વહુએ વગોવ્યા મોટા ખોરડા હો જી રે…
પતિ/પત્નીના પરિવારજનો દ્વારા બોલાતા શબ્દો મામલે કોર્ટના દરવાજા ખખડાવવા યોગ્ય નથી: મુંબઈ કોર્ટ
દાદા હો દીકરી, વાગડના દેજો સહી, વાગડની સાસ છે વઢીયારી… લોકગીતમાં સમાજની રૂઢીઓને દર્શાવવામાં આવી છે. અગાઉ પરિવારના વડિલો સંતાનોના સગપણનો નિર્ણય કરતા હતા ત્યારે દિકરી તેના માતા-પિતા નહીં પરંતુ દાદા પાસે આજીજી કરતા કહે છે કે, મારું સગપણ વાગડમાં નહીં કરતા, વાગડની સાસ વઢીયારી હોય છે. લોકગીતોના કોઈ ચોકકસ લેખક હોતા નથી. ચાર ચોકમાં લોકગીતોની રચના થતી હોય છે. અગાઉના સમયમાં લોકોમાં સહન શકિત પણ વધુ હતી જેથી હાલના સમયમાં બનતી ઘટનાઓનું પ્રમાણ ત્યારે ખુબ ઓછું હતું. હાલ ઘરેલું હિંસાથી માંડી વૈવાહિક જીવનથી કંટાળી અનેક વ્યકિતઓ આપઘાત સુધીના પગલા લઈ લેતા હોય છે ત્યારે તેમનામાં સહનશકિતનો અભાવ ચોકકસ જોવા મળે છે. આ અંગે મુંબઈની કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે નોંઘ્યું છે કે, મેણા-ટોણા લગ્ન જીવનનો ભાગ છે જેથી દરેક વ્યકિતએ મેણા-ટોણા સહન કરવા જ પડે.
હાલ દિન-પ્રતિદિન વૈવાહિક જીવનને સ્પર્શતા ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે. વૈવાહિક જીવનમાં એકબીજાની વચ્ચે રહેલા મતભેદથી માંડી પરિવાર સભ્યો દ્વારા મેણા મરાતા લોકો સહનશકિતના અભાવે કોર્ટ સુધી પહોંચતા હોય છે. આવા જ એક મામલામાં મુંબઈની કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપતા કહ્યું હતું કે, પતિ/પત્નિના પરિવારજનો દ્વારા મારવામાં આવતા મેણા લગ્નજીવનનો એક ભાગ છે જેનો સામનો દરેક પરીવાર કરતું હોય છે. મામલામાં વહુએ તેના ૮૦ વર્ષીય સસરા અને ૭૫ વર્ષીય સાસુ વિરુઘ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. વહુએ અરજીમાં જણાવ્યું હતું કે, અવાર-નવાર સાસુ-સસરા દ્વારા મને માનસિક ત્રાસ આપતા મેણા-ટોણા મારવામાં આવે છે.
કોર્ટે અરજીનો અભ્યાસ કરતા કહ્યું હતું કે, આ બાબતે ગુનો ગણી શકાય નહીં. અરજીમાં રજુ કરાયેલી વિગત મુજબ ઈન્ટરનેશનલ ક્ધસોેર્ટીયમ ઓફ ઈન્વેસ્ટીગેટીવ જર્નાલીસ્ટ હેઠળ આ પ્રકારની તપાસો માટે કોઈ ચોકકસ નિયમો બનાવવામાં આવ્યા નથી. અરજી મુજબ અરજદાર પર કોઈપણ ગુનો બન્યો હોય તેવું લાગતું નથી જેથી આરોપીઓને દોષિત ઠેરવી શકાય નહીં. કોર્ટે નોંઘ્યું હતું કે, આ પ્રકારની અરજીઓમાં કાનુની દાવપેચ ઘુસાવવાનો કોઈ મતલબ નથી. સમાજના દરેક પરિવારમાં મેણા-ટોણાનો સિલસિલો જારી રહેતો હોય છે જેનો મતલબ એવો નથી કે આવા મામલામાં કોર્ટના દરવાજા ખખડાવવામાં આવે. જો કોઈ હિંસાત્મક અથવા માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તો પીડિત ચોકકસ કોર્ટ પાસે ન્યાયની માંગણી કરી શકે છે પરંતુ આ પ્રકારના મામલામાં કોર્ટે કંઈ પણ કરવાનું રહેતું નથી.
હાલના સભ્ય સમાજમાં દિન-પ્રતિદિન ઘરેલું હિંસાના કેસો પણ વધી રહ્યા છે ત્યારે વાંક ફકત એક વ્યકિતનો હોય તેવું પણ કહી શકાય નહીં. આ પ્રકારની બાબતમાં પરિવારે સાથે બેસી સહનશકિત કેળવી સમજુતી કરવી જરૂરી છે. દરેક પરિવારમાં નાના-મોટા બનાવો બનતા જ હોય છે જેથી પરિવારે જ સાથે મળીને સમજુતી કરી લેવી જોઈએ. જો હિંસાત્મક ત્રાસ આપવામાં આવતો હોય તો પીડિતે ચોકકસ ન્યાયની માંગણી સાથે પોલીસ અને કોર્ટના દરવાજા ખખડાવવા જોઈએ પરંતુ નાની-નાની બાબતોમાં કોર્ટના દરવાજા સુધી પહોંચવું પણ યોગ્ય નથી.