- કાનસિંગ બારીયાએ ખેતીમાં રાસાયણિક ખાતર અને દવા છોડીને પ્રાકૃતિક ખેતીનો અપનાવ્યો માર્ગ
- વાર્ષિક એક લાખથી વધુની કમાણી કરતા દાહોદના સંજેલી તાલુકાના પ્રગતિશીલ ખેડૂત કાનસિંગ બારીયા (સાફલ્ય ગાથા- પ્રાકૃતિક ખેતી)
જમીન: રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઇ જવા માટે કટીબદ્ધ છે, રાજ્યમાં આત્મા પ્રોજેક્ટ, બાગાયતી તેમજ ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને તાલીમ આપવામા આવે છે. દાહોદના સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામના કાનસિંગ બારીયા છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં તેઓ મકાઈ, ઘઉં, ચણા, ડાંગર સહિતના અન્ય ધન્ય પાકો લે છે. એ સાથે શાકભાજી અને ફળફળાદીના છોડની વાવણી પણ કરેલ છે. હાલ તેઓના ખેતરમાં શાકભાજીમાં રીંગણ, બટાકા, મરચા, ડુંગળી, લસણ, ધાણા, ગાજર, મૂળા, બીટ, અળવીના પાન અને તેની બાજુમાં ફરતે શેઢા પર આંબા અને લીંબુના ઝાડ ઉછેરેલ છે. જેમાં તેઓ જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરે છે. તેઓ જાતે જ પોતાના ઘરે જીવામૃત અને ધન જીવામૃત બનાવીને છંટકાવ કરે છે સાથે તેઓ મિશ્ર ખેતી પણ કરે છે.
કાનસિંગ બારીયા જણાવે છે કે, તેઓ પ્રથમ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ આત્મા દ્વારા તેમને વડતાલમાં સુભાષ પાલેકર કૃષિ કેન્દ્ર પર દશ દિવસની પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ થોડા થોડા સમયયાંતરે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨ દિવસની તાલીમ આપવામાં આવે છે. તાલીમ લીધા બાદથી તેઓએ આજથી લગભગ ૬ વરસથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.
એ સાથે દાહોદ જિલ્લામાં પ્રાકૃતિકના આત્મા પ્રોજેક્ટમાં તેઓ જિલ્લા સંયોજક તરીકે કામ કરે છે, તેઓ દરેક ગામડે-ગામડે ઋતુ મુજબ એક પંચાયતમાં ચાર મિટિંગનું આયોજન કરીને દરેક ખેડૂતને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી તેનું ખેડૂતોને માર્ગદર્શન આપે છે. તેમના હાથ નીચે દરેક તાલુકામાં બે સભ્યો કામ કરે છે. સાથે સખી મંડળની બહેનોને તેઓ પ્રાકૃતિક ખેતીની રૂબરૂ જઈને તાલીમ આપે છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર – પ્રસારમાં તેમનું ઉમદા યોગદાન તેમજ પ્રાકૃતિક ક્ષેત્રે તેમણે મેળવેલી સિધ્ધીઓને ધ્યાને લઇને આત્મા પ્રોજેક્ટ, KVK માંથી સન્માનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.
સરકારમાંથી તેમને સહાયરૂપે આત્મા મોડલ ફાર્મમાંથી રૂ. 13,500 અને કૃષિ સખી મંડળમાંથી રૂ. 60,000 રૂપિયાની સહાય મળેલ છે. જેના કારણે તેમના પરિવારનું જીવન ધોરણ સુધર્યું છે. હાલ તેઓ વાર્ષિક એક લાખથી વધુની કમાણી કરે છે. શાકભાજીનું ઘરે બેઠા વેચાણ થાય છે. જેમાં તેઓને સારો ભાવ મળે છે. કાનસિંગ બારીયાએ પ્રાકૃતિક ખેડૂત તરીકે તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને દરેક જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તેવી સલાહ સુચન આપવાની સાથે વિનંતી કરી છે.