આયુર્વેદિક, હોમિયોપેથીના મેનેજમેન્ટ ક્વોટામાં સરકાર દ્વારા બેઠકો ભરવાનો મામલો

આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝીયોથેરાપી અને નર્સિંગની મેડિકલ અને પેરામેડિકલમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો ખુદ સરકાર દ્વારા ભરવાની રાજ્ય સરકારની નીતિને પડકારતી રિટ પિટિશનની સુનાવણી થઇ હતી. જેમાં અરજદારે રાજ્ય સરકારના નિર્ણયને કાયદાની વિપરીત બતાવ્યો હતો અને તે નિર્ણય અયોગ્ય હોવાથી તેને રદબાતલ કરવાની માગ કરી હતી. ગુજરાત પ્રોફેશનલ્સ મેડિકલ એજ્યુકેશનલ કોલેજીસ-ઇન્સ્ટિટ્યુશન્સ એક્ટ મુજબ રાજ્ય સરકાર ૭૫ ટકા બેઠકો પર પ્રવેશ આપી શકે અને બાકીની ૨૫ ટકા બેઠકો પર કોલેજ સંચાલકોને પ્રવેશ આપવાની સત્તા છે.

રાજ્ય સરકારે મેડિકલ અને પેરામેડિકલ કોર્સમાં શરૂ કરેલા પીન વિતરણમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો પણ સરકારી રાહે ભરવાનો ઠરાવ કર્યો છે. મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો સામાન્ય રીતે અલગથી ભરવામાં આવતી હોય છે. તે સંજોગોમાં સરકારે ચાલુ વર્ષે આ ક્વોટા પણ સરકારી રાહે જ ભરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવી છે. તે અયોગ્ય હોવાની મેડિકલ- પેરામેડિકલ કોલેજના સંચાલકોએ કરેલી પિટિશનમાં રજૂઆત કરી છે. તે સંજોગોમાં સરકારના નવા નિયમને રદ્ કરવામાં આવે અને મેનજમેન્ટ ક્વોટાની બેઠકો તેમની રીતે ભરવા દેવામાં આવે તેવી દાદ માગી છે.

આ કેસમાં અગાઉ રાજ્ય સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ પ્રકાશભાઇ જાનીએ એવી રજૂઆત કરી હતી કે,કોલેજ સંચાલકો દ્વારા કેટલીક ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાની ફરિયાદો સરકારને મળી હતી. બીજી તરફ મેનેજમેન્ટ કમિટિ દ્વારા ગેરરીતિ આચરીને ઓછા માર્કસ ધરાવનાર વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવતો હતો. નિશ્ચિત રકમ કરતા વધારે ફી લઇને કે પછી ડોનેશન મેળવીને આ પ્રવેશ આપવામાં આવતો હતો. તેના કારણે વધુ માર્કસ લાવનાર વિદ્યાર્થીઓને અન્યાય થયો હતો. તેમજ ઓછા માર્કસ લાવનાર વિદ્યાર્થીને પ્રવેશ આપી તેમની પાસેથી મોટી ફી વસુલવામાં આવતી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.