કેન્દ્ર સરકારે ૧૦ દિવસમાં સુપ્રિમને આપવો પડશે જવાબ!!
દેશભરના ન્યાયપંચમાં મોટી સંખ્યામાં ખાલી રહેલા પદોની લાંબી યાદીથી સુપ્રીમ કોર્ટ નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે, શું આપ ન્યાયપંચને જારી રાખવા માંગો છો કે બંધ કરી દેવા માંગે છે? ચીફ જસ્ટિસ એન.વી.રમણા અને સૂર્યકાન્તની ખંડપીઠે કહ્યું છે કે, વિવિધ ન્યાયપંચમાં ખાલી ટ્રીબ્યુનલ ન્યાયપ્રણાલીના કાર્યને પ્રભાવિત કરી રહી છે. જેના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખંડપીઠે ટ્રિબ્યુનલોમાં ખાલી જગ્યાઓની લાંબી યાદીનું અવલોકન કરીને કહ્યું હતું કે,આ તમામ ટ્રિબ્યુનલમાં ૧૯ પ્રિસાઈડીંગ ઓફિસરો, ૧૧૦ ન્યાયિક સભ્યો અને ૧૧૧ ટેકનિકલ જગ્યાઓ ખાલી છે. ખંડપીઠે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે, આ ટ્રિબ્યુનલની સ્થિતિ છે. અમને ખબર નથી કે, સરકારનું શું વલણ છે? જેના કારણે જગ્યાઓ ખાલી રાખવામાં આવી છે. બેન્ચે એવું પણ કહ્યું કે, તમે આ ટ્રિબ્યુનલ્સ ચાલુ રાખવા માંગો છો અથવા તમે તેમને બંધ કરવા માંગો છો તે અંગે સ્પષ્ટ જવાબ રજૂ લરે.
સોલિસિટર જનરલ મહેતાએ આ પ્રશ્નોના જવાબ આપવા માટે ૧૦ દિવસનો સમય માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટ એડવોકેટ અમિત સાહની દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક જીએસટી ટ્રિબ્યુનલની સ્થાપનાની અરજી પર સુનાવણી કરી રહી હતી. ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે, અમને એવું લાગે છે કે અમલદારશાહી ટ્રિબ્યુનલ ઇચ્છતી નથી. તમે ટ્રિબ્યુનલને અક્ષમ કરી શકતા નથી. જો તમે ટ્રિબ્યુનલ ન માંગતા હો, તો અમે હાઇકોર્ટના અધિકારક્ષેત્રને પુન:સ્થાપિત કરીશું.
મુખ્ય ન્યાયાધીશે કેન્દ્રને કહ્યું કે, જો આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને બોલાવશે. સર્વોચ્ચ અદાલતે મદ્રાસ બાર એસોસિએશન કેસમાં ટ્રિબ્યુનલના સભ્યો માટે લઘુત્તમ કાર્યકાળ અને લાયકાત સંબંધિત તાજેતરના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટે સાહનીની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. આગામી સુનાવણી 16 ઓગસ્ટે થશે.