કોરોના સામેની લડાઈમાં રસીકરણ જ એકમાત્ર અસરકારક ઈલાજ સમાન મનાઈ રહ્યું છે. મહામારીમાંથી ઉગરવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. સંભવિત ત્રીજી લહેરના તોળાતા ખતરા સામે ભારતમાં રસીકરણ ઝુંબેશ વધુ તેજ બની છે. પરંતુ હજુ રસીની આડઅસરને લઈને ગ્રામ્ય સહિતના અનેક વિસ્તારોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. રસી પ્રત્યેની આ નકારાત્મક માનસિકતા દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે “મન કી બાત” રેડિયો કાર્યક્રમમાં એક અનોખું ઉદાહરણ આપ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના રાજેશ હીરાવે નામના એક ગ્રામ્ય રહેવાસી સાથે વાત કરતી વખતે લોકોના મન-મગજ પર રહેલા રસીના ડરને દૂર કરવાનો પ્રયાસ કર્યો. તેણે પીએમને જણાવ્યું કે, વોટ્સએપ પરના મેસેજીસના કારણે તે ડરી ગયો હતો અને તેને રસી ન લીધી. આના પર પીએમ મોદીએ પોતાનો અને તેની માતાનો અનુભવ જણાવતાં કહ્યું કે રસીથી ડરવાની જરૂર નથી. મારા માતા તો 100 વર્ષના છે તેમણે રસીના બંને ડોઝ લીધા છે. મેં પણ રસીના બંને ડોઝ લઈ લીધા છે. રસીથી માત્ર સામાન્ય તાવ આવે છે બીજી કોઈ આડઅસર થતી નથી. આથી ડર દુર કરી ફરજીયાત તમામ લોકોએ રસી લેવી જોઈએ
પીએમ મોદીએ કહ્યું કે આખું વર્ષ રાત-દિવસ, 24 કલાક ર ઘણા મહાન વૈજ્ઞાનિકોએ મહેનત કરી રસી બનાવવા પર કામ કર્યું છે અને તેથી જ આપણે આપણાં વૈજ્ઞાનિકો પર વિશ્વાસ કરવો જોઈએ. ખોટી માહિતી ફેલાવનારા લોકોને ફરીથી સમજાવવા જોઈએ કે ભાઈ રસી લેવાથી એવું બનતું નથી. ઘણા લોકોએ રસી લીધી છે, એમને કંઇ થતું નથી. કોરોના સામે જીત મેળવવા રસી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ “મન કી બાત”ના 78માં સંસ્કરણની શરૂઆતમાં લોકો પાસેથી ઘણા પ્રશ્નોના જવાબ મંગાવ્યા હતા. આનો જવાબ આપીને, તમે ઇનામો પણ જીતી શકો છો. તેમણે ટોક્યો ઓલિમ્પિક્સ વિશે શક્ય તેટલું જાણવા અને અન્ય લોકો સાથે શેર કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ પ્રખ્યાત દોડવીર મિલ્ખા સિંઘને પણ યાદ કર્યા. થોડાં દિવસો પહેલા કોવિડથી સાજા થયા બાદ સિંઘનું મોત નીપજ્યું હતું.