આજીમાં 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો જ જળ જથ્થો ઉપલબ્ધ: ન્યારી અને ભાદર નવેમ્બર સુધી ખેંચી જશે

વરૂણદેવના રૂષણા ચાલુ રહેતા હવે જળ કટોકટીના એંધાણ વર્તાવાનું શરૂ થયું છે. જો આગામી એકાદ સપ્તાહમાં સંતોષકારક વરસાદ નહીં પડે અને જળાશયોમાં પાણીની માતબર આવક નહીં થાય તો શહેરની જળ જરૂરિયાત સંતોષતા મુખ્ય જળાશય પૈકીના એક એવા આજી ડેમમાં ફરી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવા માટેની માંગણી કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, આજી ડેમમાં હાલ 350 એમસીએફટી પાણી સંગ્રહિત છે.

દૈનિક વિતરણ માટે ડેમમાંથી રોજ 5 એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે. 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું પાણી હાલ ડેમમાં ઉપલબ્ધ છે. જ્યારે ન્યારી-1 ડેમમાં 615 એમસીએફટી જળ જથ્થો ઉપલબ્ધ છે. ડેમમાંથી રોજ 4 થી  5 એમસીએફટી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. ન્યારી હજુ 15મી નવેમ્બર સુધી સાથે આપે તેવી સંભાવના છે. જ્યારે ભાદર ડેમમાં 1576 એમસીએફટી પાણી સંગ્રહિત છે.

કરાર મુજબ રાજકોટને ભાદરમાંથી રોજ 45 એમએલડી પાણી આપવામાં આવે છે જે ધ્યાનમાં રાખી હિસાબ માંડવામાં આવે તો ભાદરમાં 30 નવેમ્બર સુધી ચાલે તેટલુ પાણી ઉપલબ્ધ છે. અગાઉ વરસાદ ખેંચાયો ત્યારે આજી ડેમમાં 150 એમસીએફટી અને ન્યારી ડેમમાં 150 એમસીએફટી પાણી ઠાલવવા માટે માંગણી કરવામાં આવી હતી.

જેનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરાયો હતો અને આજીમાં 148 એમસીએફટી અને ન્યારીમાં 92 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું હતું. હજુ એક સપ્તાહ સુધી રાહ જોવામાં આવશે જો સંતોષકારક વરસાદ નહીં પડે તો આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવા માટે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે.

ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ન્યારી ડેમ માટે પણ નર્મદાનું પાણી માંગવાની વિચારણા ચાલી રહી છે. દૈનિક 325 એમએલડીની જરૂરિયાત સામે લાઈન લોસ સાથે કુલ 360 એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.