વહિવટકર્તાઓ-રાજકર્તાઓ જે કાયદાઓ ઘડે તે પ્રજાની સુવિધા અને પ્રજાની સવલતો માટે જ હોય છે અને એજ હેતુ હોવો જોઈએ
કાયદા પ્રજાની સુખાકારી અને સુચારી માટે નહીં કે લૂંટ માટે !!!
પ્રજા વિફરે અને વિદ્રોહ કરે ત્યારે ભલભલા તાના શાહો અને જુલ્મગારોને ઝૂકવું પડે છે એ સનાતન સત્ય છે અને ઈતિહાસ એની સાક્ષી પૂરે છે. આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં ખૂંખાર લશ્કરી સરમુખત્યાર અયુબખાનને વિદ્યાર્થીઓ સમેત જનવિદ્રોહની સામે પાકિસ્તાન છોડીને નાસી જવું પડયું હતુ.
એક જમાનામાં મગધમાં નિરંકુશ અને આપખુદીના ત્રાસ તેમજ તોછડાઈ ભર્યું શાસન ચલાવતા ધનાનંદને તેની તમામ એકા ધિકારવાદી સત્તાને પ્રજાના સાથ વડે જડમૂળથી ઉખાડીને ફગાવી દેનાર વિષ્ણુગુપ્ત ચાણકય અને ચંદ્રગુપ્ત આજેય ઈતિહાસના સોનેરી પ્રકરણમાં મોજૂદ છે.
‘ટ્રાફિક ટેરર’ વાદી સત્તાધીશોએ આ ઈતિહાસને ભૂલવા જેવો નથી.
આપણે ત્યાં લોકશાહી શાસન પધ્ધતિ છે. અને ચૂંટણીઓ આવે છે, એ પણ યાદ રાખવા જેવું છે…
મોટર વ્હીકલ્સ એકટમાં થયેલા સુધારા લાખો પ્રજાજનો માટે ત્રાસદાયક બની રહ્યા હોવાથી રાજકોટમાં તેની વિરૂધ્ધ જન આંદોલનનો તખ્તો ઘડાઈ રહ્યો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર અને સૌરાષ્ટ્ર ચેમ્બર મળી સંસ્થાઓ લોકોની સમસ્યા વખતે મુંગીમંતર બેઠી છે. પણ સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ સહિત અનેક નાના મોટા સંગઠનોએક બની રહ્યા છે. અને રાજકોટ બંધ સહિતના વિરોધાત્મક કાર્યક્રમો નકકી કરીને તબકકાવાર અમલમાં મૂકનાર છે. હવે પછી આ પ્રજાકીય આંદોલનના કાર્યકમો તૈયાર કરી ટ્રાફીક સુધારાના કારણે પ્રજાને પડતી હાડમારીઓને વાચા આપવા પ્રજાકીય લડતના મંડાણ કરશે.
આ મુદે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ સવિનય કાનુન ભંગ સ્કુટર રેલી કાઢવા વિચારણા કરાશે. તેમાં કોલેજ સ્ટુડન્ટસને પણ જોડાશે તેમાં કોલેજ સ્ટુડન્ટસને પણ જોડાશે. અને વેપારીઓ પણ દુકાનો બંધ રાખીને સામેલ થશે કે કેમ તે તેમને પુછાશે. આ સિવાય દુકાને દુકાને કાળા વાવટા ફરકાવીને સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરાશે. બાદમાં ત્રિકોણબાગ ચોક ખાતે ઉપવાસ ધરણા અને તે પછી પણ ન્યાય ન મળે તો ભગતસિંહની ક્રાંતીકારી નીતિ અનુસરાશે રાજકોટ બંદનું એલાન આ દરમિયાન કોઈ તબકકે અપાઈ શકે છે. પણ માત્ર અડધા દિવસનો જ બંધ પાળવામા આવશે. કેમકે વેપારીઓ આમ પણ મંદી, આર્થિક સંકડામણથી તકલીફમાં છે. જંકશન પ્લોટ, લાખાજીરાજ રોડ, ગુંદાવાડી અમે જુદા જુદા વિસ્તારમાં ત્યાંના વેપારી સંગઠનો જવાબદારી લેશે. લોધીકા જીઆઈડીસીએસો. ભકિતનગર ઈન્ડસ્ટ્રીયલ એસો. મેડીકલ એસો. કિશાન સંઘ વગેરેનું પણ સમર્થન મળીરહ્યું હોવાનો આ પરિષદના પીઢ નેતાઓએ દાવો કર્યો હતો.
આ નેતાઓએ ચેમ્બર ઓફ કોમર્સની ટીકા કરતા જણાવ્યું હતુ કે, હેલ્મેટ, પીયુસી, એચએસઆરપી માટે લાખો વાહન ધારકોએ કુટાવું પડી રહ્યું છે. સરકારે પૂરતી વ્યવસ્થા કરાવડાવ્યા વિના જ નિયમો અને આકરા દંડ લાગુ કરી દીધા, રાજકોટમાં આના લીધે અરાજકતા જેવી સ્થિતિ છે છતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ અને સૌરાષ્ટ્ર ચેમ્બરએ ત્રણમાંથી કોઈના હોદેદાર આ મામલે પ્રજાની સમસ્યા ઉજાગર કરવા આગળ આવ્યા નથી. એ ઉપરાંત આ નિયમનો ગેરવ્યાજબી છે એવું નિવેદન પણ નથી આપ્યું અને વ્યાજબી ગણાવીને પ્રજાની આંખે થવાનું પણ ટાળ્યું છે.
ટ્રાફીક ટેરરની ગતિવિધિઓ અને સ્થિતિ સંજોગો વચ્ચે જબરી અરાજકતા સર્જાતા અને રાજયમાં નવા ટ્રાફીક વ્હીકલ એકટને લઈને ભારે વિરોધ જોતા ભેખડે ભરાયેલી ગુજરાત સરકારે પારોઠના પગલા ભરવા પડયા છે. વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ પત્રકાર પરિષદ કરીને ગુજરાતવાસીઓને રાહતના સમાચાર આપ્યા હતા. નવા મોટર વ્હિકલ એકટને લઈને ૧૫ ઓકટો. સુધી મુદત લંબાવાઈ છે.
આપણા ઋષિમૂનિઓએ અને મહાત્માઓએ સાચું જ ર્ક્યું છે કે જયા ‘રામ’ હોય તે જ સ્વરાજ અને તેમની ગેરહાજરી તે જંગલરાજ !’ જંગલરાજમાં ‘મારે તેની તલવાર’ જેવો ઘાટ હોય… નિરંકુશ રાજ હોય ! ગુજરાત ‘કલ્યાણ રાજ’ છે તેને બદલે પ્રજાવિરોધી છાપ ઉભી નહોતી કરવી જોઈતી.
પ્રજાના કલ્યાણ વિરોધી કાયદા પ્રજાને વિશ્ર્વાસમાં લઈને, અને જાહેર ચર્ચા બાદ જ કરવા જોઈએ એમાં જ ડહાપણ ગણાય
પ્રજાના ત્રાસને સમાજ વિરોધી અને પ્રજા-ધર્મ વિરોધી ગણીને એનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરનાર પ્રજાકીય આગેવાનો અનુભવી નેતાઓ છે. એવી પ્રતીતિ કરાવી આપે અને સત્તાધીશો પ્રજાની લાગણીને સ્વીકારવાનું સૌજન્ય દાખવે એમાં લોકશાહીની શોભા વધશે એ નિર્વિવાદ છે.