જસદણ ભાજપના નેતાની ઓડિયો ક્લિપ વાયરલ થયાબાદ ગજેન્દ્ર રામાણીનું નિવેદન
ચૂંટણીના પરિણામનાં બે દિવસ પૂર્વે જસદણ બેઠક પર ભાજપના પીઢ નેતાઓએ જ ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાને હરાવવા પ્રયાસ કર્યા હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. ગજેન્દ્રભાઈ રામાણી એ જસદણ બેઠક ઉપર ભાજપની ટિકિટ માટે દાવેદારી પણ કરી હતી અને સેન્સની પ્રક્રિયા દરમિયાન દાવેદાર તરીકે સેન્સ આપવા પણ ગયા હતા. આ અંગે જસદણ શહેરના પીઢ આગેવાનની એક કથિત ઓડિયોક્લિપ વાયરલ થઈ હતી. જેમાં જસદણમાં ભાજપના પીઢ નેતા ગજેન્દ્રભાઈ રામાણી ખુદ કોંગી ઉમેદવાર ભોળા ગોહિલને સમર્થન આપતા હોવાની પ્રત્યક્ષ રીતે સાંકેતિક ભાષામાં વાત કરે છે તથા ઓડિયોક્લિપમાં જય ભોળાનાથ કોડવર્ડ સાથે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાને હરાવવાની વાત પણ કરે છે. આ ઓડિયા કલીપમાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરાનું નામ પણ સામે આવ્યું છે. આ મામલે કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, આ ટોળકી પહેલેથી જ પાર્ટી વિરુદ્ધનું કામ કરે છે અને તેમાં ભરતભાઈ બોઘરા પણ સામેલ છે. હવે કમલમમાં ફરિયાદ થશે. એ તો સર્વવિદિત છે કે જસદણ બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવાળીયા ચૂંટણી લડ્યા છે. ત્યારે જસદણમાં ભાજપના આગેવાનો દ્વારા જ તેમનો વિરોધ કરાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ગજેન્દ્રભાઈ રામાણીની ઓડિયો કલીપના અંશો
ભાજપ નેતા: આપણે તો જય ભોળાનાથ
વ્યક્તિ: પરંતુ અમે તો તમારી સાથે છીએ
ભાજપ નેતા: ભરતભાઈએ કીધું નહીં હોય તમને
વ્યક્તિ: ભરતભાઈએ જેવું તેવું કહ્યું
ભાજપ નેતા: આતો અમે ખુલીને ન કહી શકીએ બધું કહીએ તો ખુલ્લું પડી જાય એટલે ભોળાનાથ બોલીએ એમાં સમજી જવાનું
વ્યક્તિ: મને પણ એ જ થયું કે આ કોઈ દેખાતા નથી શું ચાલે છે કંઈ સમજાયું નહીં
ભાજપ નેતા: તમે હજુ ન સમજ્યા હું ક્યાં ભાજપનો કોઈપણ કાર્યકર દેખાય છે? જસદણ-વિંછીયામાં ભાજપના જે મૂળ છે તે ક્યાંય દેખાતા નથી માત્ર બાવળીયા સાહેબની સાથે જે આવ્યા હોય એ લોકો જ જાય છે
વ્યક્તિ: ઠીક અમને તો વધુ ખબર ન હોય એટલે શું ચાલે છે તેનાથી અમે તો અજાણ છીએ
ભાજપ નેતા: ભાઈ! અમે રોજ સવારે કારખાને શાંતિથી બેસીએ અને બેઠા બેઠા ભોળાનાથની જય કરીએ હવે તો તમારા મગજમાં બેઠું ને!
વ્યક્તિ: હા, હવે સમજાયું
ભાજપ નેતા: અમે તો કોઈને આ બાબતે કહેતા જ નથી કોઈને પૂછતા પણ નથી અને કોઈ સાથે ફોન પર વાત પણ નથી કરતા.
વ્યક્તિ: તમારી વાત સાચી છે પરંતુ અમે તો તમારા જ હિસાબે ભાજપમાં હતા. બાકી પહેલા તો અમે કોંગ્રેસમાં હતા હવે તમે આમ કરો તો અમે શું કરીએ
ભાજપ નેતા: હા પરંતુ અમે આ વખતે ભાજપ સાથે જ છીએ, ક્યાં ભાગી ગયા! એવું કંઈ નથી પરંતુ આ વખતે 80-90% ટકા ભાજપ વાળા જ જય ભોળાનાથ બોલાવે છે આપણે પણ શાંતિથી બેઠા છીએ ભોળાનાથ ની સામે આપણને શું વાંધો હોય ભોળાનાથનું નામ જ લેવાનું છે ને ખાલી
વ્યક્તિ: તમે આમ કહો છો તો ઉપર બધાને ખબર છે?
