અલ્પેશ ઠાકોરે ૧૦મી એપ્રિલે ફેસબુક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપતો પત્ર મૂક્યો હતો. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરીને સમાજના નામે તમામ પદો પરથી કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. ગઈકાલે બનાસકાંઠાના દિયોદરમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પક્ષ વિરોધી કાર્ય કરતાં કોંગ્રેસ તેની સામે પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રદેશ નેતાગીરી હાઈકમાન્ડને સસ્પેન્ડ કરવા માગ કરશે. જો હાઈ કમાન્ડ પગલાં લેશે અને સસ્પેન્ડ કરશે તો અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ થશે. અલ્પેશે દિયોદરની સભામાં કોંગ્રેસ પર આરોપ લગાવ્યા
કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો એટલે હવે તેમને તાકાત બતાવી દેવાનો સમય આવી ગયો છે. સંઘર્ષના સમયે જોડાયો અને અનેક સીટો પર ક્રાંતિ કરી બતાવી. ૮૦ ટકાથી વધુ મતદાન એક તરફી કરાવ્યું પરંતુ ૨૦૧૭ની ચૂંટણી બાદ ધીરે-ધીરે અવગણના કરી, નિયમો બતાવવા લાગ્યા, તોછડાઈ ભર્યું વર્તન થવા લાગ્યું, મેં શું ભુલ કરી એ મને સમજાતી નથી, જ્યાં દીવા હતા ત્યાં હેલોજન આપી, અરે અમે તો પ્રેમથી માગો તો સર્વસ્વ આપી દઈએ, અનેક બાબતોમાં ભેદભાવ જોયો, ટિકિટોમાં સોદા થતા હતા, ક્યાંક ભલામણ કરાતી હોય, એક બાબત ચોક્કસ જોઇ ઈમાનદાર અને મજબૂત લોકોને નબળા લોકો દબાવવાનો પ્રયત્ન કરે છે. કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો છે, તેમને હવે તાકાત બતાવવાનો સમય આવી ગયો છે. આપણા ઉમેદવારનું નિશાન ગેસનો બાટલો છે અને ઘણા લોકોમાં ગેસ ભરાઇ ગયો છે. ગેસના બાટલાથી તેમનો ગેસ નીકાળી દેવો છે. બીજાને હરાવવા અમે નથી નીકળ્યા. અમે તો જીતવા નીકળ્યા છીએ તેનો પાવર બતાવી દેવો છે.