નાગરિકોને ઓછામાં ઓછી તકલીફે ન્યાય મળે તેની ખાતરી આપતા કાયદા અને મહેસુલ મંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને રાજકોટમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને ગરીબ પરિવારોને વિવિધ લાભોનું વિતરણ કરાયું
100 ટકા કોરોના રસીકરણ વાળા ગામોના સરપંચોનુ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન
ફાઈલો લાંબા સમયથી ભ્રષ્ટાચારના ઇરાદે પેન્ડિંગ પડી હશે તો અધિકારીની ખેર નથી તેવું મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે લોકોને ઓછામાં ઓછી તકલીફે ન્યાય મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. મહેસુલી કાયદો સરળ બને અને ઝડપી કામગીરી થાય તેની સંપૂર્ણ તકેદારી રખાશે. વધુમાં તેઓએ એડવોકેટ વિશે કહ્યું કે તેઓ લોકશાહીને મજબૂત કરવા લડે છે. એ સમાજનું ઘરેણું છે. તેમના પ્રશ્નો, અદાલતોના પ્રશ્નો તેમજ ફરિયાદીઓના પ્રશ્નોનો નિવેડો લાવવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને રાજકોટમાં મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને ગરીબ હિતલક્ષી કાર્યક્રમો- સેવા યજ્ઞ યોજાયો હતો.પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના ગરીબ પરિવારોને ઉજવાલા યોજનાના લાભોનુ વિતરણ, ગેસ કીટ એનાયત ઉપરાંત કોરોના વેક્સિનેશન માં સો ટકા સફળ કામગીરી કરનારા ગામોના સરપંચો નું સન્માન અને મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના લાભાર્થીઓને સહાય મંજુરી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગરીબોની બેલી સરકાર તરીકે ગરીબોના હિત ના અનેક નિર્ણયો લઇ કામો કરવામાં આવ્યા છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીને 71માં જન્મદિનની શુભકામના પાઠવી મંત્રીએ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આઠ કરોડ પરિવારોને ગેસ કનેક્શન મળ્યા છે અને ધુમાડાથી મુક્ત કરી પણ ચિંતા કરવામાં આવી છે તેમ જણાવીને ગુજરાતને કેરોસીન મુક્ત કરવાની દિશામાં રાજ્ય સરકારે અભિયાન હાથ ધર્યું છે તેમ જણાવ્યું હતું.
મંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં વિકાસના અનેક કાર્યો થયા છે અને આ વિકાસયાત્રા જનસેવાના કાર્યો થકી આગળ વધી રહી છે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શનમાં આજે વડાપ્રધાનના જન્મદિને 400થી વધુ સ્થળોએ ગરીબ કલ્યાણકારી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેનો ઉલ્લેખ કરીને મંત્રીએ રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન મહા અભિયાન ,ભારે વરસાદમાં પુન: વીજ સ્થાપન, ઉજ્વલા યોજના ની અને સ્વચ્છ ભારત અભિયાન ની કામગીરી ની વિગતો આપી હતી. મંત્રીએ રાજકોટના અનન્ય યોગદાનનો ઉલ્લેખ કરીને તાજેતરના વરસાદથી રાજકોટના ડેમ છલકાઈ ગયા છે તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીઓની નવી ટીમ ને શુભકામના પાઠવી નવી ઊર્જા સાથે ગુજરાતની વિકાસયાત્રા આગળ વધશે તેમ જણાવ્યું હતું .વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 71મા જન્મદિવસે શુભેચ્છા પાઠવી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા ગરીબ લોકોના કલ્યાણના અભિયાન ની વિગતો આપી હતી.
આ તકે મંત્રીના હસ્તે રાજકોટની પદ્મ કુવરબા હોસ્પિટલના પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રીના રાજ્ય કક્ષાના કાર્યક્રમ નું લાઇવ પ્રસારણ લાભાર્થીઓ અને અગ્રણીઓએ નિહાળ્યું હતું. ઉજ્વલા યોજનાની સાફલ્ય ગાથા રજુ કરતી ફિલ્મનું નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર પ્રદિપભાઈ ડવ,સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઈ મીરાણી રાજુભાઇ ધ્રુવ નીતિનભાઈ ભારદ્વાજ મનીષભાઈ, ઝવેરીભાઇ ઉપરાંત કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર વરૂણ બરનવાલ, ડીડિઓ દેવ ચૌધરી સહિતના અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.