ભાજપ નેતા: ઉપર પક્ષમાંથી અને પ્રદેશમાંથી જ સૂચના છે, પ્રદેશ અને જિલ્લામાંથી તમામ લોકો રાજી છે પ્રદેશમાંથી પણ એવો આદેશ નથી આવ્યો કે આ સીટ પર ધ્યાન રાખો નહીંતર તો નેતાઓ પ્રચાર પ્રસાર કરવા આવતા જ હોય ને પણ આ વખતે એટલે જ નથી આવ્યા બધાને જય ભોળાનાથ બોલવામાં રસ છે
વ્યક્તિ: પ્રદેશ વાળાને આમાં રસ નથી? બોઘરા સાહેબને કેવું ચાલે છે
ભાજપ નેતા: બધાનું ભોળાનાથ જ છે એ ખુલ્લું થોડું કહી શકાય
વ્યક્તિ: ના હું તો એટલે પૂછી રહ્યો છું કે ઉપર લેવલે પણ ખબર પડે ને
ભાજપ નેતા: પરંતુ હું કહી રહ્યો છું કે તે ભોળાનાથ કહે છે એટલે તેમની મીઠી નજર પણ આ વાતમાં હોય એવું તમને ન ખબર પડે?
વ્યક્તિ: હા તો તો સાચી વાત છે
ભાજપ નેતા: ઉપર હેડ ઓફિસથી પરવાનગી મળી હોય તો જ આવું કહેતા હોય ને આમ પણ એ વિસ્તારમાં પ્રચાર દરમિયાન તેઓ આવ્યા નથી મારું ખાલી એટલું જ કહેવાનું છે કે અમારા જસદણ તાલુકો-વિંછીયા તાલુકો અને જસદણ ગામ એમાં અત્યારે ભોળાનાથ જ છે
વ્યક્તિ: હા હવે હું સમજી ગયો
ભાજપ નેતા: બધા જાણે છે કોઈ કોઈને કહેતું નથી પૂછે તો જ જય ભોળાનાથ કહે છે
વ્યક્તિ: હા આપણે જો આવું કહીએ તો ખુલ્લું પડ્યા જેવી સ્થિતિ થાય
ભાજપ નેતા: ભલે ત્યારે જય સોમનાથ
વ્યક્તિ: જય સોમનાથ
જસદણ ભાજપના પીઠ અગ્રણી અને જસદણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણીએ જણાવ્યું હતું કે ઓડિયો ક્લિપ માં હું જય ભોળાનાથ બોલું છું તેને લઈને મારી પર ખોટા આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ સંતપુરુષ કહી શકાય તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હિન્દુ રાષ્ટ્ર ભારત દેશમાં જો જય ભોળાનાથ બોલવું તે ગુનો હોય તો મને ફાંસીએ ચડાવી દો. જય ભોળાનાથ બોલવાથી જો મને ફાંસી થતી હોય તો હું હોશભેર ફાંસીએ ચડવા પણ તૈયાર છું તેમ ગજેન્દ્રભાઈ રામાણીએ જણાવ્યું હતું.
ગજેન્દ્ર રામાણીએ મારી વિરુદ્ધ ખુલ્લેઆમ પ્રચાર કરેલ છે : કુંવરજીભાઈ બાવળીયા
જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ઓડિયો સાબીત કરે છે કે ગજેન્દ્રભાઈ રામાણીએ મારા વિરુદ્ધ ચૂંટણી દરમિયાન કામ કર્યું છે. જય ભોલેનાથ કરીને સાંકેતિક ભાષામાં તેઓ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરતા હતા.
અગાઉ પણ ગજેન્દ્રભાઈ રામાણીએ મારી વિરુદ્ધ ખુલ્લેઆમ પ્રચાર કર્યો હતો. જેમાં નગરપાલિકાના પ્રમુખ અને અન્ય પાંચ – છ લોકો સામેલ છે. આ મામલે ઉપર રજૂઆત કરી હતી. જો કે તે સમયે યોગ્ય કાર્યવાહી ન થતા આજે ફરીવાર તેમણે આવી હરકત કરી છે.
ઓડિયો કલીપમાં સ્પષ્ટ પણે ભરતભાઈ બોઘરાનું નામ બોલાય છે એટલે તે પણ પક્ષ વિરુદ્ધની કામગીરીમાં સામેલ હશે. હું સમગ્ર મામલે હાઈકમાન્ડમાં અને કમલમમાં ફરિયાદ કરીશ.