સૌનો સાથ, સૌનો વિકાસના નરેન્દ્રભાઇના સૂત્રને વિજયભાઇએ ગુજરાતમાં પૂર્ણ રીતે ચરિતાર્થ કર્યુ: માંધાતાસિંહ જાડેજા
સેવાની સાથે સૌમ્યતા એમની વિશેષતા રહી: જન્મદિવસના વધામણા પણ લોકોપયોગી કાર્યથી કર્યાં
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીને એમના ૬૪માં જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં રાજકોટના ઠાકોર સાહેબ, ભાજપ અગ્રણી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું કે રાજકોટના વિકાસને જેમણે પોતાનું સમગ્ર જાહેર જીવન અર્પણ કર્યું હતું એ વિજયભાઇએ હવે તમામ શક્તિ ગુજરાતના વિકાસને આગળ વધારવામાં કામે લગાડી દીધી છે જેના ફળ આપણે ચાખી રહ્યાં છીએ. એમણે કહ્યું કે સામાન્ય રીતે પ્રજાવત્સલનું બિરુદ કોઇ પ્રાંતના રાજાને મળે, જેમ કે રાજકોટના લાખાજીરાજબાપુ એ વિશેષણ સાથે ઓળખાતા. પરંતુ વિજયભાઇ એવા મુખ્યમંત્રી છે જે લોકશાહી પ્રણાલિમાં પ્રજાવત્સલ મુખ્યમંત્રી તરીકે ઓળખાય છે.
આવતીકાલે તા. બીજી ઓગસ્ટે જ્યારે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે ત્યારે પોતાનો ભાવ વ્યક્ત કરતાં માંધાતાસિંહજીએ જણાવ્યું કે વિજયભાઇ રૂપાણીનો જન્મદિવસ રાજકોટ આખું ઉત્સાહથી ઉજવે છે એનું કારણ છે કે આ રાજકોટનું એમણે અંગત રીતે ધ્યાન રાખ્યું છે. વિદ્યાર્થી કાર્યકરથી લઇને મુખ્યમંત્રી સુધીની એમની સફરનું રાજકોટ સાક્ષી છે. આ શહેર એમની કર્મભૂમિ રહ્યું છે. રાજકોટના વિકાસ સાથે મારા પરિવારનો પણ સીધો સંબંધ છે, પૂ. લાખાજીરાજ બાપુથી લઇને અમારા પરિવારે આ શહેરની યથાશક્તિ સેવા કરી છે. ત્યારે આપણા આ રાજકોટના પનોતા પુત્ર રાજ્યના મુખ્યમંત્રી તરીકે બિરાજતા હોય એનો અમને રાજકોટ રાજ્ય પરિવાર તરીકે પણ સવિશેષ આનંદ છે.
નરેન્દ્રભાઇ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જે રીતે ગુજરાતને એમણે આંતરરાષ્ટ્રીય સ્તરે મુક્યું એ દિશામાં મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી પણ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને અનુસરીને આગળ વધી રહ્યાં છે. રાજકોટમાં એઇમ્સ હોસ્પીટલ થોડા સમયમાં બનશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બનશે. શહેરમાં ૨૦૦૦૦થી વધારે આવાસ ગરીબો માટે બન્યાં છે. નવા પુલ, શિક્ષણની નવી નવી સંસ્થાઓથી લઇને ઘણી લાંબી થાય એવી વિકાસકામોની યાદી છે. અને વિજયભાઇ રૂપાણએ તમામમાં અંગત રસ લીધો છે.
રાજકોટ પાણીની કાયમી સમસ્યાથી પીડાતું શહેર હતું, વિજયભાઇના સમયમાં લાપાસરી,ખોખડદડી વગેરે યોજનાઓનો અમલ શરુ થયો. રાજ્ય સરકારે જે બોર યોજના વાંકાનેર વિસ્તારમાં કરીને રાજકોટને પાણી પૂરું પાડ્યું એ સમયે પણ શહેર માટે પાણી લાવવામાં વિજયભાઇ સતત સક્રિય રહ્યા હતા. અને પોતે પાણી પુરવઠા મંત્રી અને પછી મુખ્યમંત્રી બન્યા પછી તો નર્મદાનીર અને છેલ્લે સૌની યોજના દ્વારા રાજકોટની જળસમસ્યાનું કાયમ માટે એમણે નિવારણ કર્યું છે. નવું રેસકોર્સ અને અટલ સરોવર જેવી યોજનાઓ પણ રાજકોટને મળી. ત્યારે આવા આપણા પોતાના મુખ્યમંત્રીને જન્મદિવસે ખુબ શુભેચ્છા પાઠવીને એના દીર્ઘ અને નિરોગી આયુષ્ય માટે આપણે સૌ પ્રાર્થના કરીએ એવું માંધાતાસિંહજીએ જણાવ્યું હતું.
૩૦૦૦ વૃક્ષોનું વાવેતર,મુખ્યમંત્રીને રિટર્ન ગિફ્ટ
માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના જન્મ દિવસે મહાનગરપાલિકા જ્યારે અર્બન ફોરેસ્ટ યોજના.શરૂ કરી રહી છે ત્યારે રાજ પરિવાર પણ એમાં પાછળ કેમ રહે? રાજકોટ રાજ્ય પરિવારના કુંવરી મૃદુલાકુમારીએ માધાપર પાસે આવેલી પરિવારની જમીનમાં ૩૦૦૦ વૃક્ષોનું વાવેતર કરાવ્યું છે. મુખ્યમંત્રીશ્રી અને પરિવાર વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. યુવરાજ જયદીપસિહજીના લગ્નમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત હતા. તો પુ.દાદાના સ્વર્ગવાસ વખતે એ ચાલીને અંતિમયાત્રામાં જોડાયા હતા. આવા આ સંબંધ છે ત્યારે રાજકોટને વિકાસકાર્યો અનેક ભેટ આપનાર મુખ્યમંત્રીને રિટર્ન ગિફ્ટ તરીકે આ ૩૦૦૦ વૃક્ષ અમે વાવ્યાં છે.