અગાઉ દિવાળી પૂર્વે જ પરીક્ષા લેવાનું આયોજન હતું: વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શન પણ નહી મળે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ નવરાત્રી બાદ થવાનો હતો પરંતુ હજુ યુનિવર્સિટીના ભવનોમાં કોર્સ પૂરો ન થયો હોવાથી આ પરીક્ષા હવે નવેમ્બરમાં એટલે કે દિવાળી પછી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં ચાલી રહેલા જુદા જુદા કોર્સની પરીક્ષાઓ આગામી તારીખ 18મી ઓક્ટોબરથી લેવાનાર હતી પરંતુ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ, અંગ્રેજી ડિપાર્ટમેન્ટ સહિતના કેટલાક ભવનોમાં હજુ પણ કોર્સ પૂરા નહીં થયા હોવાને કારણે 18ને બદલે હવે નવેમ્બરમાં પરીક્ષા પાછી ઠેલાઈ છે.
તાજેતરમાં જ મળેલી સંકલનની બેઠકમાં તમામ ભવનના અધ્યક્ષ હાજર રહ્યા હતા અને કોર્સ અને પરીક્ષા સબંધિત ચર્ચા પણ કરવામાં આવી હતી જેમાં કેટલાક ભવનોમાં હજુ કોર્સ પૂરા કરવાના બાકી હોવાનું સામે આવ્યું હતું. અને ઘણી ખરી કોલેજોમાં પણ આ જ સ્થિતિ હોવાથી દિવાળી પહેલા પરીક્ષા લેવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો હતો.
કોરોના મહામારીને કારણે યુનિવર્સિટીની અગાઉની તમામ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પેપરમાં જનરલ ઓપ્શનનો લાભ અપાયો હતો પરંતુ હવે જયારે ઓફલાઈન શિક્ષણ શરૂ થઇ ગયું છે ત્યારે આગામી તારીખ 18 ઓક્ટોબરથી શરૂ થતી પરીક્ષામાં જનરલ ઓપ્શનનો લાભ નહીં આપવા નિર્ણય લેવાયો છે. એટલે કે વિદ્યાર્થીને એક પ્રશ્નના અથવામાં એક જ પ્રશ્ન મળશે. અગાઉ જનરલ ઓપ્શનમાં 10માંથી 5 ઓપ્શન લખવાના હતા.