કોરોનાને નાથવામાં બૂસ્ટર ડોઝ શું કામ કરે છે ??
શરીરમાં રહેલા વાયરસ કે બેકટેરિયા સામે લડવા બુસ્ટર ડોઝ વધુ એન્ટીબોડી ઉત્પન્ન કરી રોગ પ્રતિકારક શકિત અનેકગણી વધારી દે છે
કોરોના આવ્યો ત્યારથી તેને નાથવા માટે વિશ્વભરના દેશોના વૈજ્ઞાનિકો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા ઉપચાર પદ્ધતિની શોધ થવા માંડી હતી. જેના પરિણામ સ્વરૂપ હાલ અલગ-અલગ દેશોમાં અલગ-અલગ પ્રકારની રસી ઉપલબ્ધ છે. પરંતુ આ સાથે રસી પરની રસ્સખેંચ પણ યથાવત જ છે. અત્યાર સુધી રસીની કિંમત, તેની અસરકારકતા, સંગ્રહ ક્ષમતા અને આડઅસરને લઇ પ્રશ્નો ઊભા થયા હતા. પરંતુ હાલ રસીના બે ડોઝ આપ્યા બાદ હજુ ત્રીજો ડોઝ પણ આપવો પડશે..? કોરોના સામે લડવા માટે લોકોને હવે બુસ્ટર ડોઝ આપવા પડશે..? તેવા પ્રશ્નો ઊભા થયા છે. આ અંગે વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં મુકાયા છે.
વાત કરીએ આ બુસ્ટર ડોઝ અંગેની તો, કોઈ પણ રસીનો બુસ્ટર ડોઝ તેને જ આપવામાં આવે છે જે લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા હોય. આપણા શરીરમાં રહેલા ચોક્કસ જીવાણુ અથવા વાયરસ સામે લડવામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને મજબૂત કરે છે. આ બૂસ્ટર ડોઝએ જ રસીનો હોઈ શકે છે જે વ્યક્તિએ પહેલા લીધી છે. બૂસ્ટર ડોઝ શરીરમાં વધુ એન્ટિબોડીઝ ઉત્પન્ન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બૂસ્ટર ડોઝ શરીરની પ્રતિરક્ષાને યાદ અપાવે છે કે તેને ચોક્કસ વાયરસ સામે લડવા માટે તૈયાર રહેવાનું છે.
બૂસ્ટર ડોઝ માત્ર તે લોકોને આપી શકાય છે જેમણે રસીનો સંપૂર્ણ ડોઝ મેળવ્યો હોય. વિશ્વભરમાં કોવિડ-19ના નવા પ્રકારો ઉભરી રહ્યા હોવાથી, આરોગ્ય સંસ્થાઓ બૂસ્ટર ડોઝ આપતા પહેલા ઘણી બાબતો વિશે વિચારી રહી છે. જો કે અમેરિકા, રશિયા જેવા દેશોએ પોતાના નાગરિકોને બુસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપી દીધી છે. યુએસ આરોગ્ય અધિકારીઓએ ટૂંક સમયમાં સંપૂર્ણપણે રસીકરણ કરાયેલા અમેરિકનો માટે કોવિડ -19 બૂસ્ટર શોટની ભલામણ કરી છે.
વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા રક્ત પરીક્ષણો સૂચવે છે કે એન્ટિબોડીઝ, રોગપ્રતિકારક તંત્રના રક્ષણના સ્તરોમાંથી એક, સમય જતાં ક્ષીણ થઈ શકે છે. તેનો અર્થ એ નથી કે રક્ષણ શક્તિ સાવ નાશ પામે છે. પરંતુ તેનો અર્થ એ થઈ શકે છે કે રક્ષણ એટલું મજબૂત નથી અથવા શરીરને ચેપ સામે લડવામાં વધુ સમય લાગી શકે છે. આમ, બુસ્ટર ડોઝ આવી સ્થિતિમાં કોરોના સામે લડવામાં મોટી મદદ કરશે. સંક્રમણનો ખતરો ઘટાડશે.