અબતક, રાજકોટ
ફિલ્મ્સ સમારોહ નિદર્શાલય-ડાયરેક્ટરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ-ગ્રીન પાર્ક પાસે,સિરીફોરટ ઓડિટોરિયમ નવી દિલ્હીથી પ્રવાહિત રામકથાના બીજા દિવસે બાપુએ જણાવ્યું કે વ્યાસપીઠે ઘણીવાર સાધુ મહિમાનો સંવાદ કર્યો છે.ક્યારેક માનસ સંત લક્ષણ, ક્યારેક માનસ સાધુમહિમાના રૂપમાં.બાપુએ જણાવ્યું કે વિષાદ,દીનતા,અનુકંપા,ક્રોધ,વિવાદ અને પ્રસાદમાં પુનરુક્તિ એ દોષ નથી.બાકી સાહિત્યમાં પુનરુક્તિ દોષ મનાય છે.એક પ્રશ્ન હતો કે દયા અને કરુણામાં શું ફરક છે?એનો ઉત્તર આપવા જણાવ્યું કે દયા ઈચ્છે છે કે સમાજ દીન બનીને રહે જેથી અમે સેવા કરતા રહીએ!કરુણા એ છે જે દીન-હીનને જ નષ્ટ કરે છે.
બાપુએ જણાવ્યું કે આજે બીજા દિવસે જ આ કથાનું આ શીર્ષક થોડું બદલી રહ્યો છું કારણ કે આ રામચરિતમાનસ તો છે જ સાથે સાથે સાધુચરિત માનસ પણ છે એટલે આ કથાનું નામ માનસ સાધુ ચરિત માનસ રાખીએ છીએ.સાધુ ચરિત માનસમાં શ્લોકાભિરામંનો મહિમા છે. રામચરિતમાનસમાં લોકાભિરામં રણ રંગધીરં રાજીવનેત્રમ રઘુવંશ નાથં કારૂણ્ય રૂપં કરૂણાકરં તં શ્રી રામચંદ્ર શરણં પ્રપદ્યે એવું લખાયું છે અહીં રાજીવમિત્રં -સાધુ અસંગ મિત્ર છે,સાધુ બધાથી પ્યારોરો અને ન્યારો હોય છે.અહીં લઘુ વંશનાથં -નાનાથી પણ નાના વંશમાં જન્મ લેનારને સાધુ રક્ષા કરવા વાળો હોય છે.અહીં સાધુ તારુણ્ય રૂપમ-બુઢાપો આવી જાય એ સાધુ નહીં.શરીરની ઉંમર જુદી વાત છે અને કરુણાકરં તં સાધુપુરૂષં શરણં પ્રપદ્યે છે.બ્રહ્મા સાધુનો મહિમા નથી ગાઈ શકતા,બ્રહ્મા વેદ ગાઈ શકે છે.
લોકવાર્તા સાંભળવાના બદલે સાધુવાર્તા સાંભળવી જોઇએ: પૂ.મોરારીબાપુ
ભગવાન વિષ્ણુ પણ સંકોચાય છે એટલે બાપુએ જણાવ્યું કે એક સાધુના દર્શન કરતા કરતા તમારા મોરારિબાપુને થોડાક બિંદુઓ પકડાયા છે અને દર્શન કરવા યોગ્ય સાધુથી શ્રેષ્ઠ કોણ હોય?સાધુ-સંત-ગુરુ-સદગુરુ-બુદ્ધ પુરુષ આદિ શબ્દ પર્યાયવાચી છે પણ વ્યક્તિગત રૂપમાં મને સાધુ શબ્દ પર વિશેષ લગાવ છે.આવા લક્ષણ હોય એ સાધુ એમ નહીં પણ સાધુ છે તેનામાં આવા લક્ષણો હોય છે.આવા થોડાક બિંદુ: એક-સૌથી પહેલા આપણે કોઈ સાધુના વિશે શ્રવણ કરવું જોઈએ.અહીંથી સાધુની યાત્રાનો આરંભ થાય છે.સાધુ વિશે શ્રવણ કરવાથી બે વાતો આવે છે: ક્યારેક એના પ્રભાવ વિશે ક્યારેક તેના સ્વભાવ વિશે આપણે જાણીએ છીએ.પ્રભાવમાં આપણે ઊભા થઈ જઈએ છીએ અને સ્વભાવ ભીતરથી આપણને ઉભા કરી દે છે.લોકવાર્તા સાંભળવાને બદલે સાધુ વાર્તા સાંભળવી જોઈએ.
ભૂલથી પણ સાધુની નીંદા ન થઇ જાય તે ઘ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે
બે-શ્રવણ કરવાથી ઉત્કંઠા ઉત્પન્ન થાય છે કે આ કોણ છે એને જરા જોઈએ તો ખરા!દર્શનની લાલસા જાગે છે અને ખૂબ ભરોસા સાથે હું કહું છું કે સાધુનું દર્શન કરવાથી આપણા પાપ મટી જાય છે.શાસ્ત્ર પણ કહે છે અને અનુભવ પણ કહે છે,તો સાધુના યકીન પર યકીન કરજો!ત્રણ-સાધુનો સ્પર્શ જીવનાં નાતે આપણને પ્રતીતિ થાય છે કે સાધુનો સ્પર્શ કરીએ.પરંતુ પ્રતીક્ષા કરજો.તેના ચરણ સ્પર્શની જીદ ન કરતા.એ પોતાની મેળે જ ચરણ આપણા માથા પર રાખી દેશે. સાધુ ડિયર કહે તો ફિયર અને ફીવર ભાગી જાય છે.
પ્રતીક્ષા કરીએ,એ ખુદ સ્પર્શશે અને સાધુ સ્પર્શ કરે તો જન્મ જન્માંતરોના કર્મ ભસ્મ થઈ જાય છે.કર્મો ખતમ થઇ જાય છે.આમ તો યોગાગ્નિમાં, ગ્નાનાગ્નિમાં વિરહાઅગ્નિ પણ કર્મ ખતમ થઇ જતા હોય છે.ચાર-પછી ઇચ્છા થાય છે કે આપણે થોડીક વાત કરીએ એ છે સાધુ વચન,અને સાધુ વચનથી મનનો મોહ મુક્ત થઈ જાય છે.પાંચ- સાધુનો સંગ રોજ મળે એવો ભાવ ઉત્પન્ન થાય છે. અને આપણે સાધુ પુરુષ સાથે બેઠા તો હોઇએ છીએ પરંતુ એના સંગમાં હોતા નથી. સાથે બેઠા હોય એ બધા સાથે જ છે એવું ન સમજવું.બાપુએ કહ્યું કે હું જ્યારથી કથા ગાઈ રહ્યો છું ત્યારથી કહું છું કે તું મળે કે ન મળે તારા સાધુ પુરુષનો સંગ કરી દેજે અને સંગ કરવાથી ધીરે-ધીરે અવસ્થા પ્રાપ્ત થાય છે.
છ-પછી એક લાલસા જાગે છે સાધુની સેવા મળી જાય.જો કે સાધુને સેવાની જરૂર નથી તે આપણી પ્રસન્નતા માટે સેવા ગ્રહણ કરે છે અને સૌથી મોટી સેવા કઈ?
આજ્ઞા સંગ સાહિબ સુસેવા;સો પ્રસાદ જન પાવે દેવા એના મુખમાંથી નીકળેલી આજ્ઞા એ જ શબ્દોમાં નિભાવીએ એ મોટામાં મોટી સેવા છે.અને સેવાથી સાધુ સ્વભાવનો અનુભવ થવા લાગે છે. ક્યારેક લાગે છે કે સાધુ જ સાધુના સ્વભાવને જાણી શકે છે. રામ સાધુ છે,સાધુ રામ છે અને ભરત પણ સાધુ છે એટલે ભરત રામના સ્વભાવને જાણે છે.બાપુએ કહ્યું કે પ્રાર્થનાના સ્વરમાં કહું છું છે ધનથી વધારે તનની ચિંતા કરજો અને તનથી પણ વચન વધારે મહત્વનું અને વચનથી મન ખૂબ મહત્વનું છે.
સાત-પછી સાધુના મુખે સાધુની વાર્તા સાંભળવાની ઈચ્છા થાય છે.આઠ-સાધુ કાયમ સાથે નથી રહેવાના એટલે સાધુ જાય ત્યારે એનું સ્મરણ શરૂ થાય છે.વો દુર રહકર ભી અપના હૈ, સોચ અગર પાકીઝા હૈ.આટલી સાધુપણાની યાત્રા થઈ જાય તો છેલ્લે સાધુનું શરણ. બાપુએ કહ્યું આમાનુ કંઇપણ ન થાય તો ચિંતા નહીં પરંતુ સાધુ નિંદા ન થાય,સાધુની આજ્ઞા માનો કે ન માનો પરંતુ તેની અવજ્ઞા ન થાય એ ખાસ યાદ રાખજો.કથા પ્રવાહમા રામસખાઓની વંદના,સીતારામજી વંદના અને નામ મહિમાનું સંક્ષિપ્ત ગાન કરી આજની કથાને વિરામ અપાયો.