્કૂલો-કોલેજો અને યુનિવર્સિટીઓને આપણે કઈ રીતે શાબાશી આપવી એવો પ્રશ્ર્ન ઉઠે છે. યુગલક્ષી ક્રાંતિવિના આપણા કેળવણી ક્ષેત્રનું અને સંસ્કાર સંસ્કૃતિનું અધ:પતન થશે, જેની છાંટ અત્યારથી દ્રષ્ટગોચર થઈ રહી છે!