- ચૂંટણી પરિણામ બાદ ભાજપ મોટા પાયે ફેરફાર કરવાની વેંતરણમાં
- ભાજપના ધારાસભ્યોમાં પણ પોતાના મત વિસ્તારમાં લીડને લઇને ચિંતા
લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપ દ્વારા સરકાર અને સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. ગુજરાતની સુરત સિવાયની અન્ય 25 બેઠકો પર ભાજપ સતત ત્રીજી વખત જીતી રહેવાના સંકેત સટ્ટ બજાર દ્વારા આપવામાં આવી રહ્યા છે. પરંતુ ગાંધીનગર અને નવસારી બેઠક સિવાય ભાજપને એકપણ બેઠક સિવાય ભાજપને એકપણ બેઠક પર પાંચ લાખથી વધુ લીડ મળે તેવી સંભાવના હાલ નહિંવત દેખાય રહી છે. હાલ મંત્રી મંડળમાં સ્થાન ધરાવતા મંત્રીઓના મત વિસ્તારમાંથી જો ઓછી લીડ નિકળશે તો મંત્રીઓને ઘરે બેસાડી દેવામાં આવશે. હાલ સરકારમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે. જે ઘટશે સંગઠનમાં સૌરાષ્ટ્રનું વજન વધશે.
વર્ષ-2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી રેકોર્ડબ્રેક 156 બેઠકો પર જીત હાંસલ કરી ગુજરાતની ગાદી પર સતત સાતમી વખત સત્તારૂઢ થયું હતું. રેકોર્ડબ્રેક જીત બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો સતત ત્રીજી વખત જીતવા સાથે પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે ફતેહ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ઉમેદવારોના નામ જાહેર કરાયા ત્યાં સુધી ભાજપ માટે ખૂબ જ સારો અને એક તરફી માહોલ હતો. પરંતુ ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વિવાદનું વાવેતર થયું હતું. અમૂક બેઠકો પર આયાતી ઉમેદવાર, અમુક બેઠકો નિષ્ક્રીયોને ટિકિટ આપવામાં આવતા કાર્યકરોમાં ભારોભાર નારાજગી વ્યાપી જવા પામી હતી. વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ભાજપે ઉમેદવારો બદલવાની પણ ફરજ પડી હતી. રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારોભાર નારાજગી વ્યાપી જવા પામી હતી. રૂપાલાની ટિકિટ રદ્ કરવાની માંગણી ભાજપ દ્વારા ન સ્વીકારાતા ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યભરમાં ભાજપ વિરૂધ્ધ મતદાન કરવામાં આવ્યું હતું.
ભાજપ માટે હવે લીડ નહી પરંતુ જીત મહત્વની થઇ જવા પામી છે. હાલ એક અનુમાન મુજબ ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નવસારી બેઠક પરથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ જ માત્ર પાંચ લાખ કે તેથી વધુ લીડથી જીતી રહ્યા છે. બાકીની 23 બેઠકો પર ભાજપના ઉમેદવારોની લીડ 2019ની ચૂંટણી કરતા ઘટશે તેવું મનાય રહ્યુ છે. હાલ મંત્રી મંડળમાં સ્થાન ધરાવતા 16 ધારાસભ્યોના મત વિસ્તારોમાં તેઓને વિધાનસભાની ચૂંટણીમાં મળેલી લીડ કરતા લોકસભાની બેઠકમાં ભાજપને ઓછી લીડ મળશે તો આવા મંત્રીઓને ઘરે બેસાડી દેવામાં આવશે. બીજી તરફ સી.આર.પાટીલે પણ ચૂંટણી પહેલા ધારાસભ્યો સાથેની બેઠકમાં તમામ ધારાસભ્યોને એવી સ્પષ્ટ ચેતવણી આપી દીધી હતી કે જો તમારા મત વિસ્તારમાંથી ઓછી લીડ નિકળશે તો ફરી વિધાનસભાની ટિકિટ મળશે. તેવી આશા છોડી દેજો.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની મુદ્ત ગત વર્ષ જ પૂર્ણ થઇ ગઇ છે. દરમિયાન મંત્રી મંડળ પણ હાલ માત્ર 17 સભ્યોનું છે. આવામાં મંત્રી મંડળના વિસ્તરણની વાત ચાલી રહી છે. સરકાર અને સંગઠનમાં ચૂંટણી પરિણામ બાદ ભાજપ દ્વારા ધરમુળથી ફેરફાર કરવામાં આવશે તે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. જે મંત્રીઓના મત વિસ્તારમાંથી ઓછી લીડ નિકળશે તેઓને ઘરભેગા કરી દેવામાં આવશે. જ્યારે જે ધારાસભ્યના મત વિસ્તારમાંથી વધુ લીડ નિકળશે તેઓને મંત્રી મંડળમાં લેવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. હાલ મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના ચાર ધારાસભ્યો રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા, કુંવરજીભાઇ બાવળીયા અને મુળુભાઇ બેરા કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. જ્યારે પરષોત્તમભાઇ સોલંકી રાજ્યકક્ષાના મંત્રી તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. જેની સામે સંગઠનમાં સૌરાષ્ટ્રને જોઇએ તેટલું પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. મંત્રી મંડળના વિસ્તરણમાં સૌરાષ્ટ્રનું કદ ઘટશે. જ્યારે સંગઠનમાં સૌરાષ્ટ્રનું વજન વધે તેવું હાલ દેખાય રહ્યું છે.