- રૂપાલાના નિવેદન બાદ ઉઠેલા વિવાદમાં ક્ષત્રિય સમાજે 400 યુવાનોને ચૂંટણી લડવા મેદાને ઉતારવાની જાહેરાત કરી: એક બેઠકમાં મહત્તમ 24 ઇવીએમ જ લગાવી શકાય, એક ઇવીએમમાં 16 ઉમેદવારોની જ યાદી રહી શકે
- મતદારોને પોતાના પસંદગીના ઉમેદવાર શોધવામાં એક બેલેટ પેપર નહિ પણ બેલેટ પેપરનો ચોપડો ઉથલાવવો પડશે: આવી સ્થિતિમાં મતદાનને પણ અસર થવાની શકયતા
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિપ્પણીથી રોષે ભરાયેલ ક્ષત્રિય સમાજે 400 યુવાનોને ચૂંટણી લડાવવા જાહેરાત કરતા ચૂંટણીતંત્રમાં ચિંતા જોવા મળી રહી છે. કારણકે જો ઉમેદવારોની સંખ્યા 384 થી વધે તો પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવું પડે. અને જો આવું થાય તો તંત્રનું કામ જટિલ બની જાય ઉપરાંત કામગીરીમાં રાતઉજાગરા પણ કરવા પડે.
જો 400 ક્ષત્રિય યુવાનો જો ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવે તો ઇવીએમને બદલે બેલેટ પેપરથી ચૂંટણી યોજવી પડે અને મતદારોને પોતાના પસંદગીના ઉમેદવાર શોધવામાં એક બેલેટ પેપર નહિ પણ બેલેટ પેપરનો ચોપડો ઉથલાવવો પડે તેવી સ્થિતિ જોતા તંત્ર પણ અવઢવમાં મુકાયું છે. ભારતના ચૂંટણી પંચની જોગવાઈ મુજબ કોઈપણ ચૂંટણીમાં વધુમાં વધુ 24 ઇવીએમ ગોઠવી વધુમાં વધુ 384 ઉમેદવારોને મતદાન પ્રક્રિયા માટે કાર્યવાહી કરી શકાય છે જો તેનાથી વધુ ઉમેદવારો થાય તો ફરજિયાત પણે ઇવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરવું પડે, જે અન્વયે 10 રાજકોટ લોકસભા બેઠકની સ્થિતિ જોઈએ તો એક સાથે 400 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરે તો એક બેલેટ પેપરમાં 9 ઉમેદવાર લેખે પ્રત્યેક મતદારને 45 થી વધુ બેલેટ પેપરનો બન્ચ મતદાન માટે આપવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે. અધિકારીઓ આ મામલે જણાવી રહ્યા છે કે હાલમાં તો રૂટીન મુજબ ચૂંટણી તૈયારી કરવામાં આવી રહી છે પરંતુ જો હાલમાં જે વિવાદની સ્થિતિ ચાલુ છે તેવી સ્થિતિ આગળ પણ નિર્માણ થાય તો પંચની જોગવાઈ મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બેલેટ પેપરથી મતદાન અંગે કાર્યવાહી કરવી પડે તે દિશામાં પણ તંત્ર સચેત હોવાનું જણાવ્યું હતું.