જીડીપી વૃદ્ધિદર ગ્રાહક માંગને વધારવામાં મદદ કરશે તથા સોના અને આભૂષણોના વેચાણને હકારાત્મક વેગ આપશે
નાણાપ્રધાને ગ્રામીણ અર્થતંત્રને પુન:જીવંત કરવા માટે બજેટમાં કેટલાંક પગલાં જાહેર કર્યાં છે જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. તેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં સોનાના વેચાણમાં પણ વધારો થશે, તેવી ગોલ્ડ ટ્રેડર્સ તથા જ્વેલર્સને અપેક્ષા છે.
તેમણે સોનાને એક એસેટ ક્લાસ તરીકે વિકસાવવા સરકાર દ્વારા સમાવેશક ગોલ્ડ પોલિસી લાવવાના પગલાને પણ આવકાર્યું હતું અને કહ્યું હતું કે તે ભારતને એક ‘ગો ફોર ગોલ્ડ’ ડેસ્ટિનેશન બનાવશે.
દેશના સૌથી મોટા બુલિયન અને જ્વેલરી માર્કેટ્સ પૈકી એક મુંબઈના ઝવેરી બઝાર ખાતેનો મૂડ પણ બજેટ પછી આશાવાદી હતો. ડીલર્સ તથા ઝવેરીઓએ રાહતનો શ્વાસ લીધો હતો કારણ કે નાણાપ્રધાને સોના પરના ત્રણ ટકાના જીએસટીને બદલ્યો ન હતો જેની વ્યાપક અપેક્ષા રાખવામાં આવતી હતી.
બજેટ પછી સોના પરનું પ્રીમિયમ અદૃશ્ય થયું હતું તથા તેમાં ટ્રોય ઔંસ દીઠ બે ડોલરનું ડિસ્કાઉન્ટ ચાલતું હતું. રિદ્ધિ-સિદ્ધિ બુલિયન્સના ડિરેક્ટર મુકેશ કોઠારીએ જણાવ્યું હતું કે, બજારમાં જે બેચેની પ્રવર્તતી હતી તે દૂર થઈ છે. ગુરુવારે હાજર માર્કેટમાં સોનું ૧૦ ગ્રામ દીઠ ₹૩૧,૧૩૬ની કિંમત પર ઉપલબ્ધ થતું હતું.
કલ્યાણ જ્વેલર્સના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર ટી એસ કલ્યાનારામને જણાવ્યું હતું કે, ૨૦૧૮ના બીજા છમાસિક ગાળા માટે ૭.૨ ટકાથી ૭.૫ ટકાનો જીડીપી વૃદ્ધિદર અંદાજવામાં આવ્યો છે તે ગ્રાહક માંગને વધારવામાં મદદ કરશે તથા સોના અને આભૂષણોના વેચાણને હકારાત્મક વેગ આપશે. વધુમાં ગ્રામીણ અર્થતંત્ર પર હકારાત્મક ધ્યાન આપવામાં આવ્યું છે તેના કારણે ખેડૂતોને વધારે ખર્ચપાત્ર આવક સાથે ફાયદો થવાની અપેક્ષા છે, જે ઉદ્યોગ માટે સારી બાબત ગણી શકાય. તેમણે ઉમેર્યું હતું કે, બજેટમાં સોના પરની આયાત જકાતનો જે પ્રશ્ન છે તેને હલ કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે ભારતમાં દર વર્ષે આશરે ૮૫૦ ટન સોનાનો વપરાશ થાય છે, જેમાંથી ગ્રામીણ ભારત આશરે ૬૦ ટકા સોનાનો વપરાશ કરે છે, કેમ કે ગ્રામીણ વિસ્તારોમાં સોનાને એક મહત્ત્વની અસ્કામત તરીકે ગણવામાં આવે છે.
કોટક મહિન્દ્રા બેન્ક ખાતે ગ્લોબલ ટ્રાન્ઝેક્શન તથા પ્રેસિયસ મેટલ્સના બિઝનેસ હેડ શેખર ભંડારીએ સોનાને એક એસેટ ક્લાસ તરીકે વિકસાવવાના ઉદ્દેશ સાથે એક સમાવેશક ગોલ્ડ પોલિસી ઘડવાની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારત સોનાનું એક અગ્રણી વપરાશકાર છે. ગોલ્ડ પોલિસી ભારતને એક ગો ફોર ગોલ્ડ સ્થાન બનાવવા તથા આ વેપારને વધારે સંગઠિત માળખું આપવા માટે મદદ કરશે.
ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમની નવરચના કરવાનાં સરકારનાં પગલાં અંગે ટિપ્પણી કરતાં ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં સરકારે જ્વેલર્સનો પણ સમાવેશ કરવો જોઈએ.