30 જેટલા ખેડૂત આગેવાનોને સાથે રાખી અમરીંદર સિંઘ ફરી શહેનશાહને આજે મળશે
અબતક, નવી દિલ્હી : 30 જેટલા ખેડૂત આગેવાનોને સાથે રાખીને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરીંદર સિંઘ ફરી અમિત શાહને આજે મળવાના છે. આ ઘટના દર્શાવે છે કે કેપ્ટને ખેડૂત આંદોલનને સમેટવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. હવે ખેડૂત આંદોલન સમેટાય જાય તો કેપ્ટન અને ભાજપનું ટાય અપ પંજાબના રાજકારણમાં રંગ લાવી દેશે તે નક્કી છે.
પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંઘે કહ્યું છે કે તેઓ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના વર્તમાન આંદોલનના સંભવિત ઉકેલ અંગે ચર્ચા કરવા આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહને મળશે. અમરિંદર સિંહે કહ્યું કે તેઓ કેટલાક કૃષિ નિષ્ણાતો સાથે અમિત શાહને મળશે. તેમણે બુધવારે ચંદીગઢમાં મીડિયાને કહ્યું, “આવતીકાલે હું ગૃહમંત્રી શાહને મળવાનો છું અને મારી સાથે 25-30 લોકો આવશે.”
નવી પાર્ટીની જાહેરાત વચ્ચે કેપ્ટન અમરિંદર સિંઘ અને અમિતભાઈ શાહ વચ્ચે યોજાશે મહત્વની બેઠક યોજાશે. જો નામ અને ચિહ્ન મંજૂર થશે તો કેપ્ટન અમરિંદર સિંઘ પાર્ટીની જાહેરાત કરશે.
ત્રણ કૃષિ કાયદાઓ અને ખેડૂત આંદોલન અંગે પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘે કહ્યું, “મને લાગે છે કે હું ઉકેલ શોધવામાં મદદ કરી શકું છું કારણ કે હું પંજાબનો મુખ્યપ્રધાન રહી ચુક્યો છું અને એક ખેડૂત પણ છું.” કેપ્ટન અમરિન્દરે કહ્યું કે જો કે ખેડૂતોના આંદોલનને ઉકેલવા માટે પૂર્વનિર્ધારિત ફોર્મ્યુલા ન હોઈ શકે, પરંતુ વાતચીતમાંથી કંઈક બહાર આવશે કારણ કે બંને પક્ષો, કેન્દ્ર સરકાર અને ખેડૂતો, કૃષિ કાયદાને કારણે ઉદ્ભવેલા સંકટનો ઉકેલ ઇચ્છે છે. કેપ્ટન અમરિંદર સિંહે સ્પષ્ટતા કરી કે તેમણે આ મુદ્દે કોઈ ખેડૂત નેતા સાથે બેઠક કરી નથી.
અમરિંદર સિંઘે કહ્યું કે મેં આ મામલામાં જાણી જોઈને દખલ નથી કરી કારણ કે ખેડૂતો નથી ઈચ્છતા કે રાજનેતાઓ આમાં સામેલ થાય. તેમણે કહ્યું કે કેન્દ્ર સાથે ખેડૂત નેતાઓની ચાર બેઠકો અનિર્ણિત રહી છે પરંતુ અનૌપચારિક વાતચીત ચાલી રહી છે. અમરિંદર સિંઘે કહ્યું છે કે ભાજપ સાથે જે પણ સંભવિત બેઠક-વહેંચણી કરાર થશે તે ખેડૂતોના હિતમાં તેમના પ્રશ્નોના ઉકેલ પર આધારિત હશે. અમરિંદર સિંઘ અગાઉ ગયા મહિને અમિત શાહને મળ્યા હતા. તે સમયે અમરિંદર સિંઘે કહ્યું હતું કે મેં ગૃહપ્રધાનને કૃષિ કાયદાઓ પાછા ખેંચીને, એમએસપી આપીને અને પાક વૈવિધ્યકરણને ટેકો આપીને તાત્કાલિક સંકટને દૂર કરવા વિનંતી કરી હતી.
કેપ્ટન અને સિદ્ધુ વચ્ચે જામ્યું શાબ્દીક યુદ્ધ
અગાઉ નવો પક્ષ બનાવ્યો ત્યારે ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી : સિદ્ધુ
સિદ્ધુએ અમરિંદર સિંઘની મજાક ઉડાવતા કહ્યું કે અગાઉ તેમણે પોતાનો નવો પક્ષ બનાવેલો. ત્યારે તેમની ડિપોઝીટ જપ્ત થઈ ગયેલી. તેમને ફક્ત 856 મત મળેલા. પંજાબના લોકો તેમના હિતો સાથે બાંધછોડ કરનારા કેપ્ટનને ફરી વખત સજા આપવા માટે તૈયાર થઈ બેઠા છે. વધુમાં તેઓએ અમરીંદર સિંઘને નકારાત્મક શક્તિ ફેલાવતા હોવાનુ જણાવી તેઓ પંજાબના રાજકારણમાં નડતરરૂપ હોવાનું કહ્યું હતું.
સિદ્ધુને કઈ ખબર જ નથી, માત્ર બકવાસ કરવાની ટેવ : કેપ્ટન
કેપ્ટને પણ સિદ્ધુ પર વળતા પ્રહાર કર્યાં. અમરિંદરે કહ્યું કે આ વ્યક્તિને કંઈ જ ખબર નથી. તે ફક્ત મોઢાથી બકવાસ કરતો રહે છે. હું રાજ્યના મુદ્દા અંગે તમામ કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકત કરતો રહ્યો છું. સિદ્ધુએ પંજાબના વિકાસ અને ન્યાયને અટકાવ્યો છે. હું પંજાબના લોકોનો અવાજ ઉઠાવતો હતો. તે સિદ્ધુ સહિતના કોંગી નેતાઓને ગમતું ન હતું.