લડખડાતી બેંકીંગ સિસ્ટમ પડી ભાંગવાનાં આધારે પહોંચી હોવાની લાલબત્તી: મતિભ્રષ્ટ અને રાજગાદીલક્ષી રાજકીય ક્ષેત્રે છેલ્લે પાટલે બેસવા સુધી પહોંચવાની સંભાવના: દેશભકતોની સેના રચીને મેદાને પડવાનો સમય પાકી ગયો હોવાની ટકોર : ધર્મક્ષેત્ર રાષ્ટ્રધર્મ નહિ બજાવે તો બેશક પસ્તાશે !
જનની જન્મભૂમિ શ્ર્વ સ્વર્ગાદપતિ ગરિયસી’
જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ અધીકપ્રિય અને ચઢિયાતા છે.
આપણા દેશની સંસ્કૃતિ વેદકાળથી આમ કહેતી આવી છે અને માનતી આવી છે. જનની (એટલે માતા) અને જન્મભૂમિ (એટલે કે ભૂમિ પર જન્મ પામ્યો તે ભૂમિ) સ્વર્ગથી પણ વધુ મન મધુર અને ચઢિયાતી છે…આપણી આ સંસ્કૃતિને આપણે તેને મૂકી દીધી છે. અને આપણી આ ભાવનાને આપણે પૂરેપૂરી ખોઈ બેઠા છીએ. આપણા રાજકીય ક્ષેત્રે એને સમૂળગી ઉચ્છેદી છે અને એને મતિભ્રષ્ટતા,પાપાચાર, દુષ્ટતા, નિમકહલાલી, હેવાનિયત તેમજ જે દેશદ્રોહની લગોલગ આવે એવી લૂંટાલૂંટનો અડ્ડો બનાવી દીધું છે.
આપણા રાજકારણીઓ પૈકી મોટાભાગનાએ આપણી માતૃભૂમિને છેક હીનસ્તર સુધી બેઆબ કરી છે. અને છેલ્લી કોટિ સુધી કલંકિત કરી છે. દ્રૌપદીનાં વસ્ત્રાહરણથી વધુ લજિજત માતૃભૂમિને ખાતર મોતને ભેટેલા નરનારીઓ આજેય આપણા દેશના ઈતિહાસમાં અજર અમર છે. મહારાણા પ્રતાપ અને ભામાશાની વતન પરસ્તી દેશના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત છે. છત્રપતિ શિવાજી અને માતા જીજીબાઈ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, અહલ્યાબાઈ અને ખુદીરામ બોઝ, ભગતસિંગ, નાનારાવ પેશ્ર્વા અને શિવરામ, સુખદેવ તથા અન્ય કેટકેટલા નરવીરોએ માતૃભૂમિને ખાતર તેમના પ્રાણની આહૂતિઓ આપી… તે પછી સ્વાતંત્ર્ય સંગ્રામમાં બાળગંગાધર ટિળક, ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષ બોઝ, સહિત મહાત્મા ગાંધીએ માતૃભૂમિની આઝાદી ખાતર તેમના મૂલ્યવાન જીવન સમર્પિત કર્યા.અને એક બુલંદ અવાજ હિન્દુસ્તાનમાં ઠેર ઠેર એવા પડઘા પાડી રહ્યો કે,
‘નથી જાણ્યું અમારે મારગે શી આફત ખડી છે
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે’
આવી માતૃભૂમિ માટે આપણી વેદિક સંસ્કૃતિએ એમ કહ્યું હતુ કે, ‘જનની જન્મભૂમિ શ્ર્વ સ્વર્ગાદપતિ ભગરિયસી’ લેખાય એટલી ચરમસીમાએ આ દેશનું રાજકીય ક્ષેત્ર, રાજપુષો, રાજનેતાઓ તથા રાજકર્તાઓ પહોચ્યા હોવાની ફરિયાદો અહીં થઈ ચૂકી છે.તાજેતરમાં જ યશ બેંકની નામોશીભરી ઘટનાએ આ બાબતનો પૂરાવો આપ્યો છે.
અહી એમ કહેવું જ પડે છે કે, જો યશ બેંકની ઘટનામાંથી બોધપાઠ લઈને આપણા દેશના સુકાનીઓ તેમની આર્થિક નીતિમાં ધરખમ બદલાવ નહિ લાવે અને એવાં મૂળમાં જઈને કૌભાંડકારોને તેમજ દુરાચારીઓને સખ્તમાં સખ્ત સજા નહિ કરે તો દેશની અતિ બૂરી દશા થશે. ધનિક મગરમચ્છો અને તેમના મળતિયાઓ આપણાદેશના અર્થતંત્રને ઓહિંયા કરી જવાને આરે છે. અને આપણાદેશમાં બેંક કૌભાંડો હવે કૌભાંડકારોને કોઠે પડી ગયા છે. એમ ભાગ્યે જ કશીક અતિષયોકિતનો દોષ રહે છે.
આપણી બેંકીંગ સિસ્ટમ ઠેસ -ઠેબાં ગડથોલિયાં ખાતી ખાતી લડખડાતી થઈ ચૂકી છે. એને પૂન: પૂર્ણપણે સજીવ અને ટટ્ટાર કરવામાં નાકે દમ આવે તેમ છે. રાજગાદીલક્ષી અને મતિભષ્ટ રાજકારણીઓ એનાં કટ્ટર શત્રુઓ છે એ ગમે ત્યારે છેલ્લે પાટલે બેસી શકે છે. એમનું ચાલે તો દેશની ગમે તે પૂંજા તેઓ વેંચી મારે તેમ છે. આ એક અતિ બિહામણી નિશાની છે. એમાં દેશના અસ્તિત્વનો નહિ તો દેશના સ્વાતંત્ર્યની રખેવાળીનો સવાલ છે.સાચા દેશભકતોની દેશભકિતની અત્યારે કસોટી છે. દેશભકતોની સેવા ન હોયતો રચવા જોઈએ. ક્દાચ એવી સેનાની નજીકના ભવિષ્યમાં જર પડશે. પછી ભલે એવા સેનાપતિ વડાપ્રધાન હોય કે વિરોધ પક્ષોના નેતા હોય કે સવા અબજની પ્રજાના કોઈ નેતા હોય !
એવી સેનાને મેદાને પડવાનો સમય પાકી ગયો છે. ધર્માચાર્યો, ધર્મગૂઓ અને મંદિર -સંસ્કૃતિનાં મહારથીઓ પણ આખરે તો આ દેશમાં જન્મ્યા કે ઉછર્યા છે. આ દેશમાં પોષાયા છે. આ દેશની રખેવાળીની જવાબદારી એમની પણ છે. એમણે રાજદ્વારીઓ સાથે સાંઠગાંઠ ન જ રાખવી જોઈએ અને નિજી સ્વાર્થને ખાતર રાષ્ટ્રના હિતોને હાની પહોચે એવું કશું જ ન કરવું જોઈએ.રાજકારણીઓ તેમજ ધર્મગૂઓ-ધર્માચાર્યો વચ્ચેની સાંઠગાંઠે આ દેશને નુકશાન પહોચાડવામાં કાંઈ બાકી રાખ્યું નથી.ધર્મક્ષેત્રે નિજી ‘વાહવાહ’ને બદલે રાષ્ટ્રધર્મ પ્રત્યે વફાદારીની જ ખેવના કરવી જોઈએ. જો ધર્મક્ષેત્ર રાષ્ટ્રધર્મ બજાવવામાં નિષ્ફળ જશે તો બેશક પ્રસ્તાશે !