૧૯૯૬ના ભાવ ૨૦૨૦માં પોસાતા નથી: પીયુસી એસો.
પીયુસી કરાવવા માટેના દરમાં સરકાર તરફથી વધારો કરવામાં નહી આવે તો ૧૫ માર્ચથી અચોકકસ મુદતની હડતાલ પાડવા રાજયનાં પીયુસી સેન્ટર સંચાલકોએ ચીમકી આપી છે.
તા.૧૫થી ઓલ ગુજરાત પીયુસી ઓનર્સ એસો. દ્વારા ખર્ચા પોસાતા ના હોવાને કારણે અચોકકસ મુદત માટે ગુજરાતના તમામ પીયુસી સેન્ટર બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
હાલ પીયુસી જે ભાવ છે તે ૧૯૯૬ની સાલના છે તેના પ્રમાણમાં દરેક સરકારી ફીમાં ૧૦૦૦ ગણા સુધીનો વધારો થયો છે. લોન દાખલ કરવાની ફી ૧૯૯૬માં ૫૦ હતા જે હાલમાં રૂા.૩૦૦૦ છે.
આમ ૧૯૯૬ની સાલથી અત્યારસુધીમાં સરકારી કે ખાનગી કોઈપણ વસ્તુ કે સેવાના ભાવો બમણાથી ૧૦૦૦ ગણા સુધીનો વધારો થયો છે.
સરકારને વારંવાર રજૂઆત કરવા છતા ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી તેથી ના છૂટકે ખર્ચા પોષાતા ના હોવાના કારણે પીયુસી સેન્ટરને તાળા મારવાની નોબત આવી છે.
તા.૧૪.૩ સુધીમાં સરકાર દ્વારા ભાવ વધારો આપવામાં નહી આવે તો અમારે તા.૧૫.૩થી કાયમી ધોરણે પીયુસી સેન્ટરને તાળા મારવાની નોબત આવશે તેમ જણાવાયું છે.