ઠેકેદારો ઉપર ૧૮% જીએસટી લાદવાના નિર્ણયથી ૪૦ હજાર કરોડના કામો અટકવાની દહેશત
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ(GST)ના વિરોધમાં હવે સરકારી બાંધકામ કરતા કોન્ટ્રક્ટરોનું ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન પણ જોડાયું છે. વર્કસ કોન્ટ્રાક્ટ ઉપરના ૧૮ ટકાનો GST અસહ્ય હોઇ જો સરકાર દ્વારા આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવામાં આવશે નહિ તો રાજયભરના કોન્ટ્રાક્ટરો તમામ કામ બંધ કરી દેશે અને ઓગસ્ટ મહિનાથી સરકારી ટેન્ડરો પણ નહિ ભરવાનો નિર્ધાર કર્યો હતો. એસો.ના ૧૫૦૦થી વધુ સભ્યોની અમદાવાદ ખાતે મિટિંગ મળી હતી. જેમા થયેલા નિર્ધાર મુજબ જો સરકારી કોન્ટ્રાક્ટરો સરકારી કામગીરી બંધ કરી દે તો શૌચાલયો, રોડ, બિલ્ડિંગ અને પોલીસ હાઉસિંગ, ડેમ, બ્રિજ સહિતના રૂપિયા ૪૦ હજાર કરોડના સરકારી બાંધકામ અટકી પડે તેવી સંભાવના છે. જોકે આ મુદ્દે એસો.ના અગ્રણીઓ પોતાની વાત GST કમિટી સુધી પહોંચાડવા માટે મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરશે.સરકારના આડેધડ GST લાદી દેવાના નિર્ણય સામે કાપડ ઉદ્યોગ, ફર્નિચર, પતંગના વેપારીઓ ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓ બાદ હવે સરકારી કોન્ટ્રાકટરોએ પણ વિરોધની શરૂઆત કરી દીધી છે. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોના ૧૫૦૦થી વધુ સભ્યોની આ મુદ્દે અમદાવાદ, સિંધુભવન રોડ ખાતેના હોલમાં મિટિંગ મળી હતી.
મિટિંગમાં જો ૧૮ ટકા લેખેGSTલાગુ થાય તો હાલ જે સરકારી કામો ચાલી રહ્યા છે. તેના બાંધકામના અંદાજમાં જ ૮થી ૧૨ ટકાનો નાણાં બોજ પડે તેવી શક્યતા હોવાની ચર્ચા થઇ હતી.
એસો.ના પ્રમુખ સહિત અગ્રણઓએ અગાઉ પણ સરકારી રોયલ્ટીના ભાવ વધારા સામે સરકાર સમક્ષ રજુઆતો કરી હતી. તેમ છતાં તેમાં કોઇ પગલાં લેવાયા નથી. તેમાંય હવે GSTના માર સહન થાય તેમ ન હોવાનું કોન્ટ્રાક્ટરો કહી રહ્યા છે. અમદાવાદ ખાતે મળેલી કોન્ટ્રક્ટરોની મેરેથોન મિટિંગમાં મહત્વના ત્રણ નિર્ણય લેવામાં આવ્યા હતા.
જેમાં GSTના અમલને કારણે કોન્ટ્રકટરોને સરકારી કામોમાં નાણાકીય બોજા સાથેનું સરકારે પેમેન્ટ કરે તથા રોયલ્ટી ઘટવા અંગેની રજૂઆત કરતું આવેદનપત્ર આપવું.
જો સરકાર દ્વારા સરકારી કોન્ટ્રાક્ટરો પર લદાયેલા GSTઅંગે ૧૫મી જૂલાઇ સુધીમાં કોઇ નિર્ણય લેવાય નહિ તો ૧૬મી જુલાઇથી રાજયભરમાં ચાલતા તમામ સરકારી બાંધકામ બંધ કરી દેવા અને ૧લી ઓગસ્ટથી એસો.ના સભ્ય કોન્ટ્રાક્ટર ગુજરાતમાં કોઇ પણ સરકારી કામ માટે ટેન્ડર ભરવું નહિ. હવે જોવાનું એ રહ્યું કે આ મુદ્દે કોન્ટ્રાક્ટરોની રજૂઆતો ધ્યાને લેવાય છે કે કેમ.