મહાભારતના યુઘ્ધ વખતે કુરુક્ષેત્રના રણ મેદાનમાં ખૂંખાર બાણાવળી અર્જુને ધેરા વિષાદથી ધેરાઇને લડવાની ના પાડી તે પછી તેના સારથી બનેલા શ્રી કૃષ્ણે તેને ‘ગીતા’ દ્વારા પોતે કહે તેમ કરવા સુધી અર્જુનના માનસને પલટી નાખ્યું એ પછી તેમણે એવા ઉદ્દગારો કાઢયા હતા કે, ‘હવે આ મહાયુઘ્ધના પડકારો જીલવાની અગાધ શકિત તો એનામાં છે જ !’

આપણા દેશના રાજકારણનાં વર્તમાન સ્થિતિ સંજોગો જોતાં એવો ખ્યાલ ઉપસે છે કે, લોકસભાની ચૂંટણી જો હેમખેમ પાર ઉતરી જવા દેવાશે તો દેશની સામેના પડકારો ઝીલવાની અમોવ શકિતની ખોટ નહિ પડે ! હા, લોકસભાની ચૂંટણી હેમખેમ પાર ઉતરવા સામે શંકાઆશંકાનાં ઓછાયા રહ્યા જ છે.આ ઓછાયા ભલે આછરે કે ન આછરે, તો પણ દેશની વર્તમાન રાજકીય હાલત બેશક બૂરી છે. ચૂંટણી પ્રચારમાં પણ સંઘર્ષનાં રાજકારણની ગંધ આવ્યા વિના રહેતી નથી. વ્યકિતગત આક્ષેપો પણ રાજકીય અશાંતિની અને કયાંક કયાંક બેકાબુ ઉત્તેજના, ઉશેકરણી તેમજ ઝપાઝપીની ચાડી ખાધા વગર રહેતા નથી.

ચૂંટણીની પવિત્રતા સામે ઉઠાવાઇ ચૂકેલા વાંધાવચકાં પણ હવામાનને કલુષિત કરી જ શકે તેમ છે !અભ્યાસીઓનું કહેવું છે કે, આપણા બધા જ પક્ષોના રાજપુરૂષો દેશનું હિત જોતા જ નથી, તેઓ મોરચાઓ, કૂચો અને બંધ, હડતાળ યોજે છે. પણ દેશના મૂળભૂત હિત તથા લાભ-નુકશાનનો વિચાર કરતા નથી, વિપક્ષોએ તેમની તાકાતના પ્રદર્શન માટે ભારત બંધનું આયોજન કર્યુ દેશને રૂ ૧૦૦૦૦ કરોડથી રૂ ૧૫૦૦૦ કરોડનું નુકશાન થયું.  તેમણે વિજયનો સંતોષ મેળવ્યો. આમાં વતન પરસ્તી કયાં રહી?

વડાપ્રધાન પદે હતા ત્યારે ૧૯૬૫-૬૬ ના અરસામાં શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ દેશ દાઝની રણભેરી ગજાવતા હોય તેમ એવો લલકાર કર્યો હતો. કે દેશની અત્યારની કટોકટી એ એક પડકાર પણ છે, અને કાંઇક કરી બતાવવાની તક પણ છે, આજે પરિશ્રમ કરવાનો અને બલિદાન આપવાનો સમય છે, આપણે હિમંતપૂર્વક અને કલ્પના શકિતથી સંજોગોનો સામનો કરવાનો છે. મને શ્રઘ્ધા છે કે આપણી મુશ્કેલીઓ કામ ચલાઉ છે. આપણા અત્યારના પ્રયત્નોથી આપણું અર્થકારણ વેગવાન બનશે જ એમ હું માનું છું અને તેનું કારણ એ છે કે તમે બધા દેશવાસીઓ આ દેશને ચાહો છો એને જ તમારું સર્વસ્વ ગણો છો, આ દેશના હિમાલય શા પર્વત, ગંગા નદી અને પ્રેરણાસ્થાનો પ્રત્યે તમને અસીમ દર છે.

શ્રીમતિ ગાંધીએ આગળ વધીને એમ પણ કહ્યું હતું કે આપણે પચંડ કાર્યો કરવાના છે અને તે તાકિદે કરવાનો છે. કોઇપણ રીતે કરવાના છે. અને આપણા માટે જ નહિ  પરંતુ  આપણા સંતાનો માટે પણ કરવાના છે. આપણે સહુ એક અવાજે સાથે હશું તો જ એ કરી શકીશું, આપણી આકાંક્ષાઓ મુજબનો દેશ સર્જવામાં આપણે આપણો ધર્મ બજાવવાનો છે, એ રાષ્ટ્રધર્મ પણ છે અને માનવધર્મ પણ છે.

લોકોમાં દેશદાઝ જગાડવા વિના છુટકો નથી. દેશ જ સર્વોપરી છે અને દેશની ચઢીયાતું કશું જ નથી એવા મંત્ર સાથે દેશની તમામ પ્રજા દેશાભિમાનના કસુંબલ રંગે રંગાઇ જાય અને શકિતવાન રાજયોની તમામ શકિત કેન્દ્રીય શાસનમાં એકત્રિત થાય તથા સ્થિત થાય તો દેશની સામેના પડકારો આપો આપ હટી જશે, શત્રુઓને હટાવી શકાશે અને સામુહિક સુખની છોળો આપો આપ ઉડતી થઇ જશે.

આપણો દેશ જો સ્વાર્થી લોકોનો, સ્વચ્છંદી લોકોનો, ભ્રષ્ટાચારી લોકોનો અને ચરક ઋષિએ ચીંધેલા આદર્શોથી વિચલીત થયેલા લોકોનો દેશ ન હોય અને રાજગાદી માટે મતલક્ષી રાજકારણ ખેલતા તથા લડતા ઝગડતા લોકોનો દેશ ન હોય, અને વતન પરસ્ત હિન્દુસ્તાનીઓનો જ દેશ હોય તો એ મહાન દેશ છે. આ દેશની અગાધ શકિતનો અને આ દેશની મહાનતા ના આ દેશની પ્રજાને ખ્યાલ રહ્યો નથી. શ્રીકૃષ્ણે અર્જુનને તેના લુપ્ત થયેલા જ્ઞાનને સજીવન કર્યુ હતું. અત્યારે ફરી એ સ્થિતિ સર્જા છે. સવાલ એક જ છે કે કૃષ્ણ કયાં છે, ને અર્જુન કયાં છે ?

ચૂંટણી વિષે ધુંધવાતા વાતાવરણમાં એવો સવાલ ઊઠે છે કે, શું ઇવીએમ સાથે વીવીપેટ વધારે જોડીને મતદારોમાં, ખાસ કરીને વિપક્ષોમાં વિશ્ર્વસનીયતા સ્થાયી શકાશે ? અને જો મતદાન મશીનમાં વિશ્વસનીયતા પ્રસ્થાપિત નહિ કરી શકાય તો શું થશે એવો સવાલ જાગે છે… એવું પણ જાણી શકાયું છે કે, વીવીપેટના મતોની ગણતરીની માગણી પર તા.૧લી એપ્રિલે સુપ્રીમ કોર્ટ ચૂકાદો આપનાર છે… આ ચૂકાદો કેવો નીવડશે એ તો હવે પછીના દિવસો કહેશે! કહે છે કે આવા વાતારવણમાં કૃષ્ણ અને અર્જુન નો ખપ પડે જ ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.