શહેરમાં દોડે છે ૩૯૭ ટીપરવાન: દરેકને અપાયા છે ૨૫ પોઈન્ટ: જીપીએસમાં અનેક ખામીઓ
શહેરના ૧૮ વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે હાલ ૩૯૭ ટીપરવાન દોડાવવામાં આવી રહી છે. દરેક ટીપરવાનને વધુમાં વધુ ૨૫ પોઈન્ટ આપવામાં આવ્યા છે. સમયસર અને નિયમિત ટીપરવાન આવતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે જેને જડ મુળથી નાબુદ કરવા માટે દરેક ટીપરવાનમાં જીપીએસ સિસ્ટમ મુકવામાં આવી છે જો ટીપરવાનમાં જીપીએસ બંધ હશે કે કોઈ પોઈન્ટ ચુકાશે તો એજન્સીને રૂ.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવશે.
તમામ ૩૯૭ ટીપરવાનમાં જીપીએસ સિસ્ટમ જોડી દેવામાં આવી છે જો ટીપરવાનમાં જીપીએસ બંધ હશે તો ઓટોમેટીક તેની જાણ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને થઈ જશે અને એજન્સીને આપોઆપ રૂ.૧૦ હજારની પેનલ્ટી લાગી જશે. આટલું જ નહીં ટીપરવાનને જે ૨૫ પોઈન્ટ ફાળવવામાં આવ્યા છે તે પૈકીનો એક પણ પોઈન્ટ જો ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં ચુકાશે તો પણ ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવશે.
આ તમામ કામગીરી ઓનલાઈન થઈ જશે અને આપોઆપ એજન્સીના બિલમાંથી દંડની રકમ કપાઈ જશે જોકે જીપીએસ સિસ્ટમમાં પણ ઘણી ખામીઓ હોવાનું બહાર આવ્યું છે. ટીપરવાનને સોંપવામાં આવેલા પોઈન્ટ પૈકી એકાદી ગલીમાંથી આ ટીપરવાન પસાર થઈ જાય તો પણ તેની નોંધ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં થઈ જાય છે. વાસ્તવમાં આ પોઈન્ટ પર ટીપરવાન ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ગઈ હોતી નથી. જેના કારણે કોલ સેન્ટરમાં ટીપરવાન આવતી ન હોવાની પણ સંખ્યાબંધ ફરિયાદો ઉઠી રહી છે.