હાફૂસ કેરીની સિઝન હાલ પૂર્ણ થઈ ગઈ છે. સામે અત્યારે પૂરબહારમાં માર્કેટમાં જે કેસર કેરી આવતી હોય છે. તેનો માવઠા બાદ વાવાઝોડાએ સોથ વાળી દેતા હવે જૂજ કેરીનો પાક જ વધ્યો હોય કેસર કેરીના ભાવ આસમાને પહોંચી ગયા છે. બીજી બાજુ હવે કચ્છી કેરી ઉપર જ કેરીરસીયાઓનો આધાર રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.
સૌરાષ્ટ્રની બજારોમાં વાવાઝોડાના કારણે ખરી ગયેલી કેરીની મબલખ આવક બાદ કેરીના સ્વાદ રસિયા માટે આંબે બચેલ કેરીઓ બગીચામાંથી વેડેલી બજારમાં આવતા, આવી મધમીઠી કેસર કેરીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે અને હાલમાં બોક્સના 800 થી 1 હજારના ભાવે વેચાઇ રહી છે. જો કે, સ્વાદ રસિયા આવી કેરી મેળવવા બગીચાઓ સુધી પહોંચી રહ્યા હોવાના પણ સમાચારો મળીરહ્યા છે.
વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ભારે તબાહી મચાવી હતી, ત્યારે સોરઠના બાગાયતી પાકોમાં ભારેથી અતિ ભારે નુકસાન થયું હતું. અને મોટી સંખ્યામાં આંબાના બગીચામાં ઘણા આંબા પડી ગયા હતા જેના કારણે કેરીના પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું. આંબાના બાગોમાં ટન મોઢે કેસર કેરી અકાળે ખરી પડી હતી. શાખ બેસ્યા પહેલા ખરી પડેલી કેરીઓની કિંમત વધારે હોતી નથી, આવા સમયે ખરી પડેલી કેરી બજારમાં આવતા ભાવ તળિયે બેસી ગયા હતા. તે સમયે કેરીના એક બોક્ષના ભાવ 80-100 થઈ જવા પામ્યા હતા.
જો કે, સદ નસીબે જે ખેડૂતોની કેરીઓ બચી ગઇ હતી તે ખેડૂતોએ વેડેલી કેરી માર્કેટિંગ યાર્ડ અને બજારમાં મુકતા નવી આવેલી પાકી કેસર કેરી એક કિલોના રૂ. 100 થી 120 ના ભાવે વહેચાઈ રહી છે, અને કાચી કેરીના બોક્ષ રૂ. 600 થી 850 ના ભાવે બજારમાં વેચાઇ રહી છે.
નિષ્ણાંતો અને કેરીના ખેડૂતોના જણાવ્યા અનુસાર સાખ બેઠા પછી આંબા ઉપરથી વેડેલી કેરીનો સ્વાદ કંઈક ઓર જ હોય છે તેમની સોડમ અને રંગના કારણે સોરઠની કેસર કેરી વિદેશોમાં પ્રખ્યાત છે અને એટલે જ ફળના રાજા તરીકે કેરી ઓળખાય છે, ત્યારે હવે આંબે વેડેલી કેરી બજારમાં આવતા સ્વાદ રસિયાઓ કેરીના બગીચા સુધી મધમીઠી કેરી મેળવવા પહોંચી રહ્યા છે અને આવી કેસર કેરીના ભાવમાં વધારો થવા પામ્યો છે.
ઉલ્લેખનીય છે કે ફળોના રાજા અને સૌરાષ્ટ્રની સોડમ ગણાતી કેસર કેરીને આ વર્ષે તાઉતે વાવાઝોડા અને કોરોના નડી ગયો. કોરોના મહામારીના કારણે નિકાસમાં થયેલા ઘટાડાના કારણે પહેલેથી જ નીચા ભાવનો મહારાષ્ટ્ર અને ગુજરાતના કેરી ઉત્પાદકો સામનો કરી રહ્યાં હતા તેની સાથે તાઉતે વાવાઝોડાએ કેર મચાવ્યો છે. વાવાઝોડા દરમિયાન ઝડપી પવન ફૂંંકાતા આંબાના ઝાડ પડી જવા સાથે 75 ટકાથી વધુ કેરી ખરી જવા સાથે નુકસાન થયું છે.
તેમજ વાવાઝોડા પછી અચાનક કેરીની આવકમાં વધારો થતા અને ક્વોલિટી નબળી રહેવાના કારણે કેસર કેરીના ભાવ તાલાલા માર્કેટ યાર્ડમમાં ઘટીને પ્રતિ કિલો રૂ.4-20માં વેચાઇ હતી. દેશમાંથી સૌથી વધુ નિકાસ થતી કેરીમાં સૌ પ્રથમ કેસર અને ત્યારબાદ અલ્ફાંસો બીજા સ્થાન પર આવે છે. કેરી ઉત્પાદકોના મતે માર્ચમાં કોરોનાની બીજી લહેર શરૂ થવા સાથે આંશિક લોકડાઉનના કારણે વેપારમાં 40-50 ટકાનું નુકસાન રહ્યું હતું. આ ઉપરાંત નિકાસમાં એરકાર્ગોની સુવિધા ન મળવાના કારણે નિકાસને મોટા પાયે અસર થઇ છે. આ ઉપરાંત કાર્ગોના ભાડા ઉંચા હોવાથી નિકાસ કરવાનું પણ પરવડે તેમ નથી તેવું જાણવા મળ્યું છે.
કચ્છી કેરીની વ્યાપક માંગ: ઠેર-ઠેરથી લાઉ-લાઉ
સૌરાષ્ટ્રમાં આવેલી આફતે કચ્છમાં ખેડુતો માટે અવસર સર્જયો છે. ચાલુ વર્ષે કચ્છના ખેડુતોને સારુ માર્કેટ ન મળવાની ચિંતા હતી. પરંતુ સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાની અસરથી કેરી ખરી ગઇ હતી. અને આંબાઓને પણ ભારી નુકસાન થયું હતું,. જેને લઈને કચ્છી કેરીની ડિમાન્ડ વધી છે. જેથી ખેડુતોને સારા ભાવ પણ મળ્યા છે.
કચ્છમાં દિન પ્રતિદીન કેરીનુ વાવેતર વધતુ જાય છે. જો કે કચ્છની કેરીની ભારે ડીમાન્ડ છંતા કોરોનાને લઇ લોકડાઉન આવતા ખેડુતોને યોગ્ય ભાવ સાથે માર્કેટ ન મળવાની ચિંતા હતી જો કે સૌરાષ્ટ્રમા વાવાઝોડાની કેરી ખરી જતા કચ્છની કેરીની ડીમાન્ડ શરૂ થઇ છે. કચ્છી કેસર મે મહિનાના અંતમાં બજારમાં આવે છે.જે હવે બજારમાં આવી રહી છે.
પરંતુ ચાલુ વર્ષે કચ્છમાં સારા ઉત્પાદન સાથે સારુ માર્કેટ મળવાની આશા છે કચ્છમાં 10હજારથી વધુ હેક્ટરમાં વાવેતર સાથે 60 મેટ્રીંક ટનથી વધુ કેરીનુ ઉત્પાદન થશે. કચ્છની કેરીની ડિમાન્ડ તેની મીઠાસ અને વિશેષતાને કારણે છે. જો કે ચાલુ વર્ષે એક્સપોર્ટ ન થવા સાથે સ્થાનીક માર્કેટમાં સારા ભાવ નહી મળે તેવુ હતુ પરંતુ હાલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમા કચ્છની કેરીની ડીમાન્ડ વધી રહી છે.