વિશ્વના નાના-મોટા શહેરો તમામ ડુબી જવાની આશંકા: ૫૭ બિલીયન ટન બરફ ઓગળવાની સામે માત્ર પ્રતિવર્ષ ૫ બિલીયન ટનનો જ બરફ બને છે જે ચિંતાનો વિષય
હાલ એન્ટાટીકામાં બરફ ખુબ જ ઝડપથી ઓગળી રહ્યો છે જેનું કારણ ગ્લોબલ વોર્મિંગને પણ માનવામાં આવી રહ્યું છે. એન્ટાટીકામાં ઝડપથી ઓગળતા બરફ વિશે સંશોધન કરતા અનેકવિધ સાયન્ટીસ્ટોએ જણાવ્યું હતું કે, જે માનવનિર્મિત ગ્લોબલ વોર્મિંગ કરવામાં આવી રહ્યું છે તે મુખ્ય કારણ છે અને એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો એન્ટાટીકા પૂર્ણરૂપથી ઓગળી જશે તો દરીયાનું લેવલ ૨૦૦ ફુટ વધશે. જેનાથી વિશ્વના નાના-મોટા તમામ શહેરો ડુબી જવાની પણ આશંકા સેવાઈ રહી છે.
એન્ટાટીકાનો પૂર્વ ભાગ ખુબ જ ઝડપથી ઓગળી રહ્યો છે. વાત કરવામાં આવે તો ૨૦૦૯ થી ૨૦૧૭ સુધીમાં ૨૫૨ બિલીયન ટન પ્રતિવર્ષનો બરફ ઓગળી રહ્યો હોવાનું તારણ બહાર આવ્યું છે. જયારે ૧૯૭૯થી ૧૯૯૦ સુધી એવરેજ ૪૦ બિલીયન ટનનો બરફ ઓગળતો હતો જેમાં વધારો થતા ગ્લોબલ વોર્મિંગ કારણ માનવામાં આવી રહ્યું છે જો આ જ સ્થિતિ આવનારા વર્ષોમાં રહી તો તે દિવસ દુર નથી જયારે એન્ટાટીકા પૂર્ણરૂપથી ઓગળી જશે અને દરીયાનું લેવલ ૨૦૦ ફુટ પહોંચશે જે વિશ્વ માટે ખુબ જ ચિંતાનો વિષય બન્યો છે. આ સર્વે નેશનલ એકેડમી ઓફ સાયન્સીસ દ્વારા કરવામાં આવ્યો હતો.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એન્ટાટીકાનો જે બરફ ઓગળી રહ્યો છે તે દરીયામાં ૧૩.૨ મિલીમીટર એટલે કે ૦.૫ ઈંચનું સ્તર વધારી રહ્યું છે પાછલા ૪૦ વર્ષોમાં. આવનારી સદીમાં જો આજ પરિસ્થિતિ રહી તો દિન-પ્રતિદિન બરફમાં થતો ઘટાડો વિશ્વને ચિંતામાં મુકી દેશે જે પરીણામ સ્વરૂપે નાના-મોટા શહેરોને પણ ડુબાડી દે તો નવાઈ નહીં. ગ્રીનલેન્ડથી એન્ટાટીકા, બાંગ્લાદેશથી ફલોરીડા અને લંડનથી સાંઘાઈ સુધી એન્ટાટીકાના બરફમાં થતા ઘટાડાની અસર જોવા મળશે. રીપોર્ટ પ્રમાણે ૧૯૯૨થી ૨૦૧૭ સુધીમાં એન્ટાટીકાનો ૧૬૯ બિલીયન ટન બરફ ઓગળી ગયો હતો. જયારે ૨૦૧૮ની વાત કરવામાં આવે તો ૧૦૯ બિલીયન ટનનો પણ ઘટાડો જોવા મળ્યો હતો જે વૈશ્વીક સ્તર ઉપર ખુબ જ મોટી અને ગંભીર વાત ગણી શકાય.
પૂર્વ એન્ટાટીકા ૫૭ બિલીયન બરફ ઓગળતાની સામે માત્ર ૫ બિલીયન ટનનો જ બરફ બને છે જે ગત ૨૦૧૮નો આંકડો છે એટલે કે ૫૨ બિલીયન ટનનો ઘટ પણ જોવા મળી રહ્યો છે જે પ્રતિવર્ષ તેમાં વધારો થતો હોય તેમ વૈજ્ઞાનિકોનું માનવું છે એટલે કે વિશ્વમાં જો ગ્લોબલ વોર્મિંગ ઉપર કાબુ કરવામાં નહીં આવે તો આ ગંભીર સમસ્યા વિશ્વને ખુબ જ તકલીફ પહોંચાડશે અને સર્વે પ્રમાણે જે વાત સામે આવી રહી છે કે જો બરફ ઓગળવાની સ્થિતિ જે પ્રવર્તી છે તેવી રહી તો આવનારા દિવસોમાં દરીયાઈની સપાટી ૨૦૦ ફુટ વધી જશે અને તમામ નાના-મોટા શહેરોને તેની માઠી અસર પણ જોવા મળશે.