- પોલીસ કમિશનરથી માંડી કોન્સ્ટેબલ સુધીના તમામ અધિકારી-કર્મચારીઓ ઓન ફિલ્ડ રહેશે
- મંજૂરી વિનાના એકપણ આયોજનને ચાલુ રહેવા દેવામાં આવશે નહિ : પોલીસ કમિશનર બ્રજેશ ઝા
થર્ટી ફર્સ્ટની રાત્રે યુવાવર્ગમાં અંગ્રેજી કેલેન્ડરના નવા વર્ષને આવકારવાનો થનગનાટ હોય છે ત્યારે નવા વર્ષના આગમન પૂર્વે કોઈ અસામાજિક અને લુખ્ખા તત્વો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હાનિ ન પહોંચાડે તેમજ નશાકીય પદાર્થનું સેવન કરી છાકટાવેળા ન થાય તેના માટે પોલીસ ખાસ બંદોબસ્ત પ્લાન ઘડી કાઢ્યો છે. આજે રાત્રે પોલીસ કમિશ્નરથી માંડી કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઓનલાઇન ફિલ્ડ રહેનાર છે. નબીરાઓ, નશેડીઓ અને આવારાતત્વો જો આજે રાત્રે સહેજમાં છાકટાવેળા કરશે તો નવા વર્ષની ઉજવણી જેલમાં કરવી પડશે તેવો સ્પષ્ટ સંકેત પોલીસે આપી દીધો છે. ઉલ્લેખનીય બાબત છે કે, નવા વર્ષની ઉજવણી માટે થતાં આયોજનોએ ફરજીયાતપણે પોલીસની મંજૂરી લેવાની હોય છે, જે આયોજકોએ મંજૂરી નહિ લીધી હોય તેમના આયોજન કોઈ પણ સંજોગોમાં ચાલુ રહેવા દેવામાં આવશે નહિ તેવું પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ સ્પષ્ટ કરી દીધું છે.
પ્રાપ્ત વિગત અનુસાર થર્ટી ફર્સ્ટની રાત્રે જયારે લોકો અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નવા વર્ષની ઉજવણી માટે થનગની રહ્યા હોય ત્યારે આવારા તત્વો રંગમાં ભંગ પાડે નહિ માટે પોલીસે કમર કસી લીધી છે. શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ આ અંગે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેર પોલીસ લોકોની સુરક્ષા માટે કટ્ટીબદ્ધ છે ત્યારે મારા સહીત તમામ અધિકારીઓ-કર્મચારીઓ ઓનલાઇન ફિલ્ડ રહેનાર છે. પોલીસની મંજૂરી વગર થઇ રહેલા આયોજનો કોઈ પણ સંજોગોમાં ચાલુ રહેવા દેવામાં આવશે નહિ, તાત્કાલિક પોલીસ આવા આયોજનો બંધ કરાવી દેશે તેવું તેમણે જણાવ્યું હતું. ઉપરાંત પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ જણાવ્યું હતું કે, બંને ઝોનના ડીસીપીને આવા આયોજનો બંધ કરાવી દેવા સૂચના આપી દેવામાં આવી છે.
થર્ટી ફર્સ્ટ અનુસંધાને શહેરના 13 પોલીસ મથકની અલગ અલગ ટીમો મેદાનમાં રહેનાર છે. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લ્યુ, એલસીબી સહીતની પોલીસ દ્વારા પેટ્રોલિંગ તેમજ ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે.
ડ્રગ્સ લીધું છે કે નહિ? ફક્ત એક મિનિટમાં ખબર પડી જશે
શહેર પોલીસ દ્વારા દર વર્ષે બ્રેથ એનેલાઇઝર વડે પ્રોહીબીશનના કેસો શોધી કાઢવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ બ્રેથ એનેલાઇઝર વડે ચેકીંગ તો કરવામાં આવનાર જ છે. સાથોસાથ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ(એસઓજી) દ્વારા અલગ અલગ રાજમાર્ગો પર ડ્રગ્સ કીટ એનેલાઈઝર વડે ચેકીંગ કરવામાં આવનાર છે. આ કીટ વડે ફક્ત 60 સેક્ધડમાં જ એમડી, કોકેઈન, ચરસ, ગાંજા સહિતના નાર્કોટિક્સનું સેવન કર્યું હશે તો ખબર પડી જશે.
13 શી ટીમ ફરજ બજાવશે, 300 ટ્રાફિક જવાનોનો બંદોબસ્ત
થર્ટી ફર્સ્ટ અનુંસંધાને ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેર પોલીસની અલગ અલગ 13 શી ટીમ યુનિફોર્મમાં ફરજ બજાવનાર છે. જેઓ પેટ્રોલિંગની સાથે ખાનગી આયોજનો પર પણ નજર રાખી મહિલા સુરક્ષા માટે ફરજ બજાવશે. ઉપરાંત શહેરમાં કોઈ ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાય નહિ તેના માટે અલગ કુલ 300 પોલીસ જવાનોનો બંદોબસ્ત પણ ગોઠવવમાં આવનાર છે.
ડ્રોન વડે ફાર્મ હાઉસ, ખાનગી આયોજનો પર બાજ નજર રખાશે
શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ આવારા તત્વોને બાનમાં રાખવા તમામ તૈયારીઓ કરી લીધી છે. જેના ભાગરૂપે એસઓજી દ્વારા શહેરના અલગ અલગ ફાર્મ હાઉસ તેમજ ખાનગી આયોજનો પર ડ્રોન વડે બાજ નજર રાખવામાં આવનાર છે.
નવ આયોજકોએ અરજી કરી, કાગળો પૂરતા હશે તો સાંજ સુધીમાં મંજૂરી આપી દેવાશે : એડી.સીપી મહેન્દ્ર બગડીયા
શહેરમાં થતાં અલગ અલગ આયોજનો અંગે એડિશનલ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ સુધીમાં પોલીસને અલગ અલગ કુલ નવ આયોજનો માટે અરજી મળી છે. જેના કાગળોથી માંડી ફિલ્ડ વિઝીટ સહીતની કાર્યવાહી ચાલી રહી છે. જો તમામ કાગળોથી માંડી જાહેરનામા મુજબના સાધનો અને વ્યવસ્થા હશે તો આજ સાંજ સુધીમાં મંજૂરી આપી દેવામાં આવશે. મંજૂરી વિનાના એક પણ આયોજનો ચાલુ રહેવા દેવામાં આવશે નહિ તેવું તેમણે પણ ઉમેર્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચની પાંચ, એસઓજીની ત્રણ અને ઈઓડબ્લ્યુની બે ટીમો ચેકીંગમાં જોડાશે
શહેર પોલીસમાંથી મળતી વિગતો અનુસાર તમામ પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહીતની મહત્વની બ્રાન્ચો પણ ચેકીંગમાં જોડાનારી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચની પાંચ ટીમો, એસઓજીની ત્રણ ટીમો અને આર્થિક ગુના નિવારણ શાખાની બે ટીમો એમ કુલ દસ ટીમો પણ અલગ અલગ રાજમાર્ગો અને પોઇન્ટ પર આધુનિક મશીનો વડે ચેકીંગ ઝુંબેશ હાથ ઘરનાર છે